વધુ એક દેશમાં આર્થિક કટોકટી, પેટ્રોલના ભાવમાં પાંચ ગણો અને વીજળી દરોમાં 25 ટકાનો વધારો થતા હાહાકાર
image : twitter
હવાના,તા.11 જાન્યુઆરી 2024,ગુરૂવાર
દુનિયાનો વધુ એક દેશ આર્થિક કટોકટીમાં સપડાયો છે અને ત્યાં પણ શ્રીલંકા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
અમેરિકાની પાડોશમાં આવેલા ક્યૂબામાં ફૂગાવો ટોચ પર છે અને ફ્યૂલના ભાવમાં પાંચ ગણો વધારો થયો છે. નવી કિંમતો 1 ફેબ્રૂઆરીથી લાગુ થવાની છે. સરકારની જાહેરાત બાદ ક્યૂબામાં પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો જોવા મળી રહી છે.
ક્યૂબમાં અત્યારે એક લિટર રેગ્યુલર પેટ્રોલની કિંમત 25 પેસો એટલે કે 8.58 રૂપિયા છે. નવા નિર્ણય બાદ ભાવ વધીને 132 પેસો એટલે કે 457.15 રૂપિયા થઈ જશે. જ્યારે પ્રીમિયમ પેટ્રોલની કિંમત 30 પેસો એટલે કે 103.9 રૂપિયા પ્રતિ લિટર છે. જે વધીને 540 રૂપિયા થઈ જશે.
ક્યૂબાની સરકારે ડીઝલના ભાવમાં પણ પાંચ ગણો વધારો થયો છે. જ્યારે વીજળીના દરમાં 25 ટકા વધારો કરવામાં આવ્યો છે. જેના પગલે દેશમાં હાહાકાર મચી ગયો છે.
ક્યૂબના નાણા મંત્રી વ્લાદિમીર રેગએરોએ કહ્યુ છે કે, સરકાર નવા 29 પેટ્રોલ પંપો ખોલશે. જે અમેરિકન ડોલરમાં પેમેન્ટ સ્વીકારશે. સરકારની કાર્યવાહીના કારણે દેશમાં રોકડ રકમનુ સંકટ ઓછુ થશે.
ક્યૂબાની આર્થિક હાલત ડામાડોળ થવા પાછળ કોવિડ અને અમેરિકા દ્વારા લાગુ કરાયેલા આકરા આર્થિક પ્રતિબંધો જવાબદાર હોવાનુ સરકારનુ કહેવુ છે. દેશમાં જે પ્રકારની કટોકટી છે તેના કારણે હવે સરકાર પેટ્રોલ અને ડિઝલ પર સબસિડી આપી શકે તેમ નથી. અત્યારે ક્યૂબામાં પેટ્રોલ સસ્તુ છે. જોકે દેશના લોકોની આવકના મુકાબલે તો મોંઘુ કહી શકાય પણ હવે આ ભાવે સરકાર માટે પેટ્રોલ અને ડિઝલ વેચવુ શક્ય નથી.
ક્યૂબા છેલ્લા ચાર વર્ષથી આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યુ છે. મોટા ભાગે આયાત પર નિર્ભર રહેતા આ દેશમાં ભોજન, દવા અને બીજી જરૂરી વસ્તુઓની પણ અછત વરતાઈ રહી છે.