Get The App

ચીનમાં કોરોના જેવી મહામારી ફેલાઈ : હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ

Updated: Jan 4th, 2025


Google NewsGoogle News
ચીનમાં કોરોના જેવી મહામારી ફેલાઈ : હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ 1 - image


- ઉત્તરીય ચીનની હોસ્પિટલોમાં વૃદ્ધો-બાળકોના ટોળાંના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

- ચીનમાં ઈન્ફ્લુએન્ઝા-એ, હ્યુમન મેટાન્યુમોવાયરસના કેસોમાં અસાધારણ વધારાને જિનપિંગ સરકાર અને હૂનું સમર્થન નહીં

- વૃદ્ધો, બાળકો, નબળી ઈમ્યુન સિસ્ટમ ધરાવતા લોકો શ્વાસની બીમારીનો ભોગ બની રહ્યા હોવાનો દાવો

બેઈજિંગ : વર્ષ ૨૦૧૯ના અંતમાં ચીનમાં અચાનક શ્વાસની બીમારીથી પીડિત લોકોથી હોસ્પિટલો ભરાઈ ગઈ હતી. થોડાક જ મહિનામાં આ બીમારીએ સમગ્ર વિશ્વને તેના ભરડામાં લઈ લીધું, જેને પાછળથી કોરોના મહામારી નામ અપાયું હતું. પાંચ વર્ષ પછી ફરી એક વખત ચીનમાં હ્યુમન મેટાન્યૂમોવાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને આ બીમારીથી પીડિત લોકોથી ચીનની હોસ્પિટલો ઉભરાઈ રહી છે, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેને પગલે ફરી એક વખત દુનિયામાં ભારે ગભરાટ ફેલાયો છે.

ચીનમાં ફરી એક વખત નવો વાયરસ તિવ્ર ગતિએ ફેલાઈ રહ્યો છે, જેણે અનેક સવાલો ઊભા કર્યા છે. સોશિયલ મીડિયા પર ચીનની હોસ્પિટલોમાં ભીડના કેટલાક વીડિયો વાયરલ થયા છે. એક વીડિયોમાં હોસ્પિટલમાં વૃદ્ધ દર્દીઓની ભીડ દર્શાવાઈ છે. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે ચીનની હોસ્પિટલો 'ઈન્ફ્લુએન્ઝા એ' અને 'હ્યુમન મેટાપ્નેયૂમોવાયરસ'ના પ્રકોપનો સામનો કરી રહી છે, જે ત્રણ વર્ષ પહેલાંના કોરોના મહામારીની લહેરની યાદ તાજી કરાવે છે.

જોકે, આ દાવાઓની સત્તાવાર પુષ્ટી કરાઈ નથી ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા અને ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓએ આ કોઈ નવી મહામારી હોવાની પુષ્ટી નથી કરી કે તેમણે કોઈ ઈમર્જન્સી એલર્ટ પણ જાહેર નથી કરી. જોકે, સૂત્રો મુજબ ઉત્તરીય ચીનમાં વિશેષરૂપે ૧૪ વર્ષથી નાના બાળકો આ વાયરસનો ભોગ બની રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. આ વાયરસની પણ હજુ સુધી કોઈ રસી નથી. સ્વાસ્થ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ વાયરસના સંપર્કમાં આવ્યા પછી યોગ્ય તબીબી તપાસ વિના એન્ટી વાયરલ દવાનો ઉપયોગ સ્વાસ્થ્ય અંગે અન્ય જોખમો ઊભા કરી શકે છે.

જોકે, કેટલાક સૂત્રો મુજબ ગયા વર્ષે નેધલેન્ડ્સ, બ્રિટન, ફિનલેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા અને ચીનમાં એચએમવીપીના કેસ જોવા મળ્યા હતા. નિષ્ણાતોનું કહેવું છે કે વાયરલ પોસ્ટ્સ છતાં કોરોના જેવી સ્થિતિ માત્ર અટકળો સુધી મર્યાદિત છે.

સોશિયલ મીડિયા પર થઈ રહેલા દાવાઓથી વિપરિત ચીને શુક્રવારે એચએમવીપીથી પીડિત દર્દીઓથી હોસ્પિટલો ભરાઈ રહી હોવાના દાવાઓને ખોટા ગણાવ્યા હતા. ચીને કહ્યું કે, શ્વાસ સંબંધિત બીમારીના કેસ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓછા હોવાનું જોવા મળ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે જણાવ્યું કે, શિયાળામાં ઉત્તરીય ભાગમાં શ્વાસ સંબંધિત બીમારી સામાન્ય રીતે જોવા મળતી હોય છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે આ બીમારીના કેસ ઓછા જોવા મળ્યા છે. ચીનની સરકાર તેના નાગરિકો અને ચીનમાં રહેતા વિદેશી નાગરિકોના સ્વાસ્થ્યની ખૂબ જ કાળજી રાખી રહી છે. નોંધનીય છે કે ૨૦૧૯માં કોરોના મહામારી સમયે પણ ચીને આવું જ વલણ અપનાવ્યું હતું.

હ્યુમન મેટાપ્નેયૂમોવાયરસથી પીડિત દર્દીમાં સામાન્ય રીતે શરદી જેવા લક્ષણો જોવા મળે છે. નાના બાળકો, વૃદ્ધો અને નબળી ઈમ્યુન સિસ્ટમ ધરાવતા લોકો તેના સૌથી મોટા શિકાર બની શકે છે. તેના લક્ષણોમાં ખાંસી, તાવ, નાક બંધ થઈ જવુંનો સમાવેશ થાય છે. પરંતુ તે ન્યૂમોનિયા અને બ્રોંકિયોલાઈટિસ જેવી ગંભીર શ્વાસની બીમારીનું કારણ બની શકે છે. હ્યૂમન મેટાપ્નેયૂમોવાયરસનો પ્રસાર કોરોનાની જેમ જ થાય છે.

ચીનમાં ફેલાયેલી મહામારી મુદ્દે ડીજીએચએસનો દાવો

હ્યુમન મેટાન્યૂમોવાયરસના પ્રસારથી ભારતે ચિંતા કરવાની જરૂર નથી

ચીનમાં કોરોના મહામારી જેવી બીમારી હ્યુમન મેટાન્યૂમોવાયરસ ફેલાયો છે ત્યારે ભારતમાં ડિરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ (ડીજીએચએસ)ના ડૉ. અતુલ ગોયલે જણાવ્યું કે, ચીનમાં મેટાન્યુમોવાયરસની મહામારી ફેલાઈ છે, પરંતુ તે શ્વાસોચ્છ્વાસ સંબંધિત સામાન્ય વાયરસ છે, જેનાથી શરદી જેવી બીમારી થાય છે. વિશેષરૂપે વૃદ્ધો, બાળકો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો તેની ઝપેટમાં આવી શકે છે. પરંતુ આ કોઈ ગંભીર બીમારી નથી. તેના અંગે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શિયાળામાં શ્વાસોચ્છ્વાસ સંબંધિ ઈન્ફેક્શન સામાન્ય બાબત છે. તેમ છતાં ચીન અને ભારત બંનેમાં અમે નજર રાખી રહ્યા છીએ.


Google NewsGoogle News