ગલવાન પછી ચીનનો દ્રષ્ટિકોણ બદલાયો છે : હવે કોઈ અમને લાલ આંખ દેખાડી નહીં શકે : રાજનાથ
ચીન અમને તેનું સ્પર્ધક માને છે પરંતુ અમે ચીનને સ્પર્ધક માનતા નથી : ભારત પહેલા શસ્ત્રોની આયાત કરતું હતું હવે નિકાસ કરે છે
લંડન: ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, સંરક્ષણ અને ઔદ્યોગિક સહયોગ સંબંધે તેમજ અન્ય મુદ્દાઓ વિષે વ્યાપક ચર્ચા કરવા ઇંગ્લેન્ડની ૩ દિવસની મુલાકાતે છે. તેઓએ વડાપ્રધાન ઋષિ શુનક, સંરક્ષણ મંત્રી ગ્રાંડ શાપ્સ તથા વિદેશમંત્રી કેમરોન સાથે પણ મંત્રણા કરી હતી. તેઓએ એક કાર્યક્રમ દરમિયાન ભારત- ચીન સંબંધો વિષે પણ કહ્યું હતું તેઓએ જણાવ્યું કે ગલવાન ઘાટીનો વિવાદ ઉગ્ર બની ગયા પછી ચીનનો ભારત પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે. જો કે, ચીન અમને તેનું સ્પર્ધક માને છે પરંતુ અમે ચીનને અમારું સ્પર્ધક માનતા નથી.
શસ્ત્ર સરંજામ અંગે તેઓએ કહ્યું કે, ભારત પહેલા તેનું આયાતકાર હતું પરંતુ હવે તે નિકાસકાર બન્યું છે.
તેઓએ વધુમાં કહ્યું ઃ ૨૦૨૦માં ગલવાનમાં ભારત અને ચીન વચ્ચે લડાઈ થઈ હતી. પરંતુ અમારા જવાનોએ જે બહાદુરી દેખાડી તે કારણથી ચીનનો ભારત પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાયો છે. તેને ખાતરી થઈ ગઈ છે કે હવે ભારત નિર્બળ નથી ઉપરાંત ચીનના મુખપત્ર 'ગ્લોબલ ટાઇમ્સ'ના એક લેખકે લખ્યું હતું કે, 'ચીન સરકાર પણ માને છે કે, ભારતમાં થયેલા આર્થિક અને રણનીતિક પરિવર્તનોને લીધે ભારત આર્થિક અને રણનીતિક તાકાત બની રહ્યું છે. અમે કોઈને દુશ્મન માનતા નથી પરંતુ દુનિયા જાણે છે કે, ભારત- ચીન સંબંધો સારા નથી પરંતુ અમે તો સૌની સાથે સારા સંબંધો રાખવા માંગીએ છીએ.'