દુનિયાનો સૌથી પ્રામાણિક દેશ ડેનમાર્ક, અહીં દુકાનો પર તાળાં પણ નથી હોતા, 74%ને એકબીજા પર વિશ્વાસ
Corruption: ‘ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ’ નામની આંતરરાષ્ટ્રીય બિન-સરકારી સંસ્થા કે જે વિશ્વના વિવિધ દેશોમાં ભ્રષ્ટાચારની સ્થિતિનું મૂલ્યાંકન કરીને તેનો અહેવાલ તૈયાર કરે છે, તેણે તાજેતરમાં આવો અહેવાલ રજૂ કર્યો છે. અહેવાલ મુજબ ડેન્માર્ક વિશ્વનો સૌથી ઓછો ભષ્ટ્ર દેશ છે અને ત્યાંની પ્રજાને વિશ્વના તમામ લોકો વિશ્વાસપાત્ર લાગે છે.
ડેન્માર્કને મળ્યા આટલા માર્ક્સ
ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા મંગળવારે વર્ષ 2024નો ‘કરપ્શન પરસેપ્શન્સ ઇન્ડેક્સ’ (CPI) જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં ડેન્માર્ક 90 CPI પોઇન્ટ સાથે સતત સાતમા વર્ષે ટોપ પર રહ્યું છે. અહેવાલમાં 180 દેશોને 0થી 100 સુધીના નંબર આપવામાં આવ્યા હતા. શૂન્યનો સ્કોર એટલે સૌથી વધુ ભ્રષ્ટ અને 100નો સ્કોર એટલે સૌથી ઓછો ભ્રષ્ટ.
આ પણ વાંચોઃ દુનિયાના એવા 5 દેશ જ્યાં એક પણ ભારતીય નિવાસ નથી... જેમાં એક તો સરમુખત્યારનો દેશ છે
આ કારણસર ડેન્માર્ક સતત ટોપ પર રહે છે
ડેન્માર્ક સૌથી ઓછું ભ્રષ્ટ હોવાનું કારણ છે ત્યાંના લોકોની માનસિકતા. લગભગ 74 ટકા ડેનિસ લોકો માને છે કે વિશ્વના લગભગ તમામ દેશના લોકો વિશ્વાસપાત્ર છે. તેઓ અજાણ્યા લોકો પર પણ શંકા કરતા નથી. ભ્રષ્ટાચાર ફક્ત સરકાર દ્વારા કરાતો કાંડ નથી, ભ્રષ્ટાચાર વ્યક્તિગત કક્ષાએ પણ થાય છે અને તે લોકોમાં વિકસિત થયેલી એક આદત છે. ડેનિસ પ્રજા પ્રામાણિક હોવાથી તેઓ અન્ય લોકો પર પણ સરળતાથી વિશ્વાસ કરી લે છે. બીજા કોઈ દેશની પ્રજામાં આવો પરસ્પર વિશ્વાસ જોવા નથી મળતો. આ જ કારણસર ડેન્માર્કમાં લોકો એકબીજાને છેતરતા નથી અને તેને વિશ્વનો સૌથી ઓછો ભ્રષ્ટ દેશ હોવાનું બહુમાન મળતું રહે છે.
ટોપ ટેનમાં રહ્યા આ દેશ
ડેન્માર્ક પછી બીજા નંબરે 88 CPI સાથે ફિનલૅન્ડ રહ્યું. ત્યારબાદ ત્રીજા-ચોથા ક્રમે સિંગાપોર (84) અને ન્યુઝીલૅન્ડ (83) આવે છે. લક્ઝમબર્ગ, નોર્વે અને સ્વિટ્ઝર્લૅન્ડ 81ના સ્કોર સાથે પાંચમા ક્રમે છે, જ્યારે સ્વીડન (80) અને નેધરલૅન્ડ્સ (78) અનુક્રમે 8મા અને 9મા ક્રમે છે. ઓસ્ટ્રેલિયા, આઇસલૅન્ડ અને આયર્લૅન્ડ 77 સ્કોર કરીને 10મા ક્રમે છે.
