રેડ સીમાં સ્ફોટક સ્થિતિ, હૂથી સમર્થકોએ વધુ એક વેપારી જહાજ પર ક્રુઝ મિસાઈલથી હુમલો કર્યો
image : Twitter
તેલ અવીવ,તા.12 ડિસેમ્બર,મંગળવાર
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુધ્ધે રેડ સી એટલે કે લાલ સાગરમાં પણ સ્ફોટક સ્થિતિ સર્જી છે.
લાલ સાગરમાં યમન નજીક દરિયામાં એક ઈઝરાયેલી જહાજ પર હુમલો થયો છે. ઈઝરાયેલ વિરુધ્ધ પડેલા હૂથી બળવાખોરો દ્વારા યમનમાં પોતાના પ્રભુત્વવાળા વિસ્તારમાંથી આ જહાજને નિશાન બનાવીને એક ક્રુઝ મિસાઈલ લોન્ચ કરવામાં આવી હતી અને તેના કારણે આ માલવાહક જહાજ પર આગ લાગી હતી. જોકે તેમાં કોઈની જાનહાનિના સમાચાર મળ્યા નથી.
અમેરિકન સંરક્ષણ અધિકારીઓા કહેવા પ્રમાણે આ હુમલો થયો ત્યારે અમેરિકન નૌસેનાનુ યુધ્ધ જહાજ યુએસએસ મેસન રેડ સીમાં હાજર હતુ અને તેણે બચાવ કામગીરીમાં મદદ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, સાત ઓક્ટોબરથી ઈઝરાયેલ અને હમાસ વચ્ચે શરુ થયેલા જંગમાં ઈરાન સમર્થિત હૂથી બળવાખોરો ઈઝરાયેલને કોઈને કોઈ રીતે ટાર્ગેટ કરી રહ્યા છે.
હૂથીએ તો કહ્યુ છે કે, કોઈ પણ દેશનુ જહાજ ઈઝરાયેલ તરફ જતૂ હશે તો અમે તેમને ટાર્ગેટ બનાવીશું. વેપારી જહાજ પર હુમલો પેલેસ્ટાઈનના સમર્થનમાં કરવામાં આવ્યો છે અને જ્યાં સુધી ગાઝા પટ્ટી પર ઈઝરાયેલ હુમલા બંધ નહી કરે ત્યાં સુધી અમે જહાજોને ટાર્ગેટ બનાવતા રહીશું.
ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર મહિનામાં ત્રણ વેપારી જહાજો પર હુમલો થઈ ચુકયા છે. બીજી તરફ અમેરિકાએ અને બ્રિટને આ હુમલા માટે હૂથી સંગઠનનુ સમર્થન કરનાર ઈરાનને જવાબદાર ઠેરવ્યુ છે.