અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણી પતે તે પૂર્વે પુતિન પર તૂટી પડો : નાટો દેશોને ઝેલેન્સ્કીનો અનુરોધ

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણી પતે તે પૂર્વે પુતિન પર તૂટી પડો : નાટો દેશોને ઝેલેન્સ્કીનો અનુરોધ 1 - image


- યુક્રેનના અનેક પ્રયત્નો છતાં નાટોનું સભ્યપદ નહીં મળે

- વ્લાદોમીર ઝેલેન્સ્કીએ કહ્યું : રશિયન આક્રમણ મારી હઠાવવા માટે વિશ્વે અમેરિકાની ચૂંટણી સુધી રાહ જોવાની કોઈ જરૂર જ નથી

વોશિંગ્ટન : મુળભૂત રીતે વીતેલા વર્ષોના સોવિયેત સંઘ સામે રચાયેલા ૩ લશ્કરી જૂથો નાટો : સેન્ટો અને સીટો પૈકી અત્યારે બાકી રહેલા માત્ર નાટોની રચનાની ૭૫મી જયંતિ નિમિત્તે નાટો દેશોની અહીં યોજાયેલી શિખર-પરિષદમાં આવી પહોંચેલા યુક્રેનના પ્રમુખ વ્લાદોમીર ઝેલેન્સ્કીએ નાટો દેશોને તત્કાળ પુતિન (રશિયા) ઉપર તૂટી પડવાનો અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, આ માટે વિશ્વે (નાટો દેશોએ) અમેરિકાની પ્રમુખપદની ચૂંટણી પતે ત્યાં સુધી રાહ જોવાની કોઈ જરૂર નથી.

તેઓએ કહ્યું, વિશ્વ પુતિન ઉપર આક્રમણ કરવા માટે અમેરિકાની ચૂંટણીના પરિણામોની રાહ જુવે છે પરંતુ તેમ કરવાની કોઈ જરૂર જ નથી.

આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ ગૂંચવાઈ રહી હોવા છતાં તે વચ્ચેથી પણ માર્ગ શોધવામાં નિષ્ણાત બની ગયેલા યુક્રેનના પ્રમુખ અહીં ચાલી રહેલી નાટોની પરિષદમાં (આમંત્રણ વિના જ) આવી પહોંચ્યા હતા. તેઓ યુક્રેનને નાટો દેશોના સભ્ય બનાવવા આગ્રહ કરી રહ્યા છે પરંતુ અમેરિકા સહિત આ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો)ના તમામ સભ્ય દેશો યુક્રેનને તેનું સભ્ય બનાવવાની ઉતાવળ કરવા માગતા નથી.

આ માટે કારણ સીધુ અને સાદુ છે. નાટો દેશો પૈકી કોઈપણ દેશ ઉપર આક્રમણ થાય તો અન્ય તમામ દેશોએ તે આક્રમણ તેમની ઉપર જ થયું છે તેમ માની યુદ્ધમાં જોડાવું પડે. જો આમ થાય તો પરિણામે ત્રીજુ વિશ્વ યુદ્ધ જ શરૂ થઈ જાય. માટે યુક્રેનને નાટોનું સભ્ય બનાવવા અમેરિકા સહિત નાટોના અન્ય તમામ દેશો તૈયાર ન જ હોય તે સહજ છે.

આમ છતાં નાટો પરિષદના પ્રારંભે બાયડેને યુક્રેનને ફૂલ સપોર્ટ આપવાનું એલાન કર્યું હતું.

મૂળભૂત વાત તે છે કે ટ્રમ્પ સામે યોજાયેલી ડીબેટમાં પ્રમુખ જો બાયડેન નબળા દેખાવ પછી હજી પણ બાયડેનવિશ્વ મંચ ઉપર પોતે સમર્થ છે તેવું દર્શાવવા માગે છે. તો બીજી તરફ ટ્રમ્પે તે ચર્ચામાં મેદાન મારી દીધું હતું. છેલ્લા પ્રિ-પોલ-સર્વેમાં ડોનાલ્ડ ટ્રમ્પ જો બાયડેનથી ઘણા આગળ છે. ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિ મોટા ભાગના અમેરિકનોને પસંદ પડી છે. ટ્રમ્પ તો નાટો દેશોને પણ અમેરિકા દ્વારા કરાતી અઢળક શસ્ત્ર સહાય ઘટાડવા માગે છે. તે યુક્રેન માટે તો અમેરિકી-નાગરિકોના પૈસા (શસ્ત્ર સહાય દ્વારા) વેડફવાના વિરોધી છે. આનો ટૂંકો ને ટચ અર્થ એજ થઈ શકે કે યુક્રેનને તેનાં ભાગ્ય પર છોડી દેવું. આથી જ ઝેલેન્સ્કી ખરેખરા મુંઝાયા છે, અને તેથી અમેરિકાની ચૂંટણી પહેલા જ પુતિનને પરાસ્ત કરવા એક પગે થઈ ગયા છે.

નાટો દેશોએ એટલું જરૂર કર્યું છે કે તેઓ યુક્રેનને ડઝન બંધ એર ડીફેન્સ સીસ્ટીમ આગામી મહિનાઓમાં મોકલવા તૈયાર છે. તેમાં અતિ પ્રબળ તેવી ૪ પેટ્રિઅટ એર ડીફેન્સ સીસ્ટીમ્સ પણ સમાવિષ્ટ છે.

જયારે નાટોના સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલટેનબર્ગે પશ્ચિમને કોઇ પણ ભોગે યુક્રેનને (શસ્ત્ર અને આર્થિક) સહાય કરવા અનુરોધ કર્યો છે. સાથે કહ્યું છે કે રશિયા સામેનું યુદ્ધ આગામી દશકો સુધીની વૈશ્વિક સલામતીને આકાર આપી રહે તેમ છે.

વિશ્વ અત્યારે બની રહેલી કેલિડોસ્કોપિક ઘટનાઓ ઉંચા શ્વાસે જોઈ રહ્યું છે.


Google NewsGoogle News