કોપીરાઇટ ભંગ : ન્યૂયોર્ક ટાઇમ્સનો માઇક્રોસોફ્ટ-ઓપન AI સામે કેસ
- અન્ય મીડિયા કંપનીઓનું ઓપન એઆઇ સાથે ડીલ
- ઓપન AI તાલીમ માટે ટાઇમ્સના લાખો લેખોનો તેની મંજૂરી વગર ઉપયોગ કરી જંગી નફો રળી રહી છે
વોશિંગ્ટન : ન્યૂયોર્ક ટાઇમ્સે ચેટજીપીટી બનાવનારી ઓપન એઆઇ અને માઇક્રોસોફ્ટ સામે અમેરિકન કોર્ટમાં કેસ કર્યો છે કે આ કંપનીઓએ તેમના શક્તિશાળી એઆઇ મોડેલ્સ બનાવવા માટે તેમના લાખો લેખોનો તાલીમ માટે ઉપયોગ કર્યો છે અને આ માટે તેમની મંજૂરી લીધી નથી અને તેમજ તેને વળતર પણ ચૂકવ્યું નથી. હવે તે તેનો ઉપયોગ કરીને જંગી નફો રળી રહી છે.
આમ ન્યૂયોર્ક ટાઇમ્સના જર્નાલિઝમમાં જંગી રોકાણનો તેમણે વિના મૂલ્યે ઉપયોગ કરીને નફો રળતી પ્રોડક્ટ્સ બનાવી છે. એઆઇ ચેટબોટ્સના અચાનક થયેલા ઉદભવને લઈને ન્યૂયોર્ક ટાઇમ્સે આ કેસ દાખલ કરીને સંઘર્ષમાં ઉતરવાનો માર્ગ અપનાવ્યો છે. જ્યારે અન્ય મીડિયા જૂથોએ તેનાથી વિપરીત વલણ દાખવતા જર્મનીના એક્સેલ સિંગર અથવા એસોસિયેટેડ પ્રેસે ઓપન એઆઇ સાથે કન્ટેન્ટ ડીલ કર્યુ છે. અમેરિકામાં ધ ટાઇમ્સ અત્યંત પ્રતિષ્ઠિત સમાચાર સંગઠન છે. તેણે હવે આ કંપનીઓ તેની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતાં અટકે અને તેમના આધારે તેઓએ જે ડેટા બનાવ્યો છે તેને ખતમ કરવામાં આવે તેની માંગ કરી છે.
માઇક્રોસોફ્ટ ઓપન એઆઇમાં અગ્રણી રોકાણકાર છે. ગયા વર્ષે ચેટજીપીટી જારી થયા બાદ તેની પોતાની પ્રોડક્ટ્સ માટે એઆઇના પાવરનો સરળતાથી ઉપયોગ કરી રહ્યું છે.ચેટજીપીટીથી સજ્જ એઆઇ મોડેલ અને માઇક્રોસોફ્ટની કોપીલોટે વર્ષો સુધી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ કન્ટેન્ટનો ઉપયોગ તેની તાલીમ માટે કર્યો છે. તેઓએ તે ધારણા હેઠળ તેનો ઉપયોગ કર્યો છે કે કોઈપણ પ્રકારનું વળતર ચૂકવ્યા વગર તેનો ઉપયોગ કરવો યોગ્ય છે. ઇન્ટરનેટ પર માહિતી અને વિગતો બધા માટે ઉપલબ્ધ હોય છે. પણ તેમની આ વાત ઉંધી પડી છે અને તેના લીધે હવે તેમની સામે છેતરપિંડીનો કેસ પણ નોંધાઈ શકે છે.