કોલંબિયા ૩૧૬ વર્ષ પહેલા ડૂબેલા જહાજમાં ૨૦ અબજ ડોલરનો ખજાનો શોધશે
કોલંબિયાની સરકાર ખજાનાની શોધ માટે એક ટીમ મોકલી રહી છે
સોના,ચાંદી સહિતની કિંમતી ધાતુઓ શોધવા ૪.૫ મિલિયન ડોલરનું બજેટ
ન્યૂયોર્ક,૨૭ ફેબુ્રઆરી,૨૦૨૪,મંગળવાર
કોલોનિયલ કાળમાં કેરેબિયાઇ સમુદ્રમાં ડુબેલા જહાજનો ખજાનો શોધવા મો કોલંબિયાની સરકારે તડામાર તૈયારીઓ શરુ કરી છે. ૩૧૬ વર્ષ પહેલા ઇસ ૧૭૦૮માં સ્પેનનું સેન જોસ નામનું એક જહાજ દરિયામાં ડૂબ્યું ત્યારે ૨૦ અબજ ડોલરની કિંમતનો ખજાનો હતો. જેમાં સોના,ચાંદી અને મોતીનો સમાવેશ થતો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર કોલંબિયાની સરકાર ખજાનો શોધવા પ્રયાસ કર રહી છે ત્યારે બોલિવિયા અને સ્પેન સરકાર પણ ખજાના પર દાવો કર્યો છે.
કોલંબિયાની સરકાર ખજાનાની શોધ માટે એક ટીમ મોકલી રહી છે ત્યારે જો સફળતા મળશે તો અત્યાર સુધીમાં દરિયામાંથી મળેલો સૌથી મોટી કિંમતનો ખજાનો હશે. સ્પેનના ઐતિહાસિક લખાણોમાં મળતા ઉલ્લેખ મુજબ દક્ષિણ અમેરિકામાં સ્પેનિશ કોલોનિયલમાંથી જહાજ ખજાનો લઇને જઇ રહયું હતું. જેમાં સોના સહિતની કિંમતી ધાતુઓથી ભરેલી અનેક પેટીઓ હતી. જહાજ સ્પેનના રાજા ફિલિપ પંચમના દરબારમાં જઇ રહયું હતું ત્યારે કાર્ટાજેના પાસેના બારુ દ્રીપમાં થયેલી લડાઇ દરમિયાન ડૂબી ગયું હતું.
કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે સ્પેનનું જહાજ બ્રિટિશ જહાજાના ખલાસીઓ સાથેની ટક્કર દરમિયાન પાણીમાં ગરકાવ થયું હતું. લડાઇમાં ૫૦૦થી વધુના મુત્યુ થયા હતા. દાયકાઓ પછી વર્ષ ૨૦૧૫માં ઓશનોગ્રાફિક ઇન્સ્ટિટયૂશને ડૂબેલા જહાજ અંગે પુરાવા આપ્યા હતા પરંતુ ખજાના અંગે કોઇ જ પ્રયાસ થયો ન હતો. કોલંબિયા સરકારે ખજાનો શોધવા માટે ૪.૫ મિલિયન ડોલરનું બજેટ ફાળવ્યું છે. કયાં સ્થળે અભિયાન શરુ કરવાની યોજના બની છે તે ગૂપ્ત રાખવામાં આવ્યું છે.ડૂબેલા જહાજની સપાટી પરથી ખજાનો શોધવા માટે રોબોટિક ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે.