ચાઈનીઝ હેકર્સ ટ્રમ્પ, વાન્સ, હેરિસ વગેરેના ચૂંટણી પ્રચારની માહિતી મેળવી રહ્યા છે
- અભેદ્ય મનાતી વેરીઝોન સીસ્ટીમ પણ ચાઈનીઝ હેકર્સે ભેદી છે, અમે તેવું કરતા નથી તે ચૂંટણી યુ.એસ.ની આંતરિક બાબત છે : ચીની દૂતાવાસ
વૉશિંગ્ટન : અભેદ્ય ગણાતી વેરિઝોન સીસ્ટીમ પણ ચાઈનીઝ હેકર્સે ભેદી નાખી છે અને કમલા હેરિસ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેઓનાં રનિંગ મેઇટ જે.ડી.વાન્સના ફોન કોલ્સ ચીન ટેપ કરી રહ્યું છે તેમ મીડીયા રીપોર્ટસ જણાવે છે.
વિશ્વ પ્રસિધ્ધ અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સ જણાવે છે કે ટ્રમ્પના પ્રચારકોને આ સપ્તાહે જ જાણવા મળ્યું છે કે અભેદ્ય ગણાતી વેરિઝોન્સ-સીસ્ટીમ પણ ચાઈનીઝ હેકર્સે હેક કરી, ટ્રમ્પ અને તેમના રિંગ મેઇટ વચ્ચેની વાતચીત જાણી લીધી છે. તેટલું જ નહીં પરંતુ ઉપપ્રમુખ અને આ વખતનાં પ્રમુખ પદનાં ઉમેદવાર કમલા હેરીસ સહિત ઘણાના ફોન કોલ્સ હેક થઇ રહ્યા છે.
તેવામાં ટ્રમ્પના કોમ્યુનિકેશન ડીરેકટર સ્ટીવન ચેઉન્ગના જણાવે છે કે વાસ્તવમાં હેરિસે જ ચીન અને ઇરાનને યુ.એસ. ઇન્ફ્રા સ્ટ્રકચર્સ ઉપર હુમલો કરી (ફોન કોલ્સ વગેરે હેક કરી) ટ્રમ્પને ફરી ચૂંટાતા રોકવા વ્યવસ્થા કરી છે. જો કે આવા આક્ષેપોને કોઈ પુષ્ટિ મળતી નથી. કેટલાક વિચારકો તેને બુદ્ધિહીન કહી નિરર્થક કહી રહ્યા છે.
બીજી તરફ અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણીના બંને ઉમેદવારો તેમના રનિંગ મેઇલ્સ અને અગ્રીમ સમર્થકોના ફોન કોલ્સ ચાયના હેક કરી રહ્યું છે. તેને પુષ્ટિ મળે છે.
આ અંગે ચીની દૂતાવાસનો જ પત્રકારોએ સંપર્ક સાધતાં દૂતાવાસના પ્રવક્તાએ કહ્યું હતું કે અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણી તે અમેરિકાની આંતરિક બાબત છે. તેમાં હસ્તક્ષેપ કરવાનો ચીનનો કોઈ ઇરાદો નથી, હોઈ શકે જ નહીં.
આમ છતાં વિશ્લેષકો કહે છે કે અમેરિકાનાં પ્રમુખ પદે કોણ આવશે તેની ઉપર દુનિયા આખીની નજર મંડાઈ રહી છે ત્યારે અમેરિકાનાં કટ્ટર પ્રતિસ્પર્ધી જ નહીં, વિરોધી તેવાં ચીનને તો આ ચૂંટણીમાં ઊંડો રસ હોય જ તે સહજ છે. તેથી તે હેરિસ ટ્રમ્પ કે તેમના નિકટતમ સાથીઓના ફોન કોલ્સ તે હેક કરાવે તે સહજ છે. ચીની દૂતાવાસ તેનો ઇનકાર કરે તે માની જ શકાય તેમ છે.