ઈઝરાયલ પર થયો સાયબર હુમલો? અડધી રાતે અચાનક એક પછી એક મોબાઇલ વાગતાં હડકંપ

Updated: Sep 19th, 2024


Google NewsGoogle News
ઈઝરાયલ પર થયો સાયબર હુમલો? અડધી રાતે અચાનક એક પછી એક  મોબાઇલ વાગતાં હડકંપ 1 - image


Image Source: Freepik

Cyber Attack on Israel: લેબનોનનું આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ પેજર અને વોકી-ટોકી હુમલાથી પીડિત છે. તેમણે આરોપ લગાવ્યો કે, ઈઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદે આ સમગ્ર કાવતરું ઘડ્યું છે. આ બન્ને હુમલામાં ઓછામાં 30 લોકોના મોત થઈ ગયા છે અને 3200થી વધુ લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. આ વચ્ચે ઈઝરાયલ પર સાયબર હુમલો થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. સ્થાનિક મીડિયાનો અહેવાલ છે કે ઈઝરાયલના ફોન અચાનક મધરાતે ધનાધન વાગવા લાગ્યા હતા. તેના પર ઇમરજન્સી મેસેજ આવ્યા હતા. મેસેજમાં ઈઝરાયલીઓને સુરક્ષિત સ્થળે ભાગી જવા માટે કહેવામાં આવ્યું હતું. આવા હજારો મેસેજ મળ્યા બાદ ઈઝરાયલમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ઈઝરાયલના અધિકારીઓ આવા મેસેજની તપાસ કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઇરાની હેકર્સ દ્વારા પ્રાયોજિત હોઈ શકે છે.

ઈઝરાયલી મીડિયાએ જણાવ્યું કે, બુધવારે મોડી રાત્રે દેશભરમાં ઈઝરાયલીઓને ઇમરજન્સી ઍલર્ટમાં ખોટા મેસેજ મળ્યા હતા. આ મેસેજમાં તેમને કહેવામાં આવ્યું કે, લોકો જ્યાં છે ત્યાંથી સુરક્ષિત સ્થળે ચાલ્યા જાઓ. વ્યાપક રૂપમાં  મેસેજ પ્રસારિત થયા બાદ એ સંભાવનાની તપાસ કરવામાં આવી રહી છે કે તેની પાછળ ઇરાનનો હાથ છે કે નહીં. 

ઈઝરાયલી સેનાનું નિવેદન

બીજી તરફ ઈઝરાયલી સેના IDFએ આ પ્રકારના મેસેજને નકલી ગણાવતા કહ્યું કે અમે ઈઝરાયલીઓને આ પ્રકારના કોઈ મેસેજ નથી મોકલ્યા. આ સાયબર હુમલો હોઈ શકે છે. ઇમરજન્સી જાહેર કરતો મેસેજ અમારા દ્વારા મોકલવામાં નથી આવ્યો. હોમ ફ્રન્ટ કમાન્ડની સંરક્ષણ નીતિમાં કોઈ ફેરફાર નથી થયો.

મેસેજ શું હતો?

બુધવારે મધરાતે ઘણા ઈઝરાયલીઓને ઇમરજન્સી મેસેજ મળ્યો હતો. આ મેસેજના સ્ક્રીનશોટ લોકોએ સોશિયલ મીડિયા પર પણ શેર કર્યા છે. મેસેજની હેડલાઇનમાં લખ્યું હતું 'OREFAlert'. હીબ્રુ ભાષામાં તે હોમ ફ્રન્ટ કમાન્ડ જેવું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઈઝરાયલીઓએ આ મેસેજને IDFનો સમજી લીધો અને અફરાતફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઈઝરાયેલીઓને મળેલા ટેક્સ્ટ મેસેજમાં એક લિંક હતી અને તેના ઉપર ખોટી જોડણીમાં લખ્યું હતું કે, તમારે સુરક્ષિત સ્થળે જવું પડશે. 

નોંધનીય છે કે, લેબનોનમાં સતત બે દિવસ સુધી પેજર અને વોકી-ટોકી બ્લાસ્ટમાં 30થી વધુ લોકોના મોત થયા બાદ ઈઝરાયેલ પર સાયબર હુમલાના સમાચાર સામે આવ્યા છે.


Google NewsGoogle News