'પહલી લાઈન મેં પી.એમ. મોદી, અપનાવાલા કહાં ?' Cop સમિટની તસ્વીર જોઈ પાક.ના નાગરિકોએ મઝાક ઉડાડી
- દરમિયાન એક યુઝરે જણાવ્યું કે આપણા પી.એમ. અન્વર ઉલ હક્ક સૌથી છેલ્લી લાઇનમાં જમણી બાજુ ઊભેલા દેખાય છે'
નવી દિલ્હી : ઋતુ પરિવર્તનના પડકારોનો સામનો કરવા વિશ્વ ઋતુ શિખર સંમેલન (COP) - 28 ' સમિટ દુબઈમાં ચાલી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર અમીરાત આ વર્ષે સીઓપી સમિટની અધ્યક્ષતા કરે છે. આ સમિટમાં દુનિયાભરની સરકારોના વરિષ્ટ નેતાઓ વડાપ્રધાનો કે પ્રમુખો ભાગ લઈ રહ્યા છે. વડાપ્રધાન મોદી પણ તેમાં ઉપસ્થિત રહ્યા. પાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન અન્વર ઉલ હક્ક પણ તે સમિટમાં ભાગ લેવા દુબઈ પહોંચ્યા હતા. તે સર્વેનો એક સમુહ ફોટો પણ પાડવામાં આવ્યો. તે જોઈ પાકિસ્તાનના નાગરિકોએ મઝાક ઉડાડતાં કહ્યું, 'પહલી લાઈન મેં પી.એમ. મોદી, અપનાવાલા કહાં ?' તે પછી એક યુઝરે પાકિસ્તાનના (કાર્યવાહક) પીએમને શોધવા મહેનત શરૂ કરી દીધી. પછી જણાવ્યું કે, આપણા (કાર્યવાહક) વડાપ્રધાન તો, છેલ્લી લાઈનમાં જમણી બાજુ ઊભેલા દેખાય છે.'
પાકિસ્તાનના રાજકીય વિશ્લેષકો પૈકી એક કમર ચીમાએ તસ્વીર શેર કરતાં કહ્યું કે, (ભારતના) વડાપ્રધાન મોદી પહેલી લાઇનમાં જ દેખાય છે. આપણા વડાપ્રધાનને શોધવામાં મને મદદ કરો. ત્યારે એક યુઝરે ઉપર જણાવ્યા પ્રમાણે ટિવટ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ ૨૦૨૮માં સંયુક્ત રાષ્ટ્ર ઋતુ પરિવર્તન સંમેલનમાં ભારત યજમાન થવા તૈયાર છે તેમ જણાવ્યું હતું. તેમજ સીઓપી-૩૩ ભારતમાં યોજવાનો પ્રસ્તાવ પણ પસાર કરાવ્યો હતો. તે સાથે સામુહિક રીતે કાર્બન સિન્ક રચવા પર લક્ષ્ય કેન્દ્રિત કરવાનું જણાવવા સાથે ગ્રીન ક્રેડિટની પહેલની શરૂઆત કરી હતી.
આ સંમેલનમાં કરેલા સંબોધનમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારતે વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ વચ્ચે સંતુલન જાળવીને વિશ્વ સમક્ષ એક શ્રેષ્ઠ ઉદાહરણ રજૂ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ભારત દુનિયાના બહુ થોડા દેશો પૈકીનો એક દેશ છે કે જે ઉષ્ણતામાનની વૃદ્ધિને ૧.૫ સેલ્સિયસ સુધી સિમિત રાખી શક્યું છે.
ઉલ્લેખનીય છે કે સી.ઓ.પી.-૨૮ના અધ્યક્ષ સુલ્તાન અલ જાબેર અને સંયુક્ત રાષ્ટ્ર ઋતુ પરિવર્તન વિભાગના અધ્યક્ષ સાઇમન સ્ટીલની સાથે આરંભિક પૂર્ણ સત્રમાં સામેલ થનારા નરેન્દ્ર મોદી એક માત્ર નેતા હતા.