કોંગોમાં જેલ તોડીને ભાગવાનો પ્રયાસ, નાસભાગમાં 129 કેદીઓના મોત
Image:Freepik
Congo: ખનિજોના ભંડાર માટે પ્રખ્યાત આફ્રિકન દેશ કોંગોમાં વધુ એક ભયાનક ઘટના બની છે. વિશ્વના સૌથી ગરીબ દેશોમાંના એક આ આફ્રિકન દેશ, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોની રાજધાની કિંશાસાની જેલમાંથી ભાગવાનો પ્રયાસ કરતી વખતે સંખ્યાબંધ કેદીઓ મૃત્યુ પામ્યા છે.
આ ઘટના અંગે માહિતી આપતાં સરકારે કહ્યું કે, સોમવારે કિંશાસાની સેન્ટ્રલ મકાલા જેલમાંથી ભાગવાનો પ્રયાસ કરતી વખતે ઓછામાં ઓછા 129 લોકો માર્યા ગયા છે. મોતના આંકડા અંગે અનેક માનવાધિકાર સંસ્થાઓ સરકાર સામે સવાલ કરી રહી છે કે, તંત્ર ઓછો આંકડો બહાર પાડી રહી છે, આ ભયવાહ ઘટનામાં મૃત્યુઆંક મોટો હોઈ શકે છે.
'એક પણ કેદી ભાગી ન શક્યો'
ગૃહમંત્રી શબાની લુકુએ જણાવ્યું કે ,129 મૃત્યુમાંથી 24ના મોત ફાયરિંગમાં થયા છે જ્યારે બાકીના મોત ભાગદોડના કારણે થયા છે. કોંગોના ગૃહમંત્રીએ કહ્યું, '129માંથી 24ના મોત ફાયરિંગમાં થયા છે જ્યારે બાકીના કેદીઓ ધક્કો મારવાથી અથવા ગૂંગળામણને કારણે આ ઘટનામાં મૃત્યુ પામ્યા હતા.' જેલની વહીવટી ઇમારત, તેના ફૂડ ડેપો અને એક હોસ્પિટલમાં પણ આગ લાગી હતી, જેમાં લગભગ 59 લોકો ઘાયલ થયા હતા. વીડિયો દ્વારા જારી કરાયેલા નિવેદનમાં શબાનીએ કહ્યું કે, 'મકાલા સેન્ટ્રલ જેલમાંથી ભાગવાનો પ્રયાસ કરતી વખતે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને ઘણું નુકસાન કર્યું છે.' જેલના એક અધિકારીએ કહ્યું કે એક પણ કેદી ભાગવામાં સફળ થયો નથી. જેલમાંથી જે લોકોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો તેમની હત્યા કરવામાં આવી હતી. સરકાર દ્વારા આ મામલે કડક તપાસ હાથ ધરાઈ છે.
અહેવાલો અનુસાર, ઘટના રવિવારે સ્થાનિક સમય અનુસાર સવારે 2 વાગ્યે બની હતી. જેલમાં બંધ એક કેદીએ નિવેદનમાં જણાવ્યું કે સવારે તેઓએ ભારે ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો અને સાથે-સાથે કેદીઓનો અવાજ પણ સાંભળી શક્યા હતા.
Le lundi 2 septembre 2024, une tentative d'évasion à la prison centrale de Makala a causé des pertes en vie humaines et d'importants dégâts matériels.
— Jacquemain SHABANI L (@shabani_lukoo) September 2, 2024
Sur instruction de la Haute Hiérarchie, j'ai convoqué une réunion de crise avec les responsables des services de défense et de… pic.twitter.com/p9k93u8hyJ
રિપોર્ટ અનુસાર, કોંગોની મુખ્ય જેલની ક્ષમતા જ માત્ર 1500 કેદીઓની છે અને તેમાં 12,000થી વધુ કેદીઓ ભરેલા છે. તેમાંથી મોટાભાગના કેદીઓના કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. કોંગો અને ખાસ કરીને આ મકાલા જેલમાંથી ભાગી જવાની ઘટનાઓ અગાઉ પણ નોંધાઈ ચૂકી છે.
ખનિજોના ભંડાર છતા વિશ્વનો ગરીબ દેશ
અત્રે નોંધનીય છે કે કોંગો વિશ્વના સૌથી ગરીબ દેશોમાં સામેલ છે. જોકે કોંગો પાસે ખનિજોનો મોટો જથ્થો છે. 30 જૂન 1960ના રોજ આઝાદ થયા બાદ પણ આજદિન સુધી કુદરતી ભંડાર છતા દેશ કોઈ ખાસ પ્રગતિ કરી શક્યો નથી. આઝાદી બાદથી વિવિધ પ્રકારના આંતરિક સંઘર્ષો સાથે જ કોંગોએ સંઘર્ષ કરવો પડી રહ્યો છે.