ટ્રમ્પે પૈસા ખર્ચી સ્પેસવૉક કરનારા અબજપતિ બિઝનેસમેનને NASAના પ્રમુખ બનાવતાં વિવાદ
Image: Facebook
Jared Isaacman: અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈલોન મસ્કની સ્પેસએક્સથી અંતરિક્ષની પહેલી ખાનગી અંતરિક્ષ યાત્રા કરનાર અબજોપતિ જેરેડ ઈસાકમેનને પોતાના વહીવટી તંત્રમાં નાસાના આગામી પ્રમુખ તરીકે નામાંકિત કર્યાં છે.
ટ્રમ્પના આ નિર્ણયથી સંભવિત હિતોના ટક્કર વિશે સવાલ ઉઠી શકે છે, કેમ કે ઈસાકમેનના ઈલોન મસ્કની સાથે નાણાકીય સંબંધ છે. એટલું જ નહીં ઈસાકમેન ટ્રમ્પના સૌથી નજીકના સલાહકારો પૈકીના એક છે. તે ખાનગી અંતરિક્ષ યાત્રી મિશનોનું સંચાલન કરવા માટે સ્પેસએક્સ વાહનોનો ઉપયોગ કરનાર કાર્યક્રમનો ભાગ પણ રહ્યાં છે.
કાર્ડ પ્રોસેસિંગ કંપની શિફ્ટ4 પેમેન્ટ્સના સીઈઓ અને સંસ્થાપક 41 વર્ષીય જેરેડ ઈસાકમેને 2021માં પ્રતિસ્પર્ધી વિજેતાઓની સાથે અંતરિક્ષની યાત્રા કરી હતી અને સપ્ટેમ્બરમાં પણ એક મિશનની સાથે તે અંતરિક્ષમાં ગયા હતાં જ્યાં તેમણે સ્પેસએક્સના નવા સ્પેસવોકિંગ સૂટનું પરીક્ષણ કરવા માટે અમુક સમય સુધી અંતરિક્ષમાં પગલાં ભર્યા હતાં.
ટ્રમ્પની પોસ્ટ
સીનેટ જો તેમની નિમણૂકની પુષ્ટિ કરી દે છે તો તે ફ્લોરિડાના પૂર્વ ડેમોક્રેટિક સીનેટર 82 વર્ષીય બિલ નેલ્સનનું સ્થાન લેશે, જેમને રાષ્ટ્રપતિ જો બાઈડને નોમિનેટ કર્યાં હતાં. ટ્રમ્પે આની સાથે પૂર્વ સૈનિક અને ઈરાક યુદ્ધના અનુભવી ડેનિયલ પી. ડ્રિસ્કૉલને અમેરિકી સેના મામલાના મંત્રી નોમિનેટ કર્યાં.
ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, 'એક શાનદાર બિઝનેસ લીડર, સમાજ-સેવી, પાયલટ અને અંતરિક્ષ યાત્રી જેરેડ ઈસાકમેનને નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA) ના સંચાલક તરીકે નોમિનેટ કરતાં મને ખુશી થઈ રહી છે. જેરેડ નાસાના શોધ અને પ્રેરણા મિશનને આગળ વધારશે તથા અવકાશ વિજ્ઞાન, ટેકનોલોજી અને સંશોધનમાં અભૂતપૂર્વ સિદ્ધિઓનો માર્ગ વિસ્તૃત કરશે.'
ઈસાકમેને જણાવ્યું પોતાનું લક્ષ્ય
પોતાના નોમિનેશન બાદ ઈસાકમેને કહ્યું કે 'હું ટ્રમ્પ દ્વારા નોમિનેટ થવા પર સન્માનિત અનુભવી રહ્યો છું અને હું માનવ ઈતિહાસમાં સૌથી અવિશ્વસનીય સાહસિક કાર્યનું નેતૃત્વ કરવામાં અમેરિકાનું નેતૃત્વ કરવા માટે ભાવુક છું. હું નાસાના આગામી સંચાલક તરીકે સેવા કરવા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નામાંકન પ્રાપ્ત કરવા બદલ સન્માનિત અનુભવી રહ્યો છું. ચોક્કસપણે એક સમૃદ્ધ અંતરિક્ષ અર્થવ્યવસ્થા હશે, જે અસંખ્ય લોકો માટે અંતરિક્ષમાં રહેવા અને કામ કરવાની તક પેદા કરશે. નાસામાં અમે આ સંભાવનાઓ પર સંપૂર્ણ જોશ સાથે કામ કરીશું.'
કોણ છે ઈસાકમેન
ઈસાકમેને ઐતિહાસિક અંતરિક્ષ યાત્રા કરી હતી તે પોલારિસ કાર્યક્રમ હેઠળ થઈ હતી. જેમાં મસ્કની કંપની સ્પેસએક્સે મદદ કરી હતી. ઈસાકમેને કથિત રીતે 2021ના સ્પેસએક્સ ઈન્સ્પિરેશન4 ઓર્બિટલ મિશનનું નેતૃત્વ કરવા માટે પોતાના 200 મિલિયન ડોલર ખર્ચ કર્યા હતા, જે અંતરિક્ષમાં તેમનું પહેલું અભિયાન રહ્યું.
NASA ના ભાવિ સંચાલક, જેરેડ ઈસાકમેનની ગણતરી અમેરિકાના સૌથી ધનિક વ્યક્તિઓમાં થાય છે. જેરેડ ઈસાકમેનની અંદાજિત કુલ સંપત્તિ (સપ્ટેમ્બર 2024 સુધી) 1.9 અબજ અમેરિકી ડોલર છે. આ સિવાય તેના નામે અન્ય પણ સિદ્ધિઓ છે. તેઓ એક લાઈટ જેટ દ્વારા 60 કલાકમાં સમગ્ર દુનિયાનું ચક્કર લગાવવાનો વિશ્વ રેકોર્ડ બનાવી ચૂક્યા છે. તેમણે એર શો માં પ્રદર્શન કર્યું હતું. તેઓ એક કુશળ પાયલટ છે અને તેમની પાસે વિભિન્ન પ્રકારના મિલિટ્રી એરક્રાફ્ટ ઉડાડવાનું લાયસન્સ પણ છે.
ઈસાકમેન સ્પેસએક્સ અને મસ્કના પણ મુખ્ય સમર્થક છે તથા ઘણી વખત કંપની અને એક્સ પર તેના દ્રષ્ટિકોણની પ્રશંસા કરતાં રહે છે. પેન્સિલવેનિયાના મૂળ રહેવાસી ઈસાકમેને લગભગ 16 વર્ષની ઉંમરમાં પોતાના પરિવારના બેઝમેન્ટથી બિઝનેસ શરૂ કરી દીધો હતો. જે બાદમાં શિફ્ટ4 પેમેન્ટ્સ બની ગયો. તેઓ એક કુશળ એવિએટર છે.