ભારતીય મૂળના નાગરિકો હવે કેનેડાના લશ્કરમાં જોડાઈ શકશે, નિયમો બદલાયા
- કેનેડાના લશ્કરમાં સૈનિકોની અછત સર્જાતા સરકારનો નિર્ણય
- પીઆર મેળવીને કેનેડામાં ઓછામાં ઓછાં 10 વર્ષ રહેનારા વિદેશી નાગરિકો સૈન્યમાં સામેલ થવા યોગ્ય ગણાશે
ટોરન્ટો : કેનેડાના લશ્કરમાં હવે ભારતીય મૂળના નાગરિકો પણ ભરતી થઈ શકશે. કેનેડાની સરકારે સૈન્યની ભરતી પ્રક્રિયામાં પરિવર્તન કર્યું હોવાથી વિદેશી નાગરિકોને સૈન્યમાં જોડાવાનો માર્ગ મોકળો થયો છે. કેનેડાના પીઆર મેળવ્યા પછી ઓછામાં ઓછાં ૧૦ વર્ષ સુધી દેશમાં રહેનારા વિદેશી નાગરિકો સૈન્ય માટે યોગ્ય ગણાશે.
કેનેડાના લશ્કરમાં સૈનિકોની ભારે અછત સર્જાઈ છે. સૈન્યમાં સૈનિકોથી લઈને ઉચ્ચ અધિકારીઓના પદો ખાલી પડયા છે ને યોગ્ય ઉમેદવારો મળતા ન હોવાથી વર્ષોવર્ષ જગ્યા ખાલી પડી રહે છે. પાંચેક વર્ષ પહેલાં જ કેનેડાના લશ્કરમાં વિદેશી મૂળના નાગરિકોને સામેલ કરવાનો પ્રસ્તાવ રજૂ થયો હતો. એ વખતે જ રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે ભરતીના નિયમોમાં ફેરફાર કર્યો હતો, પરંતુ એ ફેરફારો લાગુ થયા ન હતા.
સૈનિકોની અછતને પહોંચી વળવા માટે હવે કેનેડાની સરકારે વિદેશી મૂળના નાગરિકોને લશ્કરમાં ભરતી કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. એ પ્રમાણે કેનેડામાં પરમેનન્ટ રેસિડન્ટ મેળવ્યાના ૧૦ વર્ષ પછી જે તે વિદેશી મૂળની વ્યક્તિ સૈન્યમાં જોડાવા માટે યોગ્ય ગણાશે. આ ફેરફારનો સૌથી વધુ લાભ ભારતીય મૂળના નાગરિકોને થશે. ભારતના અસંખ્ય લોકો માટે કેનેડાના સૈન્યમાં ભરતી થવાની તક રહેશે. કેનેડાની સરકારી નોકરી મેળવવાનો મોકો સર્જાશે.
અત્યાર સુધી કેનેડામાં જન્મેલા યુવાનોને જ સૈન્યમાં ભરતીની તક મળતી હતી. ૧૨ ધોરણ સુધીનું શિક્ષણ મેળવીને ૧૮ વર્ષથી યુવાનો સૈન્યમાં ભરતી થઈ શકતા હતા.
માતા-પિતાની પરવાનગી હોય તો ૧૬ વર્ષે પણ લશ્કરમાં ભરતી થઈ શકાતું હતું, પરંતુ વિદેશી મૂળના નાગરિકોની સૈન્યમાં ભરતી થતી ન હતી. કેનેડાના સૈન્યમાં હજારો જગ્યા ખાલી છે. એમાંથી અડધી જગ્યા ભરવા માટે ય જો પ્રક્રિયા હાથ ધરવામાં આવે તો દર મહિને ૫૯૦૦ લોકોની ભરતી થાય તેમ છે.