શિકાર કરવા મગરનો માણસની જેમ ડૂબતો હોવાનો ડોળ? જાણો શું છે વાઇરલ વીડિયોનું સત્ય
Crocodile Video of pretending to drown Facts: પૃથ્વી પર ભલભલા પ્રલય અને આકરા પર્યાવરણીય બદલાવો વેઠીને ટકી જનારા જે અમુક પ્રાણીઓ છે એમાંનું એક છે મગર. એક એવો ઉભયજીવી જે ખડતલ છે અને અદ્વિતિય શિકાર ક્ષમતા ધરાવે છે. તાજેતરમાં આ પ્રાગૈતિહાસિક જીવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે, જે જોઈને લોકો ચોંકી ગયા છે અને જાતભાતની ચર્ચાઓ કરવા લાગ્યા છે.
શું છે વાઈરલ વીડિયોમાં?
સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોમાં નદીમાં એક મગર ઊંધો તરતો દેખાય છે. જેના આગલા બંને પગ વારાફરતી પાણીની સપાટી બહાર નીકળે છે અને એ રીતે હલે છે, જાણે કે કોઈ ડૂબી રહ્યું હોય અને બચવા માટે સંઘર્ષ કરી રહ્યું હોય. વીડિયો ધ્યાનથી જુઓ તો જ સમજાય એમ છે કે એ પગ કોઈ મગરના છે, બાકી પહેલી નજરે તો જાણે કોઈ માણસ ડૂબી રહ્યો હોય એવું જ લાગે છે.
આ પણ વાંચોઃ ભૂખ-તરસના કારણે સોનાની ખાણમાં 100 શ્રમિકોના મોત, હજુ 500 ફસાયા હોવાની આશંકા
ક્યાંનો છે એ વીડિયો?
વાઈરલ થયેલ વીડિયો ઈન્ડોનેશિયાના બોર્નિયો ખાતે વહેતી બેરીટો નદીનો છે, જ્યાં મોટી માત્રામાં મગરો જોવા મળે છે. વીડિયોમાં દેખાય છે કે નદી કિનારે ઊભેલા અમુક લોકો મગરની આ યુક્તિ જોઈ રહ્યા છે. આ વીડિયોને 50 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.
ઈન્ટરનેટ પર જામી ચર્ચા
વીડિયો જોઈને લોકો જાતભાતની કોમેન્ટ કરી રહ્યા છે, જેમાં મુખ્ય એવી છે કે, ‘મગર પોતે ડૂબી રહ્યો હોવાનો ઢોંગ કરી રહ્યો છે જેથી એને બચાવવા માટે કોઈ માણસ નદીમાં કૂદે અને મગરને ભોજન મળી જાય!’ આ કોમેન્ટનો સૂર એવો નીકળે છે કે મગર એવી ચાલબાજી કરી રહ્યો છે કે જોનારને એમ જ લાગે કે ડૂબનાર મગર નહીં પણ કોઈ માણસ છે.
સોશિયલ મીડિયામાં જાતભાતની અટકળો
- ઘણાં એ મુદ્દે સહમતિ દર્શાવી રહ્યા છે કે, ‘આ મગરની શિકાર કરવા માટેની ઈરાદાપૂર્વકની યુક્તિ છે. મગરોની બુદ્ધિ એ કક્ષાએ પહોંચી ગઈ છે કે તેઓ આવી બનાવટ કરતા થઈ ગયા છે.’
- ઘણાં એમ કહી રહ્યા છે કે, ‘પ્રાણીઓ મનુષ્યો કરતાં વધુ હોશિયાર છે, એટલે મગરનું આમ કરવું સ્વાભાવિક લાગે છે.’
- ઘણાંએ એવો મત વ્યક્ત કર્યો છે કે, ‘બની શકે કે મગર ઘાયલ થઈ ગયો હોય અને બચવા માટે હવાતિયાં મારી રહ્યો હોય.’
- કોઈકે એવી સંભાવના પણ વ્યક્ત કરી છે કે, ‘મગરની પૂંછડી નદીના તળિયે પડેલા ઝાંખરા કે કાંટાઓમાં ફસાઈ ગઈ હોય એવું બની શકે, જેનાથી છૂટવા માટે એ સંઘર્ષ કરી રહ્યો છે.’
- કોઈકે એમ પણ કહ્યું છે કે, ‘ગંદા પાણીમાં છુપાયેલી માછલીઓને બહાર કાઢીને તેમનો શિકાર કરવા માટે મગર આવી ટ્રિક અજમાવી રહ્યો હશે.’
- તો કોઈકે મસ્તી કરતાં એમ પણ લખ્યું કે, ‘નકલી આંસુ સાર્યા બાદ હવે મગરો એક્ટિંગ પણ કરવા લાગ્યા છે!’
આ પણ વાંચોઃ ચીનમાં ડોનાલ્ડ ટ્રમ્પની ભગવાન બુધ્ધની મુદ્વાવાળી મુર્તિઓ કેમ વેચાય છે ?
વિરોધ કરનારાએ AI ની કમાલ ગણાવી
મગરની ચાલબાજીનો વિરોધ કરનારા એક વર્ગે આ વીડિયોને AI ની કમાલ ગણાવી છે. તેમનું એવું કહેવું છે કે, ફક્ત વીડિયો વાયરલ કરવાને ઈરાદે કોઈ ભેજાબાજે આ કારસ્તાન કર્યું છે.
વાતમાં દમ લાગે છે
AI ની કમાલ વાળી વાતમાં દમ લાગે તો છે, કેમ કે આવો વીડિયો બનાવવામાં કોઈ વિશેષ કારીગરીની જરૂર પડે એવું લાગતું નથી. AI ના આગમન પછી જાણીતી હસ્તીઓના વાસ્તવિક લાગે એવા, બારીક વિગતો ધરાવતા ફેક વીડિયો એટલી બધી માત્રામાં વાઈરલ થયા છે કે એમની સરખામણીમાં આ મગર વાળો વીડિયો તો કંઈ જ ન કહી શકાય.
નિષ્ણાત પ્રાણીશાસ્ત્રીઓએ રજૂ કરેલા વિવિધ મત
- મગર ખરેખર બુદ્ધિશાળી જીવ છે અને ખૂબ જ ચાલાકીથી છુપાઈને શિકાર કરી જાણે છે, પણ આ વીડિયોમાં જે બતાવ્યું છે, એવી ચાલ મગર ચાલી નહીં શકે.
- એ મગરને કોઈ તકલીફ હોઈ શકે, જેને લીધે એ આમ કરતો હતો. કદાચ એ ફસાઈ ગયો હોય અથવા ઘાયલ થઈ ગયો હોય એવું બની શકે. એની પૂંછડી નદીના તળિયે ફસાઈ ગઈ હોય અને તેથી એ સંઘર્ષ કરી રહ્યો હોય એવું બની શકે.
- વિશ્વભરમાં દર વર્ષે મગર દ્વારા માણસ પર હુમલો કરાયાના સેંકડો બનાવો બને છે, પણ જો આ વીડિયો સાચો હોય તો એમાં મગરનું જે વર્તન દેખાય છે એ અભૂતપૂર્વ છે, કેમ કે અગાઉ ક્યારેય આ જીવે આવું કંઈક કર્યું હોવાનું જાણવામાં આવ્યું નથી. મગર છુપો શિકારી ખરો, પણ શિકાર કરવા માટે આવી એક્સ્ટ્રીમ લેવલની ટ્રિક એ અજમાવી ન શકે.
- મગર પાણીનો રાજા કહેવાય છે. માછલાનો શિકાર કરવા માટે એણે આવી યુક્તિ અજમાવવાની જરૂર નથી પડતી.
- મગરના મોંમાં કોઈ મોટો શિકાર આવ્યો હોય, જેને એ ગળી ન શક્યો હોય, તો એ આ પ્રકારે સંઘર્ષ કરે, એવું બની શકે. એક હદથી મોટો શિકાર મગરની હિલચાલને નબળી પાડી શકે છે.
આ પણ વાંચોઃ 'કેનેડા કંઈ વેચાઉ નથી' NDPના પ્રમુખ જગમીત સિંહનો ટ્રમ્પને ખુલ્લો પડકાર
નિષ્ણાતોએ આપી યુઝર્સને ચેતવણી
નિષ્ણાતોનું કહેવું છે કે, આવો વીડિયો બનાવીને અને એને આડેધડ ફોરવર્ડ કરીને કોઈપણ જીવ બાબતે ગેરમાન્યતાઓ ફેલાવવી ન જોઈએ. એના લીધે જે-તે જીવ પ્રત્યે લોકોમાં નફરત ફેલાય અને લોકો એ જીવને જોતાં જ એને મારી નાંખે, એવું બની શકે. આવા બનાવો પર્યાવરણના સંતુલન માટે ઘાતક સાબિત થઈ શકે છે.
ટૂંકમાં વાતનો સાર એ જ કે, જેમ મગરના કુદરતી ઢબે ઝરતા આંસુને ખોટી રીતે માનવસહજ-લુચ્ચાઈ સાથે જોડી દેવાયા છે, એમ આ વીડિયોમાં દેખાતી ‘મગર-ચાલ’ પર પણ આંધળો વિશ્વાસ મૂકવા જેવો નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ દરેક ફોટો કે વીડિયો સાચો ન હોઈ શકે, એની આ વીડિયો અન્ય એક સાબિતી છે. આવા કોન્ટેન્ટને ગંભીરતાથી લેવું જોઈએ નહીં.