વડાપ્રધાન મોદીની ટીકા કરવી માલદીવના મંત્રીઓને મોંઘું પડયું : તેઓ ચારે તરફ ઘેરાયા

Updated: Jan 7th, 2024


Google NewsGoogle News
વડાપ્રધાન મોદીની ટીકા કરવી માલદીવના મંત્રીઓને મોંઘું પડયું : તેઓ ચારે તરફ ઘેરાયા 1 - image


માલે (માલદીવ): વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશ્વભરમાં વધતી લોકપ્રિયતાનો અંદાજ તે ઉપરથી આવે છે કે, તેઓની ટીકા કરનારા માલદીવના મંત્રીઓનો પોતાના જ દેશમાં વિરોધ થઈ રહ્યો છે. પૂર્વ પ્રમુખ મોહમ્મદ નશીદે, પી.એમ. મોદીની લક્ષદ્વીપની યાત્રાની મઝાક ઉડાવવાની પ્રવૃત્તિની ટીકા કરી તેઓએ કહ્યું ભારત માલદીવની સલામતી અને સમૃદ્ધિ માટે મુખ્ય ભાગીદાર છે. તેઓએ સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું ઃ ''માલદીવ સરકારનાં અધિકારી મરિયમ શિઉનાએ કેટલી ભયાનક ભાષા વાપરી છે. વાસ્તવમાં તે (ભારત) માલદીવનાં સંરક્ષણ અને સમૃદ્ધિ માટે ખૂબ જ મહત્ત્વનું છે. મોહમ્મદ મુઈજ્જુ સરકારે પોતે જ આવી ટીકાઓથી પોતાને દૂર રાખવી જોઈએ. અને ભારતને સ્પષ્ટ આશ્વાસન આપવું જોઈએ કે તે કથનો સરકારની નીતિઓનું પ્રતિબિંબ પડતાં નથી.''

ટાપુ રાષ્ટ્રના પૂર્વ પ્રમુખે કહ્યું ઃ મંત્રી મરીયમ દ્વારા વપરાયેલી ભાષા ભયાનક છે ઃ ભારત આપણી સલામતી અને સમૃદ્ધિનું મુખ્ય ભાગીદાર છે

વાત તેમ છે કે, માલદીવનાં યુવક બાબતોનાં ઉપમંત્રી મરીયમ શિઉનાએ એક્સ પોસ્ટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિદૂષક અને કઠ પૂતળી કહ્યા હતા. પરંતુ તે સામે ભારે વિરોધ જાગતાં તેમને પોતાનો તે પોસ્ટ ડિલીટ કરવો પડયો હતો.

શિઉના ઉપરાંત અન્ય મંત્રી જાહીદ રમીઝ સહિત માલદીવના અન્ય અધિકારીઓએ તસ્વીરો સાથે મોદીની લક્ષદ્વિપ યાત્રાની મઝાક ઉડાડી હતી. તેઓએ ઉપર તેમ પણ લખ્યું કે ઃ તેઓની લક્ષદ્વિપ યાત્રા માલદીવ માટે મોટો ફટકો છે. તેથી લક્ષદ્વિપમાં પર્યટનને પ્રોત્સાહન મળશે. લક્ષદ્વિપમાં અપાતી સેવાઓ આપણે જે સેવાઓ આપી રહ્યાં છીએ તેની સ્પર્ધા કરી જ કઈ રીતે શકશે ?

માલદીવના આ મંત્રીઓ દ્વારા કરાતી અન્ય તીખી ટિપ્પણીઓના વિરોધમાં ભારતના સીનેતારકો અને અન્ય સુખી વ્યક્તિઓએ માલદીવનો બહિષ્કાર કરવા નિર્ણય કર્યો છે. તેથી તે ટાપુરાષ્ટ્રની આવક ઉપર બહુ મોટો ફટકો પડવા સંભવ છે. જાણવા તેમ પણ મળ્યું છે કે વર્તમાન પ્રમુખ મોહમ્મદ મુઈજ્જુ ચીનના પ્રભાવ નીચે છે. પરંતુ તે કાર્યવાહી તેઓને જ ભારે પડશે.


Google NewsGoogle News