ચીન મોડામાં મોડો 2027માં હુમલો કરશે તે પાકી ગણતરીએ તાઈવાને તૈયારીઓ શરૂ કરી દીધી છે
- તાઈવાનને અમેરિકા પૂરેપૂરૃં પીઠબળ આપી રહ્યું છે અમેરિકી અધિકારીઓ માને છે કે ચીની આક્રમણની સમય રેખા 2027 હશે
નવી દિલ્હી : ચીન મોડામાં મોડો ૨૦૨૭માં હુમલો કરશે, તેવી પાકી જાસૂસી માહિતીના આધારે તાઈવાન અત્યારથી જ સંરક્ષણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમાં પણ એક અનુમાન તેવું પણ બંધાઈ રહ્યું છે કે ચીન કદાચ ૨૦૨૭થી પણ વહેલો હુમલો શરૂ કરે. તે તાઈવાન ઉપર લશ્કરી દબાણ કરી રહ્યું છે.
તાઈવાનનાં સંરક્ષણ મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે ચીન તાઈવાનને પોતાનો એક પ્રાંત જ માને છે. પરંતુ વાસ્તવમાં અમે એક સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર છીએ.
ઉલ્લેખનીય છે કે અમેરિકા તાઈવાનને પૂરેપૂરૃં પીઠબળ આપે છે. ચીન આક્રમણ કરે તો તેનો સામનો કરવા તાઈવાને જે યુદ્ધાભ્યાસ શરૂ કરવાનું છે તેનું નામ તેણે હાન-કીયાંગ આપ્યું છે. આ યુદ્ધભ્યાસને જુલાઈની ૯થી ૧૮ તારીખ વચ્ચે કરવામાં આવશે.
તાઈવાનની સંસદમાં બુધવારે રજૂ કરેલા રીપોર્ટમાં આ વર્ષનો સીનેરિયો (સંભવિત દ્રશ્ય) દર્શાવતાં જણાવાયું છે કે સામ્યવાદી ચીન ૨૦૨૭ સુધીમાં હુમલો કરે તે પહેલા તેણે ગ્રે-ઝોન (અનિશ્ચિત વિસ્તાર)માં ઘૂસણખોરી શરૂ કરી દીધી છે. તેથી તમામ કમાન્ડર્સને વ્યૂહાત્મક યોજના ઘડવા જણાવી દેવાયું છે. જે દુશ્મનનાં સંભવિત પગલાંને ધ્યાનમાં રાખી ઘડવામાં આવશે.
આ યુદ્ધાભ્યાસ અને આ યોજનાનો હેતુ દરેક સ્તરે સૈનિકોની યુદ્ધ ક્ષમતા ધારદાર બનાવવાનો છે, તેમ જ સેનાને હાઈ કોમ્બેટ રેડીનેસમાં રાખવાનો છે.
ચીન વારંવાર તેનાં ફાઈટર જેટ્સ વૉશિપ્સ અને કોસ્ટગાર્ડ વેસલ્સ તાઈવાનની ફરતાં ઘૂમાવી તેને ડરાવી રહ્યું છે. બીજી તરફ અમેરિકા તાઈવાનને ઢગલાબંધ શસ્ત્ર સરંજામ આપવા સાથે સધીયારો આપી રહ્યું છે.