દરિયામાં ડ્રેગનની દાદાગીરી : અમેરિકા, જાપાન અને ફિલિપાઇન્સે ઉતારી સેના, દક્ષિણ ચીન સાગરમાં ખળભળાટ
Representative Image |
South China Sea Conflict : દક્ષિણ ચીન સાગરમાં ચીન સાથે અમેરિકા, જાપાન અને ફિલિપાઇન્સ વચ્ચેનો સંઘર્ષ વધી રહ્યો છે. સતત વધી રહેલા તણાવને લીધે શુક્રવારે અમેરિકાએ દક્ષિણ ચીન સાગરમાં એક જાસૂસી વિમાન તહેનાત કર્યું હતું. આ સાથે જાપાન અને ફિલિપાઇન્સે નૌકાદળના જહાજો મોકલ્યા હતા. જેના કારણે દક્ષિણ ચીન સાગરમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો હતો. અહીં તમને જણાવી દઈએ કે માત્ર બે દિવસ પહેલા જ મિત્રો દેશોની સેનાએ ફિલિપાઇન્સના પેટ્રોલિંગ જહાજો સામે ચીની કોસ્ટ ગાર્ડ જહાજોની કાર્યવાહીની નિંદા કરી હતી.
અમેરિકાની ઇન્ડો-પેસિફિક કમાન્ડે આપી પ્રતિક્રિયા
અમેરિકાની ઇન્ડો-પેસિફિક કમાન્ડે જણાવ્યું હતું કે, ફિલિપાઇન્સના મિત્ર દેશો દ્વારા આર્થિક ક્ષેત્રમાં નેવિગેશન અને ઓવરફ્લાઇટની સ્વતંત્રતાના વિશિષ્ટ અધિકારો જાળવવા માટે અને સમુદ્ર અને આંતરરાષ્ટ્રીય એરસ્પેસના કાયદાઓને ધ્યાનમાં રાખીને સંયુક્ત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ફિલિપાઇન્સે હાથ ધર્યું પેટ્રોલિંગ
ફિલિપાઇન્સના બે સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે, સ્કારબોરો શોલ વિસ્તારથી લગભગ 40 નોટિકલ માઇલ (74 કિલોમીટર) દૂર સુધી પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે ઉત્તરપશ્ચિમ ફિલિપાઇન્સથી દુર બેઇજિંગ અને મનીલા વચ્ચે વિવાદિત માછીમારી વિસ્તાર છે.
આક્રમક ચીની સેનાનો અન્ય દેશો સાથે સતત સંઘર્ષ
ચીન લગભગ સમગ્ર દક્ષિણ ચીન સાગર પર પોતાનો દાવો કરે છે અને પોતાના કોસ્ટ ગાર્ડ, નેવી અને લશ્કરી કાફલા સાથે આક્રમક રીતે આ વિસ્તારની રક્ષા કરે છે. ચીની સેનાની ફિલિપાઇન્સ, વિયેતનામ, મલેશિયા અને બ્રુનેઈ સહિતના દેશોની સેનાઓ સાથે અથડામણ થઈ ચૂકી છે. ઇન્ડોનેશિયાનો પણ દક્ષિણ ચીન સાગરના દક્ષિણ કિનારાથી ગેસ સમૃદ્ધ નટુના વિસ્તારમાં માછીમારોને લઈ જતાં ચીની કોસ્ટ ગાર્ડના જહાજો સાથે ઘર્ષણ થયું હતું. ફિલિપાઇન્સ, યુએસ અને તેમના સુરક્ષા ભાગીદાર દેશોની સંયુક્ત નૌકાદળ પેટ્રોલિંગ આ ક્ષેત્રમાં ઘણાં ટાયફૂન આવવાને કારણે વિલંબિત થઈ હતી.