ડીઓજીઈને સંવેદનશીલ ટ્રેઝરી સીસ્ટમની પહોંચ મળતા વિવાદ
પ્રમુખ ટ્રમ્પના સલાહકાર મસ્કની આગેવાની હેઠળનો ડીપાર્ટમેન્ટ
કરદાતાની ગોપનીય માહિતીના દુરુપયોગની સંભાવના વિશે સેનેટ કમિટીએ ચિંતા વ્યક્ત કરી
સેનેટ ફાયનાન્સ કમિટી પરના ટોચના ડેમોક્રેટ સેનેટર રોન વાઈડેને ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટને લખેલા પત્રમાં ચિંતા વ્યક્ત કરતા ચેતવણી ઉચ્ચારી છે કે મસ્કની ટીમ રાજકીય કારણસર ચૂકવણીમાં છેડછાડ કરી શકે છે. બાઈડેને આવી નાણાંકીય સીસ્ટમમાં કોઈપણ દખલગીરીના વિનાશક આર્થિક પરિણામ આવી શકવાની સંભાવના વ્યક્ત કરી છે.
આ ઘટનાઓને પગલે ટ્રેઝરીના કાર્યવાહક ડેપ્યુટી સેક્રેટરી ડેવિડ લેબ્રીકએ સેવાના ત્રીસ વર્ષ પછી રાજીનામુ આપી દીધું છે. ડીઓજીઈએ ટ્રેઝરી ડાટાની પહોંચની વિનંતી કરતા તેમણે રાજીનામુ આપ્યું હોવાનું કહેવાય છે. પોતાના રાજીનામાના પત્રમાં લેબ્રીકે ફિસ્કલ સેવાની મહત્વની ભૂમિકા પર ભાર મુક્યો હતો. જો કે તેમણે ડીઓજીઈની સંડોવણી વિશે કોઈ ઉલ્લેખ નહોતો કર્યો.
મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ડીઓજીઈની પ્રવૃત્તિનો બચાવ કરતા દાવો કર્યો કે ટ્રેઝરી અધિકારીઓએ છેતરપિંડી કરનારા અથવા આતંકવાદી જૂથોને પણ ચૂકવણી મંજૂર કરી હતી, જો કે તેમણે આ બાબતે કોઈ પુરાવો રજૂ નહોતો કર્યો.
ઉલ્લેખનીય છે કે પ્રારંભમાં ડીઓજીઈનું નેતૃત્વ મસ્ક અને પ્રમુખપદના ભૂતપૂર્વ ઉમેદવાર વિવેક રામાસ્વામીએ કર્યું હતું, જેમણે ઓહિયોના ગવર્નર પદ માટે ચૂંટણી લડવા ડીઓજીઈમાંથી રાજીનામુ આપ્યું હતું.
વર્તમાન પરિસ્થિતિથી કરદાતાના ભંડોળની સુરક્ષા બાબતે પારદર્શિતા અને રાજકીય દખલગીરી બાબતે મહત્વની ચિંતા ઊભી થઈ છે.