આફ્રિકન દેશ કોંગોમાં વરસાદ અને ભૂસ્ખલનથી તબાહી, 22 લોકોના મોત, અનેક લોકો બેઘર બન્યા
વરસાદ સ્થાનિક સમય અનુસાર સવારે 1 વાગ્યે શરૂ થયો અને સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહ્યો
Congo Rains : કોંગોમાં પૂર અને ભૂસ્ખલનથી મોટી તબાહી સર્જાઈ છે. સ્થાનિક મીડિયા રિપોટ્સ અનુસાર મૂશળધાર વરસાદ બાદ પૂર આવતા અત્યાર સુધીમાં 22 લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો બેઘર થયા છે.
કાનંગાનો સમુદાય સૌથી વધુ પ્રભાવિત થયો
આફ્રિકન ખંડનો બીજો સૌથી મોટો દેશ કોંગોના કસાઈ-મધ્ય પ્રાંતમાં ગઈકાલે મુશળધાર વરસાદ અને ભૂસ્ખલનથી મોટો તારાજી સર્જાઈ છે જેમાં ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા છે. ઘરો, ચર્ચો અને રસ્તાઓ ભૂસ્ખલનની ચપેટમાં આવી ગયા હતા. વરસાદ અને પૂરને કારણે અનેક લોકો બેઘર બન્યા છે. ગવર્નર જ્હોન કાબેયાએ જણાવ્યું હતું કે કાનંગાનો સમુદાય સૌથી વધુ પ્રભાવિત થયો છે. તેમણે કહ્યું કે વરસાદ સ્થાનિક સમય અનુસાર સવારે 1 વાગ્યે શરૂ થયો અને સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો.
નુકસાનનું કારણ નક્કી કરવા માટે તપાસ હાથ ધરવામાં આવશે
સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે નુકસાનનું કારણ નક્કી કરવા માટે તપાસ હાથ ધરવામાં આવશે. કાનંગાના મેયર રોઝ મુડી મુસુબેએ જણાવ્યું હતું કે, મોટાભાગના મૃત્યુ ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા મકાનોની દીવાલો ધરાશાયી થવાને કારણે થયા છે. મુઆદી મુસુબેએ વડા પ્રધાનને મદદ માટે આવવા અને સરકારને પૂરતી સહાય પૂરી પાડવા માટે કહ્યું છે જેથી અમે મૃતકોને સન્માન સાથે દફનાવી શકીએ. અગાઉ ડિસેમ્બરની શરૂઆતમાં પૂર્વી કોંગોના બુકાવુ શહેરમાં મુશળધાર વરસાદને કારણે ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા હતા.