Get The App

નોકરીની લાલચે તમે ના ફસાતાઃ ભારતીયોને શિકાર કરવા ચીની ગેંગ પણ સક્રિય, વિદેશ મોહ રાખનારા માટે ચેતવણીરૂપ કિસ્સો

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
Cybercrime


Chinese Gangs running Cybercrime: ચીની માલ જેટલો તકલાદી હોય છે એવી જ તકલાદી એની પોલિસી પણ હોય છે, પછી ભલેને ક્ષેત્ર ગમે તે હોય. તાજેતરમાં ચીની ગેંગ દ્વારા ચલાવાતા બનાવટી કેસિનોની પોલંપોલ બહાર આવી છે. કેસિનોમાં કામ આપવાનું ગાજર દેખાડીને ચીનના લોકો કર્મચારીઓ પાસે ગેરકાનૂની કામ કરાવી રહ્યા છે. આ પ્રકારના કાવાદાવા કરીને ચીનની ગેંગ અનેક ભારતીયોને ફસાવી રહ્યાના અહેવાલો છે. ચાલો સમજીએ તેઓ કેવી રીતે ભારતીયોને શિકાર બનાવે છે. 

શું છે ચીની ગેંગની બદમાશી?

નોકરીને નામે થતો આ કાંડ ચીનની નહીં બલકે કંબોડિયાની ધરતી પર ફૂલીફાલી રહ્યું છે. કંબોડિયામાં કાયદેસર છે એવા કેસિનો જેવા ધંધાને નામે ચીની ગુંડાઓ સાયબર ક્રાઈમના હબ ચલાવી રહ્યા છે અને એને ઓપરેટ કરવા એમણે ભારત સહિત દુનિયાભરના ગરજાઉ કર્મચારીઓને ગુલામની જેમ કેદ કરી રાખ્યા છે. સારી નોકરી મળશે એની આશામાં ત્યાં ગયેલો ભારતનો એક નાગરિક બહુ ખરાબ રીતે ચીની ગેંગની જાળમાં ફસાઈ ગયો હતો. યેનકેન પ્રકારે રૂપિયા ખવડાવીને એણે પોતાની આઝાદી ‘ખરીદી’ અને પછી ભારત આવી ગયો. 

કોણ છે એ ભારતીય? 

વાત છે તેલંગાણાના રહેવાસી પ્રવીણ માર્થાની. પ્રવીણ સારી નોકરીની શોધમાં હતો. એ 'અઝરબૈજાન શ્રી ઓવરસીઝ' નામના વોટ્સએપ ગ્રૂપનો સભ્ય હતો. એક દિવસ ગ્રૂપના સંચાલકો 'થાનુગુલા વામશી ક્રિષ્ના' અને 'ટોટા મહેશ' દ્વારા પ્રવીણને અઝરબૈજાનમાં નોકરીની ઓફર કરવામાં આવી. પ્રવીણ તૈયાર થઈ ગયો. નોકરી મેળવવા માટે એણે પહેલાં 1 લાખ રૂપિયા આપવા પડશે એમ કહેવાતા પ્રવીણે એટલા રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરી પણ દીધા.

શું બન્યું હતું પ્રવીણ સાથે?

એ પછી મહિનાઓ સુધી પ્રવીણને લટકાવી રાખવામાં આવ્યો. ન નોકરી આપી, ન જમા કરેલા રૂપિયા. એણે વારંવાર નોકરી વિશે પૂછપૂછ કર્યે રાખ્યું ત્યારે એક દિવસ એને જણાવાયું કે કંબોડિયામાં ડેટા એન્ટ્રી ઓપરેટરની નોકરી ઉપલબ્ધ છે. અઝરબૈજાન નહીં તો કંબોડિયા, વિદેશમાં સારા પગારવાળી નોકરી તો મળી રહી છે, એમ સમજીને પ્રવીણે હા પાડી દીધી. એ કંબોડિયા પહોંચ્યો. એરપોર્ટથી લઈ જતી વખતે જ ટેક્સી ડ્રાઈવરે એનો પાસપોર્ટ જપ્ત કરી લીધો અને એને એક વિશાળ ઓફિસ કોમ્પ્લેક્સમાં લઈ ગયો. ત્યાં બહુ બધા કોલ સેન્ટર ચાલી રહ્યા હતા અને એમાં લગભગ 5,000 ભારતીયો કામ કરી રહ્યા હતા. પ્રવીણને ગંધ તો આવી ગઈ હતી કે એની સાથે છેતરપિંડી થઈ હતી, પણ એ સમયે કંઈ પણ કરવાની સ્થિતિમાં એ નહોતો.

શું નોકરી મળી? 

પ્રવીણને રાજધાની ફ્નોમ પેન્હ (Phnom Penh)થી લગભગ 200 કિમી દૂર સિહાનૌકવિલે (Sihanoukville)ની ઓફિસમાં કામ આપવામાં આવ્યું. ત્યાં 'કેસિનો'ના નામે કોલ સેન્ટર રેકેટ ચલાવવામાં આવતું હતું. અહીં ચીની ઓપરેટરો નકલી વેપાર, રોકાણ અને નોકરીની ઓફર દ્વારા લોકો સાથે છેતરપિંડી કરતા હતા, એમની પાસે ઓનલાઇન રૂપિયા કઢાવી લેતા હતા. તેઓ મુખ્યત્વે ભારતીયો, યુરોપિયનો અને તૂર્કીના નાગરિકોને નિશાન બનાવતા હતા. લગભગ 100 જેટલા કંબોડિયન ગુંડાઓ આખા કમ્પાઉન્ડની સિક્યોરિટી માટે રાખેલા હતા. એમની બાજનજરને કારણે કોઈ કર્મચારી એ ઓફિસ કોમ્પ્લેક્સની બહાર નહોતો જઈ શકતો. 

નોકરીના નામે થતું શોષણ

કોલ સેન્ટરમાં કામ કરવાનું અઘરું હતું. તન-મનથી તોડી નાંખે એટલું અઘરું. સુવિધાઓનો અભાવ હતો અને કર્મચારીઓને કલાકો સુધી કામ કરવાની ફરજ પાડવામાં આવતી. કર્મચારીઓને એકબીજા સાથે અંગત માહિતી શૅર કરવા પર પ્રતિબંધ હતો અને તેઓ એમ ન કરે એ જોવા માટે ચોકીયાતો રાખવામાં આવ્યા હતા, જે સતત કર્મચારીઓની હરકતો પર નજર રાખતા હતા. કર્મચારીઓની ઓળખ છુપાવવા એમને સાચા નામ લઈને બોલાવાતા પણ નહોતા. બધાંને કોડ નામો આપી દેવાયા હતા. પ્રવીણનું નામ 'જૉશ' હતું. એની ટીમમાં કેરળના બે યુવાનોને 'રોબિન' અને 'લોકી', તમિલનાડુના એક યુવાનને 'રોલેક્સ' અને બાંગ્લાદેશના એકને 'ડેવિડ' એવા નામ અપાયા હતા.

નિયમના ઉલ્લંઘન બદલ સજા

કોઈપણ નિયમનો ઉલ્લંઘન કરે તો દંડ રૂપે પગાર કાપી લેવાતો. પ્રવીણનો મહિનાનો પગાર કહેવા માટે 600 ડોલર હતો, પણે તેને કદી પૂરો પગાર આપવામાં નહોતો આવતો. ચીનીઓ ભારતીયો પાસે અવારનવાર ભારતના લોકોની, શહેરોની અને આર્થિક પરિસ્થિતિઓની વિગતો માંગતા રહેતા, જેથી એ માહિતીને આધારે બીજા લોકોને એમની જાળમાં ફસાવી શકાય.

પ્રવીણ કઈ રીતે નીકળ્યો એ દોજખમાંથી બહાર?

કામમાં કરવા પડતી છેતરપિંડી અને સતત થતાં શોષણથી કંટાળેલો પ્રવીણ વારંવાર એને ભારત પરત મોકલી દેવાની વિનંતી કરતો. ત્યારે એને કહેવામાં આવતું કે ક્યાં તો ત્રણ હજાર ડોલર આપ અથવા તો તારી જગ્યાએ કોઈ બીજો બકરો બોલાવી લે. પ્રવીણે જેમતેમ કરીને ત્યાં પાંચ મહિના કાઢ્યા. પ્રતિકૂળ સંજોગોને લીધે એની તબિયત પણ વારેવારે ખરાબ થઈ જતી હતી. એટલે છેવટે એણે રૂપિયાનો જુગાડ કરીને ત્રણ હજાર ડોલર ચૂકવી દીધા અને પોતાની આઝાદી ખરીદી લીધી.

ભારત આવીને શું કર્યું પ્રવીણે?

ભારત પાછા ફરેલા પ્રવીણે પોતાની આપવીતી જણાવી. એનો સમય, રૂપિયા અને તંદુરસ્તી બગાડનાર ચીની ગેંગ વિરુદ્ધ એણે તેલંગાણા સાયબર સિક્યુરિટી બ્યુરો (TGCSB) માં FIR નોંધાવી છે. આંતરરાષ્ટ્રીય કાયદા આવી બાબતોમાં નબળા પડતા હોય છે ત્યારે એ જાણવું રસપ્રદ બનશે કે કંબોડિયામાં અડ્ડો જમાવીને ગોરખધંધા કરી રહેલી ચીની ગેંગ સામે કોઈ પગલાં ભરાય છે કે કેમ.

વિદેશ જવા માટે ઘરબાર ગિરવે મૂકવાની કે લાખોનું દેવું કરવાની હદે જનારા ભારતીયોએ આ લાલબત્તી સમાન કિસ્સામાંથી બોધપાઠ લેવો જોઈએ.

આ પણ વાંચો: વોટ્સએપનું નવું દમદાર ફીચર, સાયબર ફ્રોડથી બચવું થશે સરળ, જાણો તે કઈ રીતે ઉપયોગી

નોકરીની લાલચે તમે ના ફસાતાઃ ભારતીયોને શિકાર કરવા ચીની ગેંગ પણ સક્રિય, વિદેશ મોહ રાખનારા માટે ચેતવણીરૂપ કિસ્સો 2 - image



Google NewsGoogle News