ભારત કેટલો ભ્રષ્ટ? કયા ક્રમે રહ્યો આપણો દેશ?
અહેવાલ કહે છે કે, આ વર્ષે ભારત 96મા ક્રમે છે. એટલે કે ભારતનો સમાવેશ વધુ ભ્રષ્ટ દેશોમાં થાય છે. ભારતનો CPI સ્કોર 38 રહ્યો છે. 2023ના રેન્કિંગથી ભારતનું સ્થાન ત્રણ ક્રમાંક નીચે આવી ગયું છે. ભારતના પડોશી દેશો પૈકી પાકિસ્તાન 135મા, શ્રીલંકા 121મા અને બાંગ્લાદેશ 14મા રહ્યા છે. ચીનની સ્થિતિ પ્રમાણમાં બહેતર છે. તેને 76મો ક્રમ મળ્યો છે.
અમેરિકાની શું સ્થિતિ છે?
આ ઇન્ડેક્સમાં અમેરિકાને સંયુક્તપણે 28મો ક્રમ આપવામાં આવ્યો છે. તેનો CPI સ્કોર 65 રહ્યો. 2023ની સરખામણીમાં અમેરિકા પણ નીચેના ક્રમાંકે ગગડ્યું છે. એ જ રીતે જાપાન, હોંગકોંગ, જર્મની, કેનેડા, સ્વિત્ઝર્લૅન્ડ, ફ્રાન્સ, સ્પેન, ઈટલી જેવા સમૃદ્ધ અને ઇમાનદાર ગણાતા દેશોના સ્થાન પણ ગગડ્યા છે.
આ પણ વાંચોઃ વ્હાઇટ હાઉસમાં PM મોદી અને મસ્કની મુલાકાત: AI તથા સ્ટારલિન્ક ઇન્ટરનેટ પર થઈ શકે છે ચર્ચા
ડેનિસ પ્રજાના વિશ્વાસના થોડા ઉદાહરણ
ડેનિસ લોકો બિનજરૂરી કોર્ટ કેસ કરતાં નથી. લૂંટ થતી રોકવા માટે તેઓ ઘર કે કારમાં ઍલાર્મ લગાવતા નથી. મોટાભાગના વ્યવસાયોમાં પરસ્પર મૌખિક વાટાઘાટો દ્વારા જ બધું નક્કી કરવામાં આવે છે અને લોકો પોતાની જબાનથી ફરી નથી જતા. લેખિત કરાર કરવામાં આવે તોય એની અગ્રીમતા હોતી નથી. લોકોને પોલીસ, કોર્ટ, હૉસ્પિટલ જેવી સરકારી સંસ્થાઓના કામ પર પૂરો ભરોસો છે. ડેન્માર્કની સત્તાવાર વેબસાઇટ ડેન્માર્કને ‘લૅન્ડ ઑફ ટ્રસ્ટ’ (વિશ્વાસની ભૂમિ) તરીકે ઓળખાવે છે.
ખરા અર્થમાં ‘લૅન્ડ ઑફ ટ્રસ્ટ’
ડેનિસ પ્રજા પરસ્પર કેટલી હદે વિશ્વાસ ધરાવે છે એનું ઉદાહરણ જોઈએ. અહીંના દુકાનદારો ઘણી વખત તેમની દુકાનો રેઢી મૂકીને જતા રહે છે. દરવાજા પર એક QR કોડ લગાવેલો હોય છે. ગ્રાહક એને સ્કેન કરે એટલે દરવાજો ખૂલે. ગ્રાહક પોતાને જોઈતી ચીજ લઈ લે અને કાઉન્ટર પર પૈસા છોડીને જતો રહે. કોઈ જોવાવાળું નથી હોતું, બધું વિશ્વાસ પર ચાલે. આજના જમાનામાં પણ. કલ્પના કરી શકો કે આપણા દેશમાં આવી વ્યવસ્થા, આવો ભરોસો શક્ય છે ખરો?
આ મુદ્દો પણ પરસ્પર વિશ્વાસ વધારે છે
ડેનિસ પ્રજા પ્રામાણિક તો બહુ, પણ એ ઉપરાંત પણ એક કારણ છે જે અહીંના લોકોનો પરસ્પર વિશ્વાસ વધારે છે અને એ છે આર્થિક સમાનતા. ડેન્માર્ક એક ધનિક, વિકસિત દેશ છે. અહીંના લોકોનો જીડીપી મોટાભાગના યુરોપિયન દેશો કરતાં સારો છે. અહીં અમીર-ગરીબ વચ્ચેની ખાઈ બહુ ઊંડી નથી. સમાન આવક ધરાવતા લોકોનો વર્ગ બહુ મોટો છે. આ બાબત પરસ્પર વિશ્વાસ પણ વધારે છે. ઉપરાંત ડેનિસ સરકાર નાગરિકોના શિક્ષણથી લઈને આરોગ્ય જેવા અનેક ખર્ચા ઉઠાવે છે. સૌને એકસામન સગવડો આપે છે, જેને લીધે પણ પ્રજામાં સમભાવ કેળવાય છે. ઊંચ-નીચની ભેદરેખા લગભગ ન હોવાથી આ પ્રજામાં પરસ્પર વિશ્વાસનું પ્રમાણ વધારે છે.
સિક્કાની બીજી બાજુ પણ છે
લોકો ભલે માનતા કે ડેન્માર્કમાં ‘રામ રાજ્ય’ ચાલે છે. પરંતુ, છેલ્લા થોડા સમયથી ડેન્માર્કમાં પણ ભ્રષ્ટાચારના કિસ્સા સામે આવી રહ્યા છે. થોડા સમય અગાઉ ડેનિસ સંસદના લગભગ 20 સભ્યોએ તેમની સંપત્તિની સાચી વિગતો જાહેર કરી ન હોવાનો મુદ્દો ઉછળ્યો હતો. પોલીસ વર્ક્સ કાઉન્સિલના ઘણા સભ્યોએ મોંઘી ડિનર પાર્ટીઓ માણવા માટે કાઉન્સિલના ભંડોળનો ઉપયોગ કર્યો હોવાના આરોપોને પગલે રાજીનામું આપવાની ફરજ પડી હતી. જેને લીધે ડેન્માર્ક પણ સાવ દૂધે ધોયેલો દેશ તો નથી જ.
ભ્રષ્ટાચાર અંગેના અહેવાલમાં જ ભ્રષ્ટ્રાચાર?
ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના ‘ભ્રષ્ટાચાર પર્સેપ્શન્સ ઇન્ડેક્સ’ની પ્રામાણિકતા વિશે પણ સમયાંતરે પ્રશ્નો પૂછાતા રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આ અહેવાલ ભ્રષ્ટાચારનું વાસ્તવિક સ્વરૂપ શોધવાને બદલે ફક્ત લોકોના અભિપ્રાયને આધારે બનાવી કાઢવામાં આવે છે, તેથી તેના પર આંખ મીંચીને વિશ્વાસ કરી ન શકાય. કઈ રીતે માની લેવાય કે લોકો સાચું જ બોલે છે? ‘ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ’ જાણી જોઈને પશ્ચિમી દેશોને ઓછા ભ્રષ્ટ દર્શાવે છે અને ભારત, બ્રાઝિલ જેવા વિકાસશીલ દેશોને વધુ ભ્રષ્ટ દર્શાવે છે. મોટા-મોટા કૌભાંડો થતાં હોવા છતાં અમેરિકા અને યુરોપના દેશોને ઊંચું રેન્કિંગ આપવામાં આવે છે, જેને લીધે ‘ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ’ના કામમાં જ ટ્રાન્સપરન્સી (પારદર્શિતા) નહીં હોવાના આરોપ લાગતા રહે છે.