ચીનની મેન્યુફેકચરિંગ એક્ટિવિટી નવ વર્ષના પ્રારંભ પૂર્વે ઘટી : વ્યાપારી જોખમ તોળાઈ રહ્યું
- પર્ચેઝ મેનેજર્સ ઇન્ડેક્સ નવે.માં 50.3 હતો તે ડીસે.માં ઘટી 50.1 થયો, ઇન્ડેક્સ 50 ઉપર રહ્યો તેનું કારણ હજી યુ.એસ.માં ભારે ટેરિફ લાગી નથી તે છે
નવી દિલ્હી : ચીનની ફેકટરી એક્ટિવિટી નવ વર્ષના પ્રારંભ પૂર્વે ડીસેમ્બર માસમાં જ ઘટી રહી છે. આ અંગે મંગળવારે પ્રસિદ્ધ થયેલા ચીનના સત્તાવાર આંકડા જ દર્શાવે છે કે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના સરકાર દ્વારા કરાતા અનેકવિધ પ્રયત્નો છતાં વિદેશ તેમજ આંતરિક વ્યાપારમાં પણ જોખમ વધી રહ્યું હોવાથી મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી ધીમી પડી છે.
૨૦૨૦થી તંગ બનેલી આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ ૨૦૨૪માં ઘણી જ તંગ બની હતી, જે ૨૦૨૫માં તેથી પણ વધુ તંગ બનવાની સંભાવનાથી વ્યાપારી જોખમ પણ તોળાઈ રહ્યું છે. બીજી તરફ અનેક વિશ્વકારણોસર દેશમાં આંતરિક ખરીદ શક્તી પણ તૂટી છે તેથી આંતરિક વપરાશ પણ ઘટી ગયો છે. પરિણામે પર્ચેઝીંગ મેનેજર્સ ઇન્ડેક્સ જે નવેમ્બરમાં ૫૦.૩ હતો તે ઘટીને ડીસેમ્બરમાં ૫૦.૧ થયો છે.
અંકશાસ્ત્રીઓ પ્રમાણે પર્ચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ ૫૦થી ઉપર કે ૫૦ સુધી રહે તે સારી નિશાની છે. પરંતુ આ આંક ૫૦ થી ઉપર રહ્યો છે. તેનું એક કારણ અત્યારે અમેરિકામાં થતી ચીનના માલની જબ્બર આયાત છે. કારણ કે ટ્રમ્પ સત્તા સંભાળતાં ચીનના માલ પરની ટેરિફ ઘણી વધારી દેવાના છે. તેથી ચીનથી આવતો માલ મોંઘો પડશે જ. માટે ૨૦ જાન્યુઆરી પહેલાં અમેરિકાના વ્યાપારીઓ બને તેટલો વધુ માલ ખરીદી રહ્યા છે. તેથી ઇન્ડેક્સ ૫૦થી ઉપર છે, પછી તો તે તૂટવાનો જ છે તે નિશ્ચિત લાગે છે.
કેપિટલ ઇકોનોમિક્સના ગેબ્રિયલ નગ જણાવે છે કે ઉત્પાદન ધીમું પડયું છે. જે ફેકટરી એક્ટિવિટીની મંદ ગતિ દર્શાવી આપે છે. બીજી તરફ માલની કિંમત ઘટાડવા માટે પણ દબાણ આવી રહ્યું છે. જો કે છેલ્લા આઠ મહિનાના પ્રમાણમાં નવા ઓર્ડર નોંધાયા પણ છે. જે સૌથી વધુ અમેરિકામાંથી આવ્યા છે. તેનું કારણ ટ્રમ્પ સત્તા સંભાળે તે પહેલાં થઇ શકે તેટલી ખરીદી કરી લેવા અમેરિકાના વ્યાપારીઓ અને જનતા આતુર છે. પરંતુ ટ્રમ્પ ટેરિફ વધારતાં ચીનનો માલ મોંઘો પડવાનો છે. વાસ્તવમાં ચીન સાથે અનેક ખટરાગ હોવા છતાં ચીનની વધુમાં વધુ નિકાસ અમેરિકામાં થાય છે.
ટ્રમ્પ સત્તા પર આવતાં ટેરિફ વધતાં ચીનને વ્યાપારી ક્ષેત્રે ફટકો પડવાની પૂરી શક્યતા છે. મેનેજર્સ પ્રાઈસ ઇન્ડેક્સ ૫૦થી નીચે જાય તો આશ્ચર્ય નથી.