ચીનની આશા નિરાશામાં પરિણમી : લેન્ડીંગ સમયે રૉકેટમાં વિસ્ફોટ : ભારે મોટું નુકસાન
- નેબ્યુલા-1 નામક આ રોકેટ ચીનની કંપની ડીપ બ્લ્યુ એરોસ્પેસનું હતું, તેનો વર્ટિકલ ટેઇક ઓફ અને લેન્ડીંગ ટેસ્ટ થઈ રહ્યો હતો લેન્ડીંગ સમયે રોકેટ ફાટયું
બૈજિંગ : ચીનમાં ટેસ્ટ દરમિયાન જ એક રોકેટ ફાટી ગયું. નેબ્યુલા-૧ નામનું આ રોકેટ ચીનની કંપની ડીપ-બ્લ્યુ-એરો-સ્પેસનું હતું. તેનો વર્ટિકલ ટેક ઓફ અને લેન્ડીંગ ટેસ્ટ થઈ રહ્યો હતો, તેમાં લેન્ડીંગ સમયે તે રોકેટમાં વિસ્ફોટ થઈ ગયો. જોકે કંપનીએ તો તેમજ કહ્યું હતું કે, તે રોકેટે નિશ્ચિત કરેલાં ૧૧માંથી ૧૦ લક્ષ્યો પૂરાં કર્યાં છે. સરકાર હસ્તકની આ ડીપ-બ્લ્યુ કંપની ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવી રોકેટ ટેકનોલોજી પર કામ કરી રહી છે.
આ રોકેટ નિશ્ચિત ઊંચાઈ સુધી તો પહોંચી જ ગયું હતું ત્યાં સુધી તેને સફળતા મળી હતી. પરંતુ લેન્ડીંગ દરમિયાન રોકેટને મુશ્કેલીનો સામનો કરવો પડયો.
રોકેટના ડ્રોન વિમાન દ્વારા વિડીયો ફૂટેજ પણ કરાયા છે. હવે તે સંશોધન ચાલે છે કે રોકેટમાં વિસ્ફોટ થયો શા માટે ?
આ રોકેટ ટેસ્ટ ચીન માટે એક મહત્ત્વનું પગલું બની રહ્યો છે. તેનો હેતુ ચીનમાં કોમર્શિયલ અંતરિક્ષ યાત્રાને પુષ્ટિ આપવાનો છે. તે ફરીવાર પણ ઉપયોગમાં લઈ શકાય તે ગણતરીએ તૈયાર કરવામાં આવ્યું હતું. જોકે કંપનીને આશા છે કે તે ભવિષ્યમાં મિશન માટે ટેકનિકમાં સુધારા કરશે.