'પંજાબને બદનામ કરવાનું કેન્દ્રનું ષડયંત્ર', અમેરિકા ડિપોર્ટેશન ફ્લાઈટના અમૃતસરમાં લેન્ડિંગ પર CM માન ગુસ્સે થયા
US Deportation: અમેરિકાથી ગેરકાયદે અપ્રવાસી ભારતીયોને સતત ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. એક વિમાન તો પહેલા જ આવી ગયું હતું ત્યારે હવે 15 ફેબ્રુઆરીએ બીજું વિમાન પંજાબના અમૃતસર પહોંચશે. જ્યારે હવે ત્રીજું વિમાન આગામી 16 ફેબ્રુઆરીએ પહોંચશે તેવી આશંકા છે. આ વિમાનોને અમૃતસરમાં ઉતારવાને લઈને પંજાબમાં નવો રાજકીય વિવાદ સર્જાયો છે. પહેલી ફ્લાઈટમાં 104 ભારતીયોને અમેરિકાથી ભારત લવાયા હતા. હવે 15 અને 16 ફેબ્રુઆરીએ બે વધુ ફ્લાઈટ્સ લેન્ડ થશે, જે મુદ્દે રાજનીતિ ગરમાઈ છે. વિપક્ષી નેતાઓએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો છે કે ડિપોર્ટ કરાયેલા ભારતીયોને લાવવા માટે માત્ર અમૃતસર જ શા માટે પસંદ કરાયું, જ્યારે અન્ય રાજ્યોમાં પણ તેને લેન્ડ કરી શકાતું હતું.
કેન્દ્ર સરકારના આ નિર્ણય પર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વાંધો દર્શાવ્યો છે. શુક્રવારે (14 ફેબ્રુઆરી) તેઓ અમૃતસર પહોંચ્યાં હતા અને આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ભગવંત માને કહ્યું કે, 'ઘણા લાંબા સમયથી તેઓ કહી રહ્યા છે કે કેન્દ્ર સરકાર પંજાબને બદનામ કરવામાં કોઈ કસર છોડી નથી રહી. કેન્દ્ર સરકાર ક્યારેક પંજાબનું ફંડ રોકી દે છે તો હવે અમેરિકાથી જે ભારતીય ડિપોર્ટ કરાઈ રહ્યા છે, તે વિમાન અમૃતસરમાં ઉતારવામાં આવી રહ્યું છે. પહેલું વિમાન પણ અમૃતસરમાં લેન્ડ થયું હતું.'
'કેન્દ્ર સરકાર માત્ર બદનામ કરવા માટે આવું કરી રહી છે'
મુખ્યમંત્રી માને કહ્યું કે, 'કેન્દ્ર સરકાર એવું શા માટે કરી રહી છે, તેના માટે અમૃતસર જ શા માટે પસંદ કરાયું? કેન્દ્ર સરકાર માત્ર બદનામ કરવા માટે આવું કરી રહી છે. આ નેશનલ પ્રોબ્લેમ છે. એક તરફ વડાપ્રધાન મોદી ટ્રમ્પ સાથે મુલાકાત કરી રહ્યા છે, બીજી તરફ, ત્યાંથી દેશનિકાલ કરાયેલા લોકોને સાંકળો બાંધીને ભારત મોકલવામાં આવી રહ્યા છે.'
આ પણ વાંચો: અમેરિકાથી ગેરકાયદે ભારતીયો સાથે બીજું વિમાન આવતીકાલે ભારતમાં લેન્ડ થવાની શક્યતા
'આ વિમાનોને અંબાલામાં શા માટે નથી ઉતારવામાં આવી રહ્યા?'
મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, 'આ વિમાનને અંબાલામાં શા માટે નથી ઉતારવામાં આવી રહ્યા, આ માત્ર પંજાબ અને પંજાબીઓને બદનામ કરવાનું ષડયંત્ર છે. જ્યારે કોઈ ફ્લાઈટ શરૂ કરવાનું કહેવામાં આવે છે તો મોદી સરકારને અમારી યાદ નથી આવતી અને હવે અમેરિકાથી આવનારા વિમાનોને અમૃતસરમાં ઉતારવામાં આવી રહ્યા છે.'