કેનેડાના આઠ શહેરોમાંથી ભારત વિરોધી ષડ્યંત્ર રચાઈ રહ્યું હોવાનો ગુપ્તચર એજન્સીઓનો દાવો

કેનેડાના કેટલાક શહેરોમાં ભારત વિરોધી પોસ્ટર લગાવવામાં આવ્યા

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News
કેનેડાના આઠ શહેરોમાંથી ભારત વિરોધી ષડ્યંત્ર રચાઈ રહ્યું હોવાનો ગુપ્તચર એજન્સીઓનો દાવો 1 - image


India Canada Row : કેનેડાના આઠ શહેરોમાંથી પંજાબમાં ખાલિસ્તાની ચળવળને હવા આપવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. કેનેડાના અમુક ગુરુદ્વારાનો પણ તેના માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જાસૂસી એજન્સીઓએ પંજાબ સરકારને ચેતવણી આપતા કહ્યું હતું કે ખાલિસ્તાની સમર્થકો અને નજીકના લોકોની ગતિવિધિઓ ઉપર પણ નજર રાખવામાં આવે. વિદેશમાં છુપાયેલ આતંકીઓ પણ પંજાબમાં માહોલ બગડવાની ફિરાકમાં છે.

કેનેડાના કેટલાક શહેરોમાં ભારત વિરોધી પોસ્ટર લગાવવામાં આવ્યા

રાજ્ય સરકારને મોકલવામાં આવેલા રિપોર્ટમાં ગુપ્તચર એજન્સીઓએ કેનેડાના તે શહેરનો પણ ઉલ્લેખ કર્યો છે જ્યાં તાજેતરમાં આતંકવાદી નિજ્જરની હત્યા કરવામાં આવી હતી. કેનેડાના કેટલાક શહેરોમાં ભારત વિરોધી પોસ્ટર લગાવવામાં આવ્યા છે. એજન્સીઓએ જણાવ્યું કે આતંકવાદીઓ અને ખાલિસ્તાન સમર્થકો આ શહેરોમાં આવતા-જતા રહે છે. કેટલાક ધાર્મિક સ્થળોની મેનેજમેન્ટ કમિટી પણ તેમને મદદ કરી રહી છે. એજન્સીઓએ આવા ગુરુદ્વારા સંચાલકોની યાદી પણ તૈયાર કરી છે. ભારતમાં તેમના નજીકના અને સંબંધીઓ પર નજર રાખવા માટે આ યાદી પંજાબ સરકાર સાથે શેર કરવામાં આવી છે.

કેનેડામાં ફરીથી જનમત સંગ્રહ કરાવવાની તૈયારી

ગુપ્તચર એજન્સીઓએ એમ પણ કહ્યું છે કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડોના ખાલિસ્તાન સમર્થકોના પક્ષમાં નિવેદન બાદ સરે, બ્રેમ્પ્ટન અને વેનકુવરમાં ભારત વિરોધી પ્રચાર વધ્યો છે. એજન્સીઓએ માહિતી આપી છે કે ખાલિસ્તાન અભિયાનને વેગ આપવા માટે કેનેડાના કેટલાક શહેરોમાં ફરીથી જનમત સંગ્રહ કરાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

કેનેડામાં ધર્મની આડમાં લોકોને ગેરમાર્ગે દોરવાનું કાવતરું 

આ સિવાય પંજાબમાં અમૃતપાલ સિંહની ધરપકડને લઈને કેનેડામાં ધર્મની આડમાં લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. બીજી તરફ, પંજાબ પોલીસની ઇન્ટેલિજન્સ વિંગના એક અધિકારીના જણાવ્યા અનુસાર, કેનેડાના આઠ શહેરોમાં અને ત્યાંથી મુસાફરી કરી રહેલા ખાલિસ્તાનીઓના નજીકના લોકો પર દેખરેખ શરૂ કરવામાં આવી રહી છે.


Google NewsGoogle News