અમેરિકામાં બર્થરાઈટ સિટિઝનશીપ ખતમ કરવાના આદેશ પર કોર્ટનો 14 દિવસ માટે સ્ટે
- યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સિએટલ કોર્ટનો ઝટકો
- ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરને ચાર રાજ્યોએ સિએટલ કોર્ટમાં પડકાર્યો : 18 રાજ્યો વતી ન્યૂજર્સીના કેસમાં સુનાવણી બાકી
સીએટલ : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં સત્તા પર આવતાં પહેલાં દિવિસે જ જન્મના આધારે નાગરિક્તાનો કાયદો રદ કરવા સહિત અનેક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. જોકે, ટ્રમ્પે ત્રણ જ દિવસમાં કોર્ટે મોટો ફટકો આપ્યો છે. ફેડરલ કોર્ટે જન્મના આધારે નાગરિક્તા રદ કરવાના ટ્રમ્પના આદેશ પર કામચલાઉ સ્ટે મૂકી દીધો છે. આ આદેશનો અમલ ૨૦ ફેબુ્રઆરીથી થવાનો હતો.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦ જાન્યુઆરીએ આપેલા આદેશ મુજબ ૨૧ ફેબુ્રઆરીથી અમેરિકામાં માત્ર જન્મના આધારે નાગરિક્તા નહીં મળે. અમેરિકામાં બાળકના જન્મ ઉપરાંત માતા-પિતા બંને અથવા કોઈ એક પાસે ગ્રીન કાર્ડ હોવું ફરજિયાત બની જશે.
જોકે, ટ્રમ્પના આદેશ વિરુદ્ધ ડેમોક્રેટ્સના નેતૃત્વવાળા વોશિંગ્ટન, એરિઝોના, ઈલિનોઈસ અને ઓરેગન જેવા રાજ્યોએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. આ સિવાય મેરિઅન એડગર બુડે અને ફેડરલ જજ જૉન સી કફનરે પણ આ આદેશને પડકાર્યો છે. આ કેસની સુનાવણી બાદ યુએસ ડિસ્ટ્રિક્ટ જજ જોન કૉફનરે ટ્રમ્પનો આદેશ લાગુ કરવા પર ૧૪ દિવસનો સ્ટે મુકી દીધો છે. કોર્ટે ટ્રમ્પના આદેશને સ્પષ્ટરૂપે 'ગેરબંધારણીય' ગણાવ્યો હતો. રાજ્યોએ કહ્યું કે ટ્રમ્પનો આદેશ અમેરિકન બંધારણના ૧૪મા સંશોધનના નાગરિક્તા ખંડમાં નિર્દિષ્ટ અધિકારનો ભંગ કરે છે, તેમાં જોગવાઈ છે કે અમેરિકામાં જન્મેલ કોઈપણ વ્યક્તિ દેશનો નાગરિક છે. ટ્રમ્પના આ આદેશથી ભારતીયો પર વ્યાપક અસર થવાની આશંકા છે. અમેરિકાના સેન્સસ બ્યુરોના ૨૦૨૪ સુધીના આંકડા મુજબ અમેરિકામાં અંદાજે ૫૪ લાખ ભારતીયો રહે છે. ટ્રમ્પના આદેશના પગલે અમેરિકામાં રહેતી ફર્સ્ટ જનરેશન વસતી માટે અમેરિકાની નાગરિક્તા મેળવવી મુશ્કેલ બની જશે. વધુમાં ગ્રીનકાર્ડની રાહ જોતા પરિવારોની આશાઓ તૂટી જશે, કારણ કે ટ્રમ્પના આદેશથી દર વર્ષે ૧.૫ લાખ નવજાતોની નાગરિક્તા જોખમમાં મુકાઈ ગઈ છે.
જન્મના આધારે નાગરિક્તા રદ કરતા ટ્રમ્પના આદેશ વિરુદ્ધ થયેલી અરજીની સુનાવણી કરતાં સીએટલ સ્થિતિ ડિસ્ટ્રિક્ટ જજ જોન કફનરે જણાવ્યું કે, હું ચાર દાયકાથી બેન્ચ પર છું. મને એવો બીજો કોઈ કેસ યાદ આવતો નથી, જેમાં રજૂ કરાયેલા સવાલ આ મામલા જેટલા સ્પષ્ટ હોય. આ એક સ્પષ્ટરૂપે ગેરબંધારણીય આદેશ છે. આ સાથે તેમણે ટ્રમ્પના આદેશ પર ૧૪ દિવસનો કામચલાઉ સ્ટે મૂકી દીધો હતો. ટ્રમ્પે કહ્યું કે, તેમની સરકાર કોર્ટના આ ચૂકાદાને ઉપલી કોર્ટમાં પડકારશે.
બીજીબાજુ જોન કફનર આગામી ૬ ફેબુ્રઆરીએ અન્ય એક કેસની સુનાવણી કરશે, જેમાં કેસ આગળ વધે ત્યાં સુધી એક્ઝિક્યુટિવ ઓર્ડરને લાંબાગાળા માટે અવરોધમાં મૂકી શકે છે. ટ્રમ્પના અન્ય કેટલાક આદેશોને પડકારતા અન્ય કેસો પણ પ્રક્રિયા હેઠળ છે. આ સિવાય ૧૮ રાજ્યો, કોલંબિયા ડિસ્ટ્રિક્ટ અને સાન ફ્રાન્સિસ્કો વતી ન્યૂ જર્સી દ્વારા પણ આ અંગે કેસ કરાયો છે, પરંતુ તેની સુનાવણી હજુ સુધી થઈ નથી. એક્ઝિક્યુટિવ ઓર્ડરની બંધારણીયતા પર દલીલો કરવા ઉપરાંત રાજ્યોનું કહેવું છે કે ટ્રમ્પના આદેશથી અસરગ્રસ્ત તમામ બાળકોએ દેશ નિકાલનો સામનો કરવો પડી શકે છે અને તેમના પર દેશવિહિન બની જવાનું જોખમ છે.