જમીનથી આસમાન સુધી ચીનના દબદબાથી અમેરિકા અને ભારતને જોખમ
- અમેરિકાના બ્રિગેડીયર જનરલે ઉચ્ચારેલી ચેતવણી
- ચીનનાં યુદ્ધ વિમાનોની સંખ્યા એટલી ઝડપભેર વધી રહ્યાં છે કે તે અમેરિકાને ઘણું પાછળ રાખી દઇ શકશે
નવી દિલ્હી, વોશિંગ્ટન : તાજેતરમાં અમેરિકાના બ્રિગેડીયર જનરલ ડગ વિક્ટરે ચીનની વધતી જતી લશ્કરી તાકાત અંગે ચેતવણી ઉચ્ચારી છે. તેઓએ જણાવ્યું છે કે ચીનનાં યુદ્ધ વિમાનોની સંખ્યા અને તેની ગુણવત્તા એટલાં ઝડપથી વધી રહ્યાં છે કે આગામી દિવસોમાં તે અમેરિકાને પાછળ રાખી દેશે.
આ રીતે ચીનની વધતી લશ્કરી તાકાત અમેરિકા માટે તો ચિંતાજનક છે જ સામે માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ખતરારૂપ બની શકે તેમ છે.
બ્રિગેડીયર જનરલ વિક્ટરે જણાવ્યું હતું કે ચીનનું વિમાન દળ એટલી ઝડપે વધે છે કે બંને વચ્ચેની યુદ્ધ વિમાનોની સરેરાશ ૧૨:૧ થઇ જવા સંભવ છે. ઉપરાંત પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં ચીનનું નૌકાદળ પણ પ્રબળ બની રહ્યું છે.
ચીને પ્રશાંત મહાસાગર ઉપર નજર રાખવા ૨૨૫થી વધુ બોમ્બવર્ષક તૈનાત કર્યાં છે. તાજેતરમાં જ તેણે છઠ્ઠી પેઢીનું યુદ્ધ વિમાન જે-૩૬ લોન્ચ કર્યું. આ વિમાન વિશ્વનું સૌથી ઉન્નત યુદ્ધ વિમાન માનવામાં આવે છે. તે વિમાનમાં રડારથી બચવાની ક્ષમતા, ટર્બો ફેન એન્જિન અને વધુ ઇંધણ લીધા સિવાય જ લાંબા અંતર સુધી તે ઉડી શકે તેમ છે.
આ સ્થિતિ માત્ર અમેરિકા માટે જ ચિંતાજનક નથી, પરંતુ ભારત તેમજ અન્ય એશિયાઈ દેશો માટે પણ ખતરારૂપ છે.
ચીન સાથે સીમા વિવાદ અને આર્થિક સ્પર્ધાનો સામનો કરી રહેલો આપણો દેશ ભારત ચીનની વધતી તાકાતથી વધુ મુશ્કેલીમાં ફસાઈ શકે તેમ છે.
અમેરિકાએ ચીનનો સામનો કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેણે આવતી પેઢીનું યુદ્ધ વિમાન બી-૨૧ રાઇડર તેમજ અન્ય નવી ટેકનિકો ઉપર કામ શરૂ કરી દીધું છે. આમ છતાં ચીનની આ વધતી તાકાતથી સ્પષ્ટ થઇ જાય છે કે આગામી વર્ષોમાં વૈશ્વિક રાજકારણ અને સૈન્ય સંતુલનમાં ભારે મોટા ફેરફારો જોવા મળશે.