અમેરિકાની ચૂંટણી પર ચીન પ્રભાવ પાથરવા માગે છે ખરેખર તો તે હસ્તક્ષેપ કરવા માગે છે : બ્લિન્કેન
- એક જ વર્ષમાં બ્લિન્કેનની બે વાર બૈજિંગ યાત્રા શું સૂચવે છે ?
- ચીન ભલે તેમ કહેતું હોય કે તે તેવું કરવાનું જ નથી પરંતુ હકીકત જુદી છે : બૈજિંગની 3 દિવસની યાત્રા પછી બ્લિન્કનની સ્પષ્ટ વાત
વૉશિંગ્ટન : ચીનની ૩ દિવસની મુલાકાત પછી સ્વદેશ પાછા ફરેલા અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિન્કેને સીએનએનને આપેલી મુલાકાતમાં બહુ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, ચીન અમેરિકાની (પ્રમુખ પદની) ચૂંટણી ઉપર પ્રભાવ પાથરવા માગે છે તેથી એ વધુ તો તેમાં હસ્તક્ષેપ કરવા માગે છે તે સ્પષ્ટ છે. આના પુરાવા પણ મળી શક્યા છે. પછી ભલે ચીનના પ્રમુખ શી જિનપીંગ તેમ કહેતા હોય કે તેઓ તેવું કશું કરવાના નથી; પરંતુ હકીકત તેથી તદ્દન જુદી જ છે.
બૈજિંગની પોતાની ૩ દિવસની મુલાકાત દરમિયાન બ્લિન્કન વિદેશ મંત્રી અને ચેરમેન શી જિંગપિંગને પણ મળ્યા હતા. તેઓએ તેમની તે મુલાકાત દરમિયાન ચીન દ્વારા રશિયાને અપાઈ રહેલાં સમર્થન અને તેને પગલે અમેરિકાએ ચીન પર મુકેલા પ્રતિબંધો તથા ઇઝરાયલ હમાસ યુદ્ધ તેમાં ઇરાનની સંડોવણી જેવા ગૂંચવાયેલા અંતરરાષ્ટ્રીય સંબંધો અંગે પણ ચર્ચા હાથ ધરાઈ હતી.
આ સાથે બ્લિન્કેનને શી જીન પિંગને તે યાદ આપી હતી કે ૨૦૨૫ના નવેમ્બરમાં સાનફ્રાન્સીસ્કોમાં યોજાયેલી જો બાયડેન અને શી જીન પિંગ વચ્ચેની મુલાકાત દરમિયાન પરસ્પરની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ નહીં કરવા સહમત થયા હતા. આમ છતાં સર્વસામાન્યત: અમોને પુરાવા સહિતની માહિતી મળી છે કે ચીન અમેરિકાની ચૂંટણી પર પ્રભાવ પાથરવા માગે છે. તેટલું જ નહીં તેમાં હસ્તક્ષેપ પણ કરવા પ્રયત્નો કરી રહ્યું છે અને પોતે આપેલી પ્રતિબદ્ધતાઓ પોતે જ તોડી રહ્યું છે.
માત્ર ચીન જ નહીં પરંતુ ચીનના માગીયા દેશો પણ અન્ય નાના દેશોની ચૂંટણીઓમાં હસ્તક્ષેપ કરી રહ્યા છે.
અમેરિકાના વિદેશ મંત્રીની એક જ વર્ષમાં યોજાયેલી ચીનની આ બીજી મુલાકાત અનેક તર્કો ઊભા કરે છે. આ પૂર્વે અમેરિકાનાં વિત્તમંત્રીએ પણ બૈજિંગની મુલાકાત લીધી હતી. આ મુલાકાતો શું સૂચવે છે ? વાત સીધી અને સાદી છે ચીનની સાથે બની શકે તો સમજૂતી સાધવાના અમેરિકાના આ છેલ્લા પ્રયાસો હશે. તે નિષ્ફળ થતાં શું થઇ શકે તે કહેવાની જરૂર નથી.