Get The App

યુરોપના આ દેશની સંસદ પર જ હેકર્સ ત્રાટકયા, ડેટા ચોરાઈ જવાની બીકે સંસદની કાર્યવાહી ઠપ

Updated: Dec 27th, 2023


Google NewsGoogle News
યુરોપના આ દેશની સંસદ પર જ હેકર્સ ત્રાટકયા, ડેટા ચોરાઈ જવાની બીકે સંસદની કાર્યવાહી ઠપ 1 - image

image: Twitter

તિરાના,તા.27 ડિસેમ્બર 2023,બુધવાર

યુરોપના ઉત્તર પૂર્વમાં આવેલા અલ્બાનિયા દેશ પર થયેલા સાઈબર એટેકના કારણે દેશની સંસદનુ કામકાજ ઠપ્પ થઈ ગયુ છે. 

સરકારના કહેવા પ્રમાણે હેકરોએ સંસદની ડેટા સિસ્ટમમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી હતી અને તેના કારણે સંસદની સેવાઓએ અસ્થાયી સમય માટે બંધ કરી દેવામાં આવી છે. સોમવારે થયેલા હુમલામાં જોકે હેકરો ડેટા સુધી પહોંચી શક્યા નથી.  આ મામલાની સાયબર સિક્યુરિટી નિષ્ણાતો તપાસ કરી રહ્યા છે અને તે પછી સિસ્ટમની તમામ સર્વિસ ફરી શરુ કરવામાં આવશે. 

સ્થાનિક મીડિયાના કહેવા પ્રમાણે સંસદની સાથે સાથે સોમવારે સેલફોન પ્રોવાઈડર તેમજ એક ફ્લાઈટને પણ સાઈબર એટેકનો ટાર્ગેટ બબનાવવામાં આવી હતી. એવો દાવો થઈ રહ્યો છે કે, ઈરાન સમર્થિત જૂથ દ્વારા સાયબર એટેક કરવામાં આવ્યો છે. જોકે આ બાબતને હજી સત્તાવાર રીતે સમર્થન અપાયુ નથી. 

આ પહેલા પણ 2022માં અલ્બાનિયા પર સાયબર એટેક થયો હતો અને તે સમયે સરકારે તેના માટે ઈરાનના વિદેશ મંત્રાલયને જવાબદાર ઠેરવ્યુ હતુ. એવુ મનાય છે કે, ઈરાનના વિપક્ષી જૂથ મુજાહિદ્દીન એ ખલ્કના 2500 જેટલા સભ્યોને અલ્બાનિયામાં આશરો આપવામાં આવ્યો હોવાથી ઈરાન હવે આ દેશથી ખફા છે અને બદલો લેવા માટે સાયબર એટેક કરાવી રહ્યુ છે. 

2022ના એટેક બાદ ઈરાન અને અલ્બાનિયાના સબંધોમાં પણ ભારે તણાવ આવી ગયો હતો. 

અલ્બાનિયાનુ કહેવુ છે કે, અહીંયા રહેતા મુજાહિદ્દીન એ ખલ્કના સભ્યો પર કોઈ જાતની રાજકીય ગતિવિધિમાં સામેલ થવા પર પ્રતિબંધ મુકાયો છે અને તેમને દેશના કાયદાનુ પાલન કરવા માટે આકરી સૂચના આપવામાં આવી છે. 

બીજી તરફ ઈરાનનુ કહેવુ છે કે, અલ્બાનિયામાં રહેતા મુજાહિદ્દીન એ ખલ્કના સભ્યો જ સાયબર એટેક કરાવી રહ્યા છે. 


Google NewsGoogle News