અમેરિકાની જાસૂસી માટે ચીન ક્યુબાનો ઉપયોગ કરશે, જાસૂસી સેન્ટર ઉભુ કરવાની યોજના
image : twitter
વોશિંગ્ટન,તા.9 જૂન 2023,શુક્રવાર
ભારતની જાસૂસી કરવા માટે ચીન જે રીતે પાડોશી દેશોનો ઉપયોગ કરી રહ્યુ છે તે જ રીતે અમેરિકાની જાસૂસી કરવા માટે નજીકમાં આવેલા ક્યુબાનો ઉપયોગ કરવાની યોજના ખંધા ચીને બનાવી છે.
અમેરિકાની જાસૂસી સંસ્થાઓએ ખુલાસો કર્યો છે કે, ચીન બહુ જલ્દી ક્યુબામાં એક જાસૂસી સેન્ટર સ્થાપશે. અમેરિકાના ફ્લોરિડાથી માત્ર 100 માઈલ દુર આવેલા ક્યુબના ટાપુ પર આ સેન્ટર સ્થપાશે. આ માટે ક્યુબા અને ચીન વચ્ચે ગુપ્ત સમાધાન થયુ છે.
હજી સ્પષ્ટ નથી થયુ કે આ સેન્ટરનુ બાંધકામ ચીને શરૂ કરી દીધુ છે કે નહી. જોકે અમેરિકાના દાવાનુ ક્યુબાએ ખંડન કર્યુ છે અને કહ્યુ છે કે, આ વાતમાં કોઈ તથ્ય નથી.
અમેરિકાના દરિયા કિનારા નજીક ચીન ખતરો ઉભો કરી રહ્યુ છે અને તેના કારણે બંને દેશ વચ્ચે પહેલેથી ખરાબ સબંધ વધારે ખરાબ થશે તે નક્કી છે.
આ પહેલા ચીને અમેરિકાની જાસૂસી કરવા માટે બલૂન છોડયુ હતુ અને તેને અમેરિકાના લડાકુ વિમાનોએ આકાશમાં નષ્ટ કરી દીધુ હતુ. હવે ક્યુબાના જાસૂસી સેન્ટરે અમેરિકાની ઉંઘ ઉડાડી છે.
અમેરિકાનુ કહેવુ છે કે, આ સેન્ટર માટે ચીન ક્યુબાને અબજો ડોલરનુ પેમેન્ટ કરવા માટે પણ તૈયાર છે. વ્હાઈટ હાઉસના પ્રવક્તા જોન કિર્બીએ કહ્યુ છે કે, અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જાસૂસી સેન્ટર પર હું અત્યારે વાત કરી શકુ તેમ નથી પણ અમેરિકા પોતાની સુરક્ષા માટે દેશમાં અને દેશની બહાર પણ પ્રતિબધ્ધ છે.
અમેરિકા સાથે સાથે ચીન સાથેના સબંધો સુધારવાનો પણ પ્રયાસ કરી રહ્યુ છે. અમેરિકાના વિદેશ મંત્રી ચીનની મુલાકાત લેવાની પણ યોજના બનાવી રહ્યા છે ત્યારે જ જાસૂસી સેન્ટરના અહેવાલ સામે આવ્યા છે.