દુનિયાભરમાં કલાકો સુધી પ્લેટફોર્મ એક્સ ઠપ રહેતા કરોડો યુઝર્સ પરેશાન

Updated: Dec 22nd, 2023


Google NewsGoogle News
દુનિયાભરમાં કલાકો સુધી પ્લેટફોર્મ એક્સ ઠપ રહેતા કરોડો યુઝર્સ પરેશાન 1 - image


- ફેસબુક સહિત અન્ય સોશિયલ મિડીયા પ્લેટફોર્મમાં હજારો યુઝર્સની ફરિયાદ

- કરોડો યુઝર્સને પ્રોફાઈલ અને પોસ્ટ દેખાતી ન હતી, ફોટો, વિડીયો, ટેક્સ્ટ અપલોડ કરવામાં મુશ્કેલીઃ કલાકો બાદ સર્વિસ ફરી શરૂ થઈ 

સાન ફ્રાન્સિસ્કો : ઈલોન મસ્કની માલિકીનું એક્સ પ્લેટફોર્મ (ટ્વિટર) કલાકો સુધી ઠપ થઈ જતાં દુનિયાભરના યુઝર્સ પરેશાન થઈ ગયા હતા. સોશિયલ મિડીયા પ્લેટફોર્મ ડાઉન થાય એનો રેકોર્ડ રાખતી વેબસાઈટ ડાઉનડિરેક્ટરમાં હજારો યુઝર્સે એક્સ ડાઉન થયાની ફરિયાદ કરી હતી. પ્લેટફોર્મ ઓપન થતું હતું, પરંતુ કોઈ સામગ્રી એમાં દેખાતી ન હતી. જોકે, કલાકો બાદ સિસ્ટમ રિસ્ટોર થઈ જતાં કરોડો યુઝર્સે રાહતનો શ્વાસ લીધો હતો.

એક્સ પ્લેટફોર્મ વર્ષ દરમિયાન વારંવાર ડાઉન થયાની ફરિયાદ ઉઠી હતી. વર્ષના છેલ્લાં દિવસો ફરીથી આ પ્લેટફોર્મ ગ્લોબલી ડાઉન થયું હતું. યુઝર્સે પ્રોફાઈલ અને પોસ્ટ ન દેખાતી હોવાની ફરિયાદ કરી હતી. 

ઘણાં યુઝર્સને વિડીયો, ફોટો અને ટેક્સ્ટ અપલોડ કરવામાં પરેશાની થઈ હતી. 

અન્ય સોશિયલ મિડીયા પ્લેટફોર્મમાં પોસ્ટ શેર કરીને હજારો લાખો યુઝર્સે એક્સપ્લેટફોર્મ ચાલતું ન હોવાની ફરિયાદ કરી હતી. ભારત, અમેરિકા, બ્રિટન ઉપરાંત યુરોપના કેટલાય દેશોના યુઝર્સ પ્લેટફોર્મ પર પોસ્ટ મૂકી શકતા ન હતા.

મોબાઈલ એપ ઓપન થાય ત્યારે વેલકમ ટુ એક્સ એવું દેખાતું હતું, પરંતુ પોસ્ટ ગાયબ હતી.

 પોતાની પોસ્ટ અને પ્રોફાઈલ દેખાતી ન હતી કે નવી પોસ્ટ થઈ શકતી ન હતી. બ્રાઉઝરમાં જઈને વેબસાઈટ ઓપન કરનારાને પણ આ જ અનુભવ થયો હતો. બ્લૂ સબસ્ક્રાઈબર્સ ધરાવતા યુઝર્સમાંથી ઘણાંને બ્લૂ માર્ક દેખાતા ન હતા. એમને પણ પોસ્ટ કરવામાં એવી જ મુશ્કેલી પડી હતી. જોકે, ટ્વિટરે આ બાબતે સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટતા કરી ન હતી, પરંતુ કલાકો બાદ મોટાભાગના દેશોમાં પ્લેટફોર્મ શરૂ થયું હતું. ઘણાં લોકોએ કહ્યું હતું કે ઈલોન મસ્કે ટ્વિટરને ખરીદી લીધા પછી ઠપ થવાનું પ્રમાણ વધ્યું છે. કારણ કે ટ્વિટરમાંથી હજારો કર્મચારીઓની છટણી થતાં સ્ટાફ ઘટી ગયો હોવાથી વારંવાર આ મુશ્કેલી પડી રહી છે. 


Google NewsGoogle News