દુનિયાના કરોડો લોકોના ભોજનમાં સામેલ કેળા પર ક્લાઈમેટ ચેન્જનો ખતરો, નિષ્ણાતોની ચેતવણી
Image Source: Freepik
રોમ, તા. 12 માર્ચ 2024
દુનિયાભરના કરોડો લોકોના ડાયેટમાં સામેલ કેળા પર ક્લાઈમેટ ચેન્જ અને ઝડપથી ફેલાઈ રહેલી બીમારીનો ખતરો મંડરાઈ રહ્યો છે. જાણકારો ચેતવણી આપી રહ્યા છે કે, કેળાના પાકને આગામી વર્ષોમાં ભારે નુકસાન થઈ શકે છે.
કેળા એવુ ફળ છે જેની દુનિયાના મોટાભાગના દેશોમાં ખેતી થાય છે અને કરોડો લોકો માટે તે પોષણયુક્ત આહારની ગરજ સારે છે.
ઈટાલીના રોમમાં તાજેતરમાં વર્લ્ડ બનાના ફોરમની બેઠક મળી હતી અને તેમાં ઈકોનોમિસ્ટર પાસ્કલ લિયુએ કહ્યુ હતુ કે, ક્લાઈમેટ ચેન્જ કેળા માટે એક મોટુ જોખમ બની રહ્યુ છે. દુનિયામાં સૌથી વધારે નિકાસ કેળાની થતી હોય છે પણ ક્લાઈમેટ ચેન્જના કારણે આગામી વર્ષોમાં તેના ભાવ આસમાને પહોંચી શકે છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર કેળા હવામાનમાં થતા ફેરફારોને ખમી શકે છે અને જલ્દી બગડતા નથી પણ ગ્લોબલ વોર્મિગનો પ્રભાવ હવે તેના પર જોવા મળી રહ્યુ છે. વધારે પડતુ તાપમાન કેળાને માફક નથી આવતુ અને તેના કારણે સૌથી ખતરનાક ફ્યુસેરિયમ વિલ્ટ ટીઆરની બીમારી તેનો ખાતમો બોલાવી શકે છે.
આ બીમારી હવે ઓસ્ટ્રેલિયા, એશિયા અને આફ્રિકા સુધી ફેલાઈ ચુકી છે અને દક્ષિણ અમેરિકામાં પણ તેનો પગપેસારો થઈ ચુકયો છે. કેળાના ખેતરમાં એક વખત આ બીમારી પ્રસરે એ પછી તે એક પછી એક વૃક્ષોને ખતમ કરે છે. આ બીમારીનો ખાતમો બોલાવવો પણ મુશ્કેલ છે.
પાસ્કલ લિયુએ આગળ કહ્યુ હતુ કે, ફ્યુસેરિયમ વિલ્ટ ટીઆરના જીવાણુઓની પ્રતિકારક ક્ષમતા પણ વધારે છે. તે જોરથી ફૂંકાતા પવનોની સાથે પણ ફેલાઈ શકે છે. આમ તેનો ફેલાવો ઝડપથી થઈ શકે છે. આ બીમારી ઉપરાંત ખાતરની વધતી કિંમતો, ટ્રાન્સપોર્ટેશનની સમસ્યા પણ કેળાના ઉત્પાદકો માટે મુશ્કેલી ઉભી કરી રહી છે.
જો કેળાના ઉત્પાદનમાં વધારો નહીં થયો તો આવનારા વર્ષોમાં કેળાના ભાવમાં ભારે વધારો થઈ શકે છે અને દુનિયા એક મોટી મુશ્કેલીનો સામનો કરશે.