મોબાઈલ ફોન ચાર્જ કરવાની જરુર નહીં રહે, ચીનની કંપનીએ 50 વર્ષ સુધી ચાલે તેવી બેટરી બનાવી
image : Twitter
બિજિંગ,તા.12 જાન્યુઆરી 2024,શુક્રવાર
ચીનની એક સ્ટાર્ટ અપ કંપનીએ 50 વર્ષ સુધી ચાલતી રહે તેવી બેટરી બનાવવાનો દાવો કર્યો છે.
બીટાવોલ્ટ નામની કંપનીનુ કહેવુ છે કે, આ બેટરી પરમાણુ ઉર્જા એટલે કે ન્યુક્લિયર એનર્જીનો ઉપયોગ કરીને બનાવાયેલી દુનિયાની પહેલી બેટરી છે. તેને નોર્મલ બેટરીની જેમ ચાર્જિંગ કે મેન્ટેનન્સની જરુર નહીં પડે. આ બેટરીનુ કદ એક ચલણી સિક્કા જેવુ છે. જેમાં 63 પરમાણુ આઈસોટોપનો સમાવેસ કરવામાં આવ્યો છે. નવી જનરેશનની બેટરીનુ પાયલોટ પ્રોજેકટના ભાગરુપે ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યુ છે.
કંપનીનુ કહેવુ છે કે, એક વખત બેટરીના તમામ પ્રકારના પરિક્ષણો પૂરા થઈ જાય તે પછી તેનો ઉપયોગ ફોન અને ડ્રોન જેવી વસ્તુઓમાં કરવામાં આવશે. પરમાણુ ઉર્જાથી ચાલતી બેટરીઓ એરોસ્પેસ, એઆઈ ઈક્વિપમેન્ટ, મેડિકલ ઈક્વિપેમેન્ટ, નાના ડ્રોન, માઈક્રોપ્રોસેસર , માઈક્રો રોબોટ જેવા સંખ્યાબંધ ઉપકરણોમાં ઉપયોગી બની શકે છે. આ બેટરીના કારણે ચીનની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજીમાં મોટી ક્રાંતિ આવશે.
ઉલ્લેખનીય છે કે, 20મી સદીમાં પહેલી વખત અમેરિકા અને રશિયા દ્વારા ન્યુક્લિયર એનર્જીથી ચાલતી બેટરી પર કામ કરવામાં આવ્યુ હતુ. બંને દેશ પોતાના અંતરિક્ષ યાન, અન્ડર વોટર સિસ્ટમ અને એન્ટાર્ટિકા પર સ્થપાયેલા વૈજ્ઞાનિક મથકોમાં કરતા હતા. આ બેટરીઓ જોકે મોંઘી અને વજનમાં ભારે હતી.
બીજી તરફ ચીને 2021 થી 2025 વર્ષે પોતાની ઈકોનોમીને મજબૂત કરવા માટે લાગુ કરેલી પંચ વર્ષીય યોજનાના ભાગરુપે ન્યુક્લિયર બેટરીઓના સંશોધનને પ્રોત્સાહન આપ્યુ છે.
આ બેટરી બનાવવાનો દાવો કરનાર કંપનીનુ એવુ પણ કહેવુ છે કે, હાલમાં તો અમારી બેટરી 100 માઈક્રોવોટ વીજળી અને 3 વોટના વોલ્ટેજની ક્ષમતા ધરાવે છે. અમારો ટાર્ગેટ 2025 સુધીમાં 1 વોટની વીજળી આપી શકે તેવી બેટરી બનાવવાનો છે.
કંપનીનુ કહેવુ છે કે, ભવિષ્યમાં મોબાઈલ ફોન ક્યારેય ચાર્જ ના કરવો પડે તેમજ ડ્રોન સતત ઉડતા રહે તેવી બેટરી બનાવવાનુ અમારુ સ્વપ્ન છે.