Get The App

VIDEO: ચીને ગલવાન જેવી ઘટના દોહરાવી, આ ટચુકડા દેશના સૈનિકો પર કુહાડી-ચાકુ લઈ તૂટી પડ્યા

Updated: Jun 20th, 2024


Google NewsGoogle News
VIDEO: ચીને ગલવાન જેવી ઘટના દોહરાવી, આ ટચુકડા દેશના સૈનિકો પર કુહાડી-ચાકુ લઈ તૂટી પડ્યા 1 - image


Image Source: Twitter

China Attack on Philippines: વિશ્વમાં બીજા દેશોની જમીન પર ખરાબ નજર રાખનારા ચીને દક્ષિણ ચીન સાગરમાં ગલવાન જેવી ઘટનાનું પુનરાવર્તન કર્યું છે. ચીનના સૈનિકો પર તેમના પડોશી દેશ ફિલિપાઈન્સની નૌકાદળ પર ચપ્પાં અને કુહાડીઓથી હુમલો કરવાનો અને ભારે લૂંટ કરવાનો આરોપ લાગ્યો છે. ફિલિપાઈન્સ સેનાએ ચીની સૈનિકોના આ કૃત્યનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. ફિલિપાઈન્સના અધિકારીઓએ ચીનને ફટકાર લગાવતા તેને ચાંચિયાગીરી ગણાવી છે. વીડિયોમાં ચીની સૈનિકોની લૂંટ જોઈ શકાય છે. તેઓ ફિલિપાઈન્સના સૈનિકો પર ચપ્પાં અને કુહાડીથી હુમલો કરી રહ્યા છે.

આ હુમલાની તુલના દ. ચીન સાગરમાં ચાંચિયાગીરીની ઘટના સાથે કરાઈ

બુધવારે ફિલિપાઈન્સના સૈન્ય પ્રમુખે માગ કરી હતી કે ચીન વિવાદિત તટીય ક્ષેત્રમાં ચીની કોસ્ટ ગાર્ડ દ્વારા જપ્ત કરાયેલા હથિયારો અને સાધનો પરત કરે અને હુમલાથી થયેલા નુકસાનની ભરપાઈ કરે. તેમણે આ હુમલાની તુલના દક્ષિણ ચીન સાગરમાં ચાંચિયાગીરીની ઘટના સાથે કરી હતી. ફિલિપાઈન્સના અધિકારીઓએ જણાવ્યું કે, સોમવારે આઠથી વધુ મોટરબોટ પર સવાર ચીની કોસ્ટ ગાર્ડના જવાનોએ ફિલિપાઈન્સની નૌકાદળની બે નૌકા પર વારંવાર ટક્કર મારી અને તેના પર ચઢી ગયા.

ચીની સૈનિક  કુહાડી અને ચાકુ-છરી લઈને તૂટી પડ્યા

ફિલિપાઈન્સના અધિકારીઓએ જણાવ્યું કે, ચીની કોસ્ટ ગાર્ડના જવાનોએ ફિલિપાઈન્સ નૌકાદળના જવાનોને દક્ષિણ ચીન સાગરમાં પોતાની મોટરબોટથી અટકાવી દીધા હતા. આ ક્ષેત્રો પર ચીન પોતાનો દાવો કરતું આવ્યું છે. ચીની સૈનિકોએ પહેલા ફિલિપાઈન્સ સૈનિકોની નૌકાઓને ટક્કર મારી અને પછી તેઓ હથિયારો સાથે તેમની નૌકામાં કૂદી પડ્યા. વીડિયોમાં જોઈ શકાય છે કે ચીની જવાનોએ બોટને કબ્જે કરી લીધી અને ફિલિપાઈન્સના સૈનિકો પર હુમલો કર્યો. ચીની સૈનિકોએ તેમની સેનાના ઘણા સાધનો અને આઠ એમ4 રાઈફલો પણ લૂંટીને પોતાની સાથે લઈ ગયા.

ફિલિપાઈન્સ સૈનિકોમાં મચી ગયો હાહાકાર

ફિલિપાઈન્સ આર્મ્ડ ફોર્સના ચીફ જનરલ રોમિયો બ્રોનર જુનિયરે બાદમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ચીની સૈન્યએ જે કર્યું તેને ભૂલી ન શકાય. તે દક્ષિણ ચીન સાગરમાં એક પ્રકારની લૂંટ હતી. આ પ્રકારની ઘટના ન થવી જોઈતી હતી. અમે ચીન પાસેથી પોતાના હથિયારો પરત કરવાની માગ કરીએ છીએ. તેમણે આગળ કહ્યું કે, તેમણે અમારા જહાજ પર ચપ્પાંથી હુમલો કર્યો. હથોડાથી નૌકાને નુકસાન પહોંચાડ્યું. આ હુમલામાં અનેક ફિલિપાઈન્સ નેવીના જવાનો ઘાયલ થયા હતા. લડાઈમાં એક જવાનનો જમણો અંગૂઠો કપાઈ ગયો હતો.

ફિલિપાઈન્સ સૈન્ય દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં ચીની સૈનિકો ફિલિપાઈન્સ નૌકાદળના જવાનો અને તેમના જહાજો પર ચપ્પુંથી બે ફિલિપાઈન્સ નૌસેના નૌકાદળને ઘેરતા નજર આવી રહ્યા છે. બંને તરફથી સૈનિકો એકબીજા પર ઊંચો