અમેરિકામાં 18 હજાર નહીં સાત લાખ ગેરકાયદે ભારતીયો હોવાનો દાવો! ટ્રમ્પના આદેશ બાદ ખતરો વધ્યો
US Mass Deportation: અમેરિકાની સેનાનું C-17 ગ્લોબમાસ્ટર વિમાન બુધવારે (5 ફેબ્રુઆરી) ભારતીય નાગરિકોને લઈને ભારત પહોંચ્યું હતું. અમૃતસર શહેરમાં ઉતરનારી આ ફ્લાઇટમાં 104 ભારતીય નાગરિક સવાર હતાં, જેના પર અમેરિકામાં ગેરકાયદે ઘુસણખોરીનો આરોપ છે. ગેરકાયદે પ્રવાસીઓને બહાર મોકલવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે બહુચર્ચિત માસ ડિપોર્ટેશન અભિયાન હેઠળ ભારત આવનારી આ પહેલી દેશનિકાલ ફ્લાઇટ હતી. ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે પ્રવાસીને દેશની બહાર મોકલવા માટે અમેરિકન સેનાની મદદ લીધી છે.
નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત પહેલાં દેશનિકાલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે સંભવિત વૉશિંગ્ટનની યાત્રા કરવાના છે. જોકે, અમેરિકાએ આ પહેલાં જ ગેરકાયદે ભારતીય અપ્રવાસીઓને પરત મોકલી દીધા છે. વડાપ્રધાન અમેરિકાની મુલાકાત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. જોકે, ગત અઠવાડિયે બંને નેતાઓએ ફોન પર વાત કરી હતી અને એકબીજાના વખાણ કર્યા હતાં. જણાવવામાં આવી રહ્યું છે કે, બંનેની વાતચીત દરમિયાન ઇમિગ્રેશન પર ચર્ચા થઈ હતી. મીડિયા અહેવાલ અનુસાર, અમેરિકાએ 18 હજાર ગેરકાયદે ભારતીય અપ્રવાસીઓની ઓળખ કરી છે, જેને પરત મોકલવામાં આવશે. જોકે, અમુક રિસર્ચ એવું જણાવે છે કે, આ સંખ્યા લાખોમાં છે.
અમેરિકામાં કેટલાં ગેરકાયદે ભારતીય અપ્રવાસી
બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયન પ્યૂ રિસર્ચ સેન્ટરના આંકડા અનુસાર, અમેરિકામાં લગભગ 7,25,000 ભારતીય અપ્રવાસી છે, જે રેકોર્ડમાં નોંધાયેલા નથી. આ પ્રકારે ભારતીય સમુદાય મેક્સિકો અને સાલ્વાડોર બાદ અમેરિકામાં ત્રીજું સૌથી મોટું ગેરકાયદે અપ્રવાસીનું સમૂહ છે. જોકે, આ આંકડાની સત્તાવાર પુષ્ટિ કરવામાં નથી આવી.
ગત વર્ષે પણ મોકલવામાં આવ્યા હતાં ભારતીય
ધ ગાર્ડિયનના અહેવાલ અનુસાર, ગત વર્ષે પણ 1 હજારથી વધારે ભારતીયોને કોમર્શિયલ ફ્લાઇટ્સ દ્વારા પાછા મોકલવામાં આવ્યા હતાં. પરંતુ, આટલાં મોંઘા સૈન્ય વિમાનનો ઉપયોગ પહેલીવાર થયો છે. એક અંદાજ અનુસાર, ચાર્ટર્ડ કોમર્શિયલ ફ્લાઇટની બદલે સૈન્ય વિમાનથી ઉપયોગ કરવાથી પ્રતિ વ્યક્તિ દેશનિકાલનો ખર્ચ પાંચ ગણો વધી શકે છે.
આ પણ વાંચોઃ ટ્રમ્પના એક ઈરાદાથી 20 લાખ લોકોનું ભાવિ જોખમમાં? અમેરિકાના સમર્થકો પણ નિર્ણયના વિરોધમાં
મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, અમેરિકામાં લગભગ 18 હજાર ભારતીય નાગરિક છે, જેનો દેશનિકાલ કરવામાં આવશે. પરંતુ, ઉપર જણાવવામાં આવેલાં આંકડા બાદ આ જોખમ વધી ગયું છે. ટ્રમ્પે કાર્યભાર સંભાળ્યો તેનો હજુ એક મહિનો પણ નથી થયો. એવામાં આશંકા છે કે, અમેરિકન પ્રશાસન ગેરકાયદે પ્રવાસીઓની ધરપકડ કરવાનું અભિયાન તેજ કરશે. જો આવું થાય છે તો વધારે સંખ્યામાં ભારતીયોને માથે પકડાઈ જવા અને દેશનિકાલનું જોખમ રહેશે.