મોસ્કોના આતંકી હુમલા બાદ તાજિકિસ્તાનના હજારો નાગરિકો રશિયા છોડી રહ્યા છે, આવુ છે કારણ

Updated: Mar 31st, 2024


Google NewsGoogle News
મોસ્કોના આતંકી હુમલા બાદ તાજિકિસ્તાનના હજારો નાગરિકો રશિયા છોડી રહ્યા છે, આવુ છે કારણ 1 - image


Image Source: Twitter

રશિયાના મોસ્કોમાં તાજેતરમાં કોન્સર્ટ હોલ પર થયેલા આતંકી હુમલા બાદ રશિયામાં રહેતા તાજિકિસ્તાનના લોકો દેશ છોડી રહ્યા છે.

તાજિકિસ્તાનના લોકોમાં ડરનો માહોલ છે.કારણકે મોસ્કોમાં આતંકી હુમલા બાદ પકડાયેલા ચાર લોકો તાજિકિસ્તાનના જ નાગરિકો છે અને તેના કારણે રશિયામાં રહેતા તાજિકિસ્તાનના લોકોને લાગે છે કે આ કૃત્ય બદલ અમે પણ ટાર્ગેટ બની શકીએ છે. રશિયામાંથી જનારા તાજિકિસ્તાનના લોકોની સંખ્યા હજારોમાં થવા જાય છે.

તાજિકિસ્તાનના ઈમિગ્રેશન મંત્રાલયના કહેવા પ્રમાણે 22 માર્ચે મોસ્કોમાં થયેલા કોન્સર્ટ હોલ પરના આતંકી હુમલા બાદ અમને રશિયામાં રહેતા હજારો લોકો કોલ કરી રહ્યા છે. તેમના પર કોઈ અત્યાચારની તો ફરિયાદ નથી મળી પણ તાજિકિસ્તાનના નાગરિકોમાં ડર અને ગભરાટ છે અને તેઓ રશિયા છોડીને વતન વાપસી કરી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે મોટી સંખ્યામાં તાજિકિસ્તાનના નાગરિકો જો ઘરે પાછા જશે તો રશિયામાં શ્રમિકોની અછત સર્જાઈ શકે છે. ખાસ કરીને કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં મોટા પાયે તાજિકિસ્તાનના લોકો કામ કરતા હોય છે. એમ પણ 2022ની તુલનામાં રશિયાનુ બાંધકામ સેકટર નાણાકીય નુકસાનનો સામનો કરી રહ્યુ છે. તાજિકિસ્તાનના નાગરિકો દેશ છોડીને જશે તો આ નુકસાન વધશે.

બીજી તરફ તાજિકિસ્તાન પણ વિદેશી હુંડિયામણ માટે રશિયામાં કામ કરતા પોતાના નાગરિકો પર ખાસો આધાર રાખે છે. આ નાગરિકો રશિયામાં કામ કરીને પોતાના દેશમાં પૈસા મોકલતા હોય છે. હવે તેમની હિજરત શરુ થઈ છે એટલે તાજિકિસ્તાનના રાષ્ટ્રપતિએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરીને ભારપૂર્વક કહ્યુ છે કે, અમારો દેશ આતંકવાદી હુમલાની તપાસમાં તમામ પ્રકારનો સહયોગ આપશે.

ઉલ્લેખનીય છે કે આતંકવાદી હુમલા બાદ પકડાયેલા તાજિકિસ્તાનના ચાર નાગરિકોએ કબૂલાત કરી હતી કે, ઈસ્લામિક સ્ટેટ સાથે સંપર્કમાં આવ્યા બાદ પૈસાની લાલચમાં અમે આ હુમલો કર્યો હતો.


Google NewsGoogle News