ચીનની નૌસેનાએ તાઇવાનને ચારેય તરફથી ઘેરી કર્યું શક્તિપ્રદર્શન, USએ કરી આ અપીલ
- પૂર્વ પ્રશાંતમાં વમળો ઘુમરાઈ રહ્યા છે, પ્રશાંત અશાંત બને છે
- તાઈવાનના નવા પ્રમુખ લાઈ-ચિંગ તે ચીનના ઉગ્ર વિરોધી છે, પુર્વ પ્રમુખ ત્સાઈ-ઈંગ-વેન કરતા વધુ શાબ્દિક પ્રહારો કરે છે
તાઈવાન : સોમવારથી સામ્યવાદી ચીને તાઈવાન ફરતી યુદ્ધ કવાયતો શરૂ કરી દીધી છે અને તે નામે તે આ ટાપુ રાષ્ટ્રને યુદ્ધ જહાજોથી ઘેરી રહ્યું છે. તેના ફરતે યુદ્ધ વિમાનો ઉડાડી રહ્યું છે અને આ વ્યાપક યુદ્ધ કવાયત દ્વારા તે તાઈવાનને ડરાવી રહ્યું છે, પરંતુ લોખંડી છાતી ધરાવતા તેના પ્રમુખ લાઈ-ચિંગ તે જરા પણ ડગતા નથી. તો બીજી તરફ અમેરિકાએ ચીનને સંયમપુર્વક વર્તવા અનુરોધ કર્યો છે. નીરિક્ષકો ભીતિ સેવે છે કે જગતનું ધ્યાન જ્યારે પશ્ચિમે મધ્ય પુર્વ અને યુક્રેનમાં કેન્દ્રિત થયું છે ત્યારે પુર્વમાં ચીને તાઈવાન ઉપર હુમલો કરી ન બેસે. વિશ્વના રાજદ્વારીઓ અને વિશેષત: અમેરિકા સહિત પશ્ચિમનું જગત અત્યારે તો ઉજાગરે સુવે છે.
તાઈવાનના લોખંડી છાતી ધરાવતા પ્રમુખ લાઈ-ચિંગ તે તો તેઓના પુરોગામી ત્સાઈ-ઈંગ-વેન કરતા પણ ચીન ઉપર વધુ ઉગ્ર શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે અને કહે છે કે તાઈવાન તેનું સાર્વભૌમત્વ કોઈપણ ભોગે અક્ષુણ્ણ જ રાખશે. સામી બાજુએ ચીન જે તાઈવાનને પોતાનો 'પ્રાંત' જ માને છે. અને નકશાઓમાં પણ તેને તે રીતે દર્શાવે છે, તે ચીન અલગતાવાદી પ્રમુખ લાઈ-ચિંગ તેનાં આ વિધાનોથી ખરેખરું ગરમાયું છે.
તેઓએ સોમવારે જણાવ્યું હતું કે ''લોકશાહી દેશ તાઈવાન તેની સલામતી કોઈપણ ભોગે જાળવશે. તેના સંરક્ષણ મંત્રાલયે ચીનની ધમકીને લીધે સેનાઓને સાવધ કરી દીધી છે.''
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઆો ચિંગે વળતા પ્રહારો કરતા કહ્યું હતું કે તાઈવાનની સ્વાતંત્ર્યની વાત અને તાઈવાનની સમુદ્રધુનિમાં શાંતિ... તે બંને સાથે રહી જ ન શકે.
તાઈવાને પણ તેની વાયુસેનાને સક્રિય કરી દીધી છે. એ.એફ. પત્રકારે ૧૨ ફાઈટર જેટસ્ તાઈવાનના હીન-યુ વિમાન મથકેથી આકાશ સ્થિત થતા જોયા હતા.
વધુમાં જાણવા મળ્યું છે કે તાઈવાનના આજુબાજુના તેના નાના ટાપુઓ ''હાઈ-એલર્ટ'' પર મુકી દેવાયા છે. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે ''અમારા યુદ્ધ વિમાનો અને યુદ્ધ નૌકાઓ જરૂર પડે શત્રુના યુદ્ધ વિમાનો અને યુદ્ધ નૌકાઓને જવાબ આપવા તૈયાર જ છે.''
જ્યારે બૈજિંગે કહ્યું હતું કે અત્યારે આવી રહેલો યુદ્ધભ્યાસ તાઈવાનના સ્વાતંત્ર્યવાદી અને અલગતાવાદી પરિબળોને કડક ચેતવણી આપવા જ કરવામાં આવ્યો છે.
ચીને યુદ્ધાભ્યાસને ''સ્પોર્ડ-૨૦૨૪બી'' તેવું નામ આપ્યું છે. આ અંગે ચીનના 'ઈસ્ટર્ન-થિયેટર'ના પ્રવક્તા કેપ્ટન લી-શી એ કહ્યું હતું કે આ યુદ્ધભ્યાસ સેનાઓની ''સંયુક્ત-કાર્યવાહી-કાર્યક્ષમતા'' ચકાસવા કરવામાં આવ્યો છે.
તે જે કરે તે પરંતુ તેટલું નિશ્ચિત છે કે પ્રશાંતના શાંત જળમાં વમળો ઘુમરાઈ રહ્યા છે, પ્રશાંત અશાંત બન્યો છે.