ઓફિસમાં વધેલી સેન્ડવીચ ખાવા બાબતે કર્મચારીની કંપનીમાંથી હકાલપટ્ટી
નવી દિલ્હી,તા. 22 ફેબ્રુઆરી 2024, ગુરુવાર
દુનિયાની મોટી-મોટી કંપનીઓમાં હાલ કોસ્ટ કટિંગ અને મોંઘવારીના નામે અનેક કર્મચારીઓને છંટણી કરીને નીકાળી દેવાનો સમય ચાલી રહ્યો છે. જોકે વિદેશની એક મોટી કંપનીએ પોતાના કર્મચારીને એટલા માટે જોબમાંથી છુટ્ટો કર્યો કે તેણે બચેલુ સેન્ડવીચ ખઈ લીધું હતુ.
શું છે સમગ્ર ઘટના ?
યુનાઇટેડ કિંગડમમાં એટલેકે બ્રિટનમાં એક મહિલા ક્લિનરને લંડનની ટોચની લૉ ફર્મની મીટિંગ રૂમમાં બચેલી ટુના સેન્ડવિચ(Tuna Sandwich) ખાવા બદલ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી. એક અહેવાલ મુજબ, ઇક્વાડોર(Ecuador)ની મહિલા ગેબ્રિએલા રોડ્રિગ્ઝે (Gabriela Rodriguez)બે વર્ષ સુધી ડેવોનશાયર સોલિસિટર માટે કામ કર્યું હતુ અને હવે તે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરી રહી છે.
આ ઘટના અંગે યુનાઈટેડ વોઈસ ઓફ વર્લ્ડ યુનિયને જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટર ટોટલ ક્લીનને બચેલા સેન્ડવીચ પરત ન મળવાની ફરિયાદો મળી જે બાદ ગયા વર્ષે ક્રિસમસના દિવસો પહેલા મહિલાને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી.
'134 રૂપિયાની સેન્ડવિચ ખાધી'
યુનાઇટેડ વોઇસ ઓફ વર્લ્ડ યુનિયન એ સ્થળાંતરિત કામદારોના અધિકારોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા છે. તેણે પુષ્ટિ કરી કે, રોડ્રિગ્ઝે 1.50 યુરો (લગભગ 134 રૂપિયા)ની કિંમતની સેન્ડવિચ ખાધી છે. રોડ્રિગ્ઝે વિચાર્યું કે વકીલોની મીટિંગ પછી સેન્ડવિચ ફેંકી દેવામાં આવશે.
યુનિયનનો દાવો છે કે રોડ્રિગ્ઝને હટાવવાનો આદેશ ભેદભાવપૂર્ણ પગલું હતું. તેણીએ દાવો કર્યો કે જો હું મર્યાદિત અંગ્રેજીવાળી લેટિન અમેરિકન ન હોત, તો કંપનીએ તેના વિરૂદ્ધ ફરિયાદ ન કરી હોત.
રોડ્રિગ્ઝનો બચાવ :
રોડ્રિગ્ઝે કહ્યું કે, સ્ટાફના સભ્યો માટે લંચમાંથી બચેલું ખાવું તે "સામાન્ય"બાબત હતી. વકીલોની મીટિંગ પછી કેન્ટીનમાં થોડી સેન્ડવિચ બચી જાય છે. મેં સેન્ડવીચ લીધી અને ફ્રીજમાં રાખી હતી કારણ કે,મારી શિફ્ટ લગભગ ખતમ થવા આવી હતી.
રોડ્રિગ્ઝે જણાવ્યું કે, એક અઠવાડિયા પછી 'મારી શિફ્ટ પૂરી થવાના 15 મિનિટ પહેલાં મને બોલાવવામાં આવી. ત્યારબાદ આગળની તપાસ સુધી મારી સેલરી હોલ્ડ પર રાખવામાં આવી હતી.