Get The App

ચીની હેકર્સે યુએસની નવમી ટેલિકોમ કંપનીને શિકાર બનાવીઃ વ્હાઇટ હાઉસની કબૂલાત

Updated: Dec 29th, 2024


Google NewsGoogle News
ચીની હેકર્સે યુએસની નવમી ટેલિકોમ કંપનીને શિકાર બનાવીઃ વ્હાઇટ હાઉસની કબૂલાત 1 - image


- ચીની હેકર્સે ટેલિકોમ નેટવર્કના મેટાડેટાને તફડાવ્યો 

- ચીની હેકર્સના સોલ્ટ ટાઇફૂન ઓપરેશનમાં વોશિંગ્ટન અને વર્જિનિયાના ફોનધારકો ભોગ બન્યા હોવાની શંકા 

વોશિંગ્ટન : યુએસની એફબીઆઇ અને અન્ય ફેડરલ એજન્સીઓના ટોચના જાસૂસી અધિકારીઓના જણાવ્યા અનુસાર ચીનના હેકર્સે અમરિકન્સના ખાનગી ટેક્સ્ટ મેસેજીસ અને ફોન પર થયેલી વાતચીતોને લક્ષ્ય બનાવી સાયબર હુમલો કર્યો હોઇ તેની સામે રક્ષણ મેળવવા અમેરિકન ટેલિકોમ કંપનીઓને નેટવર્ક સુરક્ષા વધારવાની તાકીદ કરવામાં આવી એ પછી પણ ચીની હેકર્સે યુએસની નવમી ટેલિકોમ કંપનીને પોતાનો શિકાર બનાવી હોવાની વ્હાઇટ હાઉસ દ્વારા કબૂલાત કરવામાં આવી હતી. 

વ્હાઇટ હાઉસના અધિકારીએ જણાવ્યું હતું કે સોલ્ટ ટાઇફૂન નામના ઓપરેશનમાં આ મહિને યુએસની નવ ટેલિકોમ કંપનીઓ તથા અન્ય ડઝનેક દેશોને તેમની હેકિંગના લક્ષ્ય બનાવ્યા છે. જો કે, ચીને આ હેકિંગમાં તેની કોઇ જવાબદારી હોવાનું નકારી કાઢ્યું હતું.   

ઓક્ટોબરમાં ચીની હેકર્સે પ્રમુખપદના ઉમેદવાર ટ્રમ્પ અને ઉપ પ્રમુખપદના ઉમેદવાર વાન્સના ફોનને પણ લક્ષ્ય બનાવ્યા હતા. ચીની હેકર્સની પહોંચ કેટલી છે તે એ બાબત પરથી જાણી શકાય છે કે આ ચેતવણી પાંચ દેશોની સુરક્ષા એજન્સીઓ દ્વારા સંયુક્ત રીતે જારી કરાઇ હતી. ફાઇવ આઇ ઇન્ટેલિજન્સ એલાયન્સ તરીકે ઓળખાતાં સંગઠનના સભ્ય દેશોમાં ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુએસ અને બ્રિટનનો સમાવેશ થાય છે. 

સાયબર સિક્યુરિટી નિષ્ણાતો દ્વારા સોલ્ટ ટાઇફૂન તરીકે ઓળખાવાતાં આ હેકિંગ ઓપરેશનની શરૂઆત આ વર્ષની શરૂઆતમાં થઇ હતી. જેમાં હેકર્સે વિવિધ ટેલિકોમ કંપનીઓના નેટવર્કમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. હેકર્સે મોટી સંખ્યામાં આ ટેલિકોમ કંપનીઓના ગ્રાહકોના મેટાડેટા તફડાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ગ્રાહકોએ કરેલી વાતચીતના તારીખ અને સમય તથા કોલ અને મેસેજની વિગતોનો સમાવેશ થાય છે. હેકિંગનો ભોગ બનેલાં મોટાભાગના ફોનધારકો વોશિંગ્ટન-વર્જિનિયા વિસ્તારના હોવાનું મનાય છે. 

હેકર્સ તેમનો ભોગ બનેલાં ગ્રાહકોના કોલની ઓડિયો ફાઇલ્સ અને સંદેશાઓ તફડાવવામાં સફળ થયા છે. એફબીઆઇ દ્વારા આ ગ્રાહકોનો સંપર્ક કરી વાતની ચોકસાઇ કરાઇ હતી પણ આ ગ્રાહકોને જાણ કરવાનું ટેલિકોમ કંપનીઓ પર છોડવામાં આવ્યું છે.

શુક્રવારે ડેપ્યુટી નેશનલ સુરક્ષા સલાહકાર એન નેઉબર્જરે જણાવ્યું હતું કે આ વિરાટ હેકિંગ ઓપરેશનથી રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીઓ ચોંકી ગયા છે. ચીનના અત્યાધુનિક હકિંગ સામે ખાનગી ક્ષેત્રની સાયબરસુરક્ષા ઉઘાડી પડી ગઇ છે. અધિકારીઓ માને છે કે આ હેકિંગનો હેતુ ફોનના માલિકને ઓળખી જો તેઓ સરકારી લક્ષ્ય હોય તો તેમના સંદેશા અને ફોનકોલ્સ પર જાસૂસી કરવાનો છે. એફબીઆઇએ જણાવ્યું હતું કે હેકિંગનો ભોગ બનેલા મોટાભાગના લોકો સરકારી અથવા રાજકીય પ્રવૃત્તિઓ કરવામાં સામેલ છે. 

નેઉબર્જરે જણાવ્યું હતું કે આગામી અઠવાડિયાઓમાં સરકાર આ હેકિંગનો જવાબ આપવા વધારાના પગલાં ભરશે. આવતાં મહિને યોજાનારી ફેડરલ કોમ્યુનિકેશન કમિશનની બેઠકમા સંદેશા વ્યવહાર કંપનીઓ દ્વારા કેવી  સાયબર સુરક્ષા થવી જોઇએ  તે વિશે ચર્ચા કરવામાં આવશે.નેઉબર્જરે જણાવ્યું હતું કે આપણાં મહત્વના ઇન્ફ્રાસ્ટ્રકચર્સ નું  ચીન, રશિયા અને ઇરાનના હેકિંગ સામે પોતાનું રક્ષણ કરવા વર્તમાન સ્વૈચ્છિક સાયબર સુરક્ષા અપૂરતી છે.  


Google NewsGoogle News