ઓલિમ્પિકની ઓપનિંગની સેરિમનીમાં ઇશુના વરવા ચિત્રણથી વિશ્વમાં વિવાદ
- હકીકતોની પેરોડી કરવી આયોજકોને ભારે પડી
- ધ લાસ્ટ સપરને નિશાન બનાવી ઇશુખ્રિસ્તને મહિલાના સ્વરૂપમાં દર્શાવાયા, મસ્કે પણ આયોજકોને ઝાટક્યા
- સેક્સને બેડરુમ સુધી જ સીમિત રહેવા દો, ઓલિમ્પિક સાથે જોડવાની ક્યાં જરુર હતી: કંગનાએ આયોજકોની ટીકા કરી
નવી દિલ્હી : પેરિસ ઓલિમ્પિક્સ પર હુમલાનો વિવાદ શમ્યો નથી ત્યાં બીજો વિવાદ હવે તેા ઉદઘાટન સમારંભમાં ઇશુખ્રિસ્તના વરવા ચિત્રણનો સર્જાયો છે. ખ્રિસ્તીઓએ ડ્રેગ ક્વીન પર્ફોર્મન્સમાં ઇશુખ્રિસ્તના આ રીતના ચિત્રણ સામે જબરદસ્ત વિરોધ નોંધાવ્યો છે. ઇશુખ્રિસ્તના લાસ્ટ સપર એટલે કે અંતિમ ભોજનની પેરોડી કરવાનું ઓલિમ્પિકના આયોજકોને ભારે પડી ગયું છે. યુરોપમાં આનાથી હલચલ મચી ગઈ છે.
સોશિયલ મીડિયા પર લોકોએ રીતસર પેરિસ ઓલિમ્પિકના ઉદઘાટન સમારંભને ટ્રોલ કર્યો છે. તેના લીધે આયોજકાએ પણ આંચકો અનુભવ્યો છે. તેમને કલ્પના પણ નહીં હોય કે આ પ્રકારની પેરોડીને લોકો સાંખી નહીં લે. જાણીતા ચિત્રકાર લિઓનાર્દો દ વિન્ચીએ ઇશુ ખ્રિસ્તના ધ લાસ્ટ સપરનું ચિત્ર બતાવ્યું છે અને તેમા ૧૮ જણા બતાવ્યા હતા તેમ ૧૮ પર્ફોમરોએ પર્ફોર્મ કર્યુ હતુ. તેમા પાછુ ઇશુખ્રિસ્તના સ્વરુપમાં મહિલાને બતાવવામાં આવી હતી, બીજા શબ્દોમાં કહીએ તો એક રીતે તેમના લાંબા વાળની રીતસરની ઠેકડી ઉાડવામાં આવી હતી.
આ ઉપરાંત બીજો ઝાટકો શરીર પર બ્લુ રંગ લગાડેલો અને ફક્ત ફળો અને ફ્લાવરની પટ્ટી જ ધારણ કરેલો વ્યક્તિ ધ લાસ્ટ સપરમાં જાણે ભોજન પીરસી રહ્યો હોય તે રીતે ચિત્રણ કરાયું છે. આમ ફ્રાન્સ ઓલિમ્પિકના આયોજકોએ વધુ પડતી સ્વતંત્રતા લેવા જતાં રીતસરનો ભાંગરો વાટયો છે. રોમન કેથલિક ખ્રિસ્તીઓએ તો ઇશુ ખ્રિસ્તને વરવા ચીતરતા આ ડ્રેગ ક્વીનના પર્ફોર્મન્સની આકરી ટીકા કરી જ છે, પરંતુ ઉદાર મનાતા પ્રોટેસ્ટન્ટ પણ આનાથી ખુશ નથી. મસ્કે પણ આ ઉદઘાટન સમારંભમાં આ પર્ફોર્મન્સની આકરી ટીકા કરી છે.
આના લીધે હવે પરિસ્થિતિ એવી આવી છે કે આયોજકોએ આ બધા જ સ્થળોએ સફાઈ આપવી પડી રહી છે. આયોજકોનો દાવો છે કે તેમણે આ બધી બાબતોને હળવી શૈલીમાં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. માનવ હિંસા આચરવાની મૂર્ખતા કરે છે તેને અહીં દર્શાવવામાઁ આવી છે. એવોર્ડ વિનિંગ પ્રસારણકાર નીયોલ બોયલેને જણાવ્યું હતું કે ધ લાસ્ટ સપરનું જે રીતે ચિત્રણ કરાયું તે રીતસરનું ઇશુખ્રિસ્તનું અપમાન જ કહેવાય. ઇશુખ્રિસ્તને મહિલા તરીકે દર્શાવીને તેઓ છેલ્લે દર્શાવવા શું માંગે છે.
પેરિસ ઓલિમ્પિક્સના આયોજકોના ધ લાસ્ટ સપરના વરવા ચિત્રણ સામે ભારતીય સાંસદ કંગનાએ પણ વાંધો ઉઠાવ્યો છે. કંગનાએ ઇન્સ્ટાગ્રામ ધ લાસ્ટ સપરને ૧૮ પર્ફોર્મરોએ હાઇપર સેક્સ્યુલાઇઝ્ડ રીતે પર્ફોર્મ કર્યો તેની આકરી ટીકા કરી હતી. તેણે જણાવ્યું હતું કે રમાતોત્સવને આની સાથે શું લાગે વળગે છે. આ પર્ફોર્મન્સમાં બાળકનો પણ સમાવેશ કરાતા કંગનાએ પિત્તો ગુમાવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે સેક્સને બેડરુમ સુધી જ સીમિત રહેવા દવો જોઈએ, બધે બતાવવાની જરુર નથી. ઓલિમ્પિકને સેક્સ્યુઆલિટી સામે જોડવા બદલ વાંધો ઉઠાવ્યો હતો.