ક્રૂડના ભાવ વધશે ? કહેવાની જરૂર જ નથી : ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ ગંભીર બની શકે
- આનો આધાર ઈઝરાયેલ ઈરાન સામે કેવા પગલાં ભરે છે તે પર રહેલો છે : પેટર્સન ઈવા મેન્થીસ દાન સ્ટ્રુવીયન
નવી દિલ્હી : ઈઝરાયલ-હમાસ યુદ્ધ હવે મધ્યપૂર્વ અને પશ્ચિમ એશિયામાં પહોંચી ગયું છે. તેલના ભંડાર સમાન પ્રદેશો ઈરાન, ઈરાક અને સીરીયા આ યુદ્ધનાં ખપ્પરમાં આવી જ ગયા છે. કાલે શું બનશે તે રાજકીય કે ભૂ-રાજકીય નિષ્ણાતો પણ કહી શકે તેમ નથી. યુદ્ધ અટકતું તો નથી જ વિસ્તરતું જાય છે. વિસ્તરી ગયું છે.
આ ઉપરથી 'ગોલ્ડમેન શાસ'ના વિશ્લેષણ કાર દાન સ્ટ્રુવીયને એક નોંધમાં લખ્યું છે કે ક્રૂડના ભાવમાં ઓછામાં ઓછો બેરલ દીઠ ૫ થી ૧૦ ડોલરનો વધારો થવા સંભવ છે. તેઓની સાથે અન્ય વિશ્લેષણકારો કહે છે કે ઈરાને છેલ્લાં બે વર્ષમાં તેનાં ક્રૂડ ઉત્પાદનમાં ૨૦ ટકાનો વધારો કર્યો છે. રોજના ૩.૪ મિલિયન બેરલનું ઉત્પાદન કરે છે જે વૈશ્વિક ઉત્પાદનના ૩.૩ ટકા જેટલું છે.
વિશ્લેષણકારો કહે છે કે આ ક્રૂડ મોટે ભાગે ભારત અને પશ્ચિમ એશિયાના દેશો તથા પૂર્વ આફ્રિકાના પટ્ટામાં ખરીદાઈ રહ્યું છે. પરંતુ હવે ભૂ-રાજકીય જોખમ વધી ગયું છે.
આ જોખમને ધ્યાનમાં રાખી આઈએનજી ગુ્રપના ન્યુયોર્ક સ્થિત સ્ટ્રેટેજિસ્ટસ વોરેન પેટ્ટર્સન અને ઈવામેન્થે જણાવે છે કે, આનો (ક્રૂડના ભાવ વધવાનો) આધાર ઈઝરાયલ (ઈરાનના હુમલાનો) કેવો પ્રતિભાવ આપે છે તે પર છે.
આ વિશ્લેષણકારો કદાચ તેલના ભાવ અંગે વધુ પડતી ભીતિ ઉપસ્થિત ન થાય તે ગણતરીએ જરા ગોઠવીને પોતાનાં વિશ્લેષણો આપતાં હશે પરંતુ 'મેન ઓન ધ સ્ટ્રીટ' પણ સમજી શકે તેવી વાત છે કે તેલ ભરેલું મધ્ય-પૂર્વ જ સળગી ઉઠે તેમ છે, ત્યારે ક્રૂડ-તેલના ભાવ વધવાના જ છે. તે પાછળ દરેક ચીજ-વસ્તુના ભાવ વધે જ. મધ્યમ વર્ગે પેટે પાટા બાંધવા પડશે. ઉચ્ચ વર્ગને તો કશો ફેર પડવાનો નથી. ભાવ ઉંચકાતાં તેમના ઉત્પાદનોના ભાવ વધારી દેશે. કહેશે શું કરીએ ? કાચો માલ મોંઘો થયો છે. ગરીબ વર્ગ ગરીબીથી ટેવાઈ ગયો છે. તેને મોંઘુ શું સોંઘું શું ? ગરીબી જીવન બની છે. મરો તો મધ્યમ વર્ગનો છે. યુદ્ધ બંધ થવાની વાત છોડો વિશ્વ યુદ્ધ ફાટી નીકળવાની ચિંતા પડછંદા દઈ રહી છે.