દક્ષિણ ચીન સમુદ્રમાં ડ્રેગનની દાદાગીરી, કોસ્ટ ગાર્ડના જહાજે ફિલિપાઈન્સના જહાજને ટક્કર મારી
image : Socialmedia
મનિલા,તા.05 માર્ચ 2024,મંગળવાર
સાઉથ ચાઈના સીમાં દાદાગીરી કરી રહેલુ ચીન બીજા દેશોને હંમેશા દબડાવતુ આવ્યુ છે. સાઉથ ચાઈના સીમાં ફરી એક વખત ચીને પોતાની તાકાતથી બીજા દેશોને ડરાવવાનો પ્રયાસ કર્યો છે.
મળતી વિગતો પ્રમાણે ચીનના કોસ્ટગાર્ડે ફિલિપાઈન્સના જહાજોને રોક્યા હતા અને આ દરમિયાન બંને પક્ષના જહાજો વચ્ચે મામલૂ ટક્કર પણ થઈ હતી. ફિલિપાઈન્સ કોસ્ટ ગાર્ડના પ્રવક્તા કોમોડર જય તેરિએલાએ કહ્યુ હતુ કે, અમારા બે જહાજોને રોકવા માટે ચીનના કોસ્ટ ગાર્ડના બે જહાજોએ ખતરનાક રીતે હિલચાલ કરી હતી અને તેના કારણે અમારા એક જહાજની ચીનના કોસ્ટ ગાર્ડના એક જહાજ સાથે ટક્કર થઈ હતી. જેમાં અમારા જહાજને મામલૂ નુકસાન પહોંચ્યુ છે.
જોકે પ્રવક્તાએ આ ટકકર સાઉથ ચાઈના સીમાં ક્યાં થઈ હતી અને તેની પાછળનુ કારણ શું હતુ તેની જાણકારી આપી નહોતી. એવુ મનાય છે કે, સાઉથ ચાઈના સીમાં આવેલા સેકન્ડ થોમસ શોલ નામના ટાપુ પર સપ્લાય પહોંચાડવાના મુદ્દે અથડામણ થઈ હશે. આ વિવાદીત ટાપુ પર બંને દેશો દાવો કરી રહ્યા છે અને આ ટાપુ પર ફિલિપાઈન્સને સપ્લાય પહોંચાડતા અટકાવવા માટે ભૂતકાળમાં પણ ચીન ઉધામા કરી ચુકયુ છે.
ત્રણ મહિના પહેલા પણ ચીનના જહાજે ફિલિપાઈન્સના એક જહાજને જોરદાર ટક્કર મારી હતી અને તેના કારણે આ જહાજ પરના ક્રુ મેમ્બર્સ પર જાનનુ જોખમ પણ ઉભુ થયુ હતુ.
નાના દેશો સામે અકડ બતાવવાનુ ચીનનુ વલણ યથાવત છે પણ જ્યારે અમેરિકાના વિશાળ અને ઘાતક યુધ્ધ જહાજો સાઉથ ચાઈના સીમાં પ્રવેશે છે ત્યારે ચીન તેમની સામે આ પ્રકારના આક્રમક તેવર નથી બતાવી શકતુ.