ભારત-ફિલિપાઈન્સ નેવીની સૈન્ય કવાયતથી ચીનના પેટમાં તેલ રેડાયું, ભારતને આપી વણમાગી સલાહ
ચીને કહ્યું વિવિધ દેશો વચ્ચેના સંરક્ષણ સહયોગને લીધે ત્રીજા દેશોના હિત અને ક્ષેત્રીય શાંતિને નુકસાન ન થવું જોઈએ
ફ્રાન્સ સાથે પણ ફિલિપાઈન્સ હવાઈ અભ્યાસ કરશે, જેને લઈને ચીને નિશાન તાક્યું
China India news | વિવાદિત દક્ષિણ ચીન સાગરમાં ભારત અને ફિલિપાઈન્સની નેવીના સૈન્ય અભ્યાસથી ચીનના પેટમાં તેલ રેડાયું હતું. આ અંગે નારાજ ચીને એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે વિવિધ દેશો વચ્ચેના સંરક્ષણ સહયોગને લીધે ત્રીજા દેશોના હિત અને ક્ષેત્રીય શાંતિને નુકસાન ન થવું જોઈએ.
ચીની સેનાનું નિવેદન
ચીને ભારતીય નૌકાદળના જહાજો અને ફિલિપાઈન્સના નૌકાદળના જહાજો વચ્ચેની નેવીના સૈન્ય અભ્યાસ અને ફ્રાન્સની નેવી સાથે ફિલિપાઈન્સના પ્રસ્તાવિત હવાઈ અભ્યાસ પર સવાલો ઉઠાવ્યા છે. ચીનના સત્તાવાર મીડિયાના એક પ્રશ્નના જવાબમાં ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા વરિષ્ઠ કર્નલ વુ કીયાને કહ્યું કે ચીને આ મામલે ગંભીરતા દાખવી છે. ચીને હંમેશા એ વાત પર ભાર મૂક્યો છે કે સંબંધિત દેશો વચ્ચે સંરક્ષણ અને સુરક્ષા સહયોગ થર્ડ પાર્ટીના હિતોને નુકસાન ન પહોંચાડે અથવા પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાને નુકસાન ન પહોંચાડે.
ચીન અને ફિલિપાઈન્સ વચ્ચે સારા સંબંધો નથી!
ખરેખર ફિલિપાઇન્સ અને અન્ય દેશો વચ્ચેના સૈન્ય સહયોગને લઈને ચીન અનેકવાર અકળાઈ જાય છે. ફિલિપાઈન્સ અને ચીનની નેવી વિવાદિત દક્ષિણ ચીન સાગરના ભાગો પર પોતપોતાના દાવા કરે છે અને બંને દેશોની નેવી ઘણી વખત સામ-સામે થઇ ચૂકી છે. તાજેતરમાં ફિલિપાઇન્સ અને ચીનની નેવીના જહાજો વચ્ચે બેઇજિંગ દ્વારા વિવાદિત દક્ષિણ ચીન સમુદ્રના ભાગો પર નિયંત્રણનો દાવો કર્યા પછી અથડામણ થઈ હતી. બીજી બાજુ મનીલા પણ આ વિવાદિત દરિયાઈ વિસ્તાર પર દાવો કરે છે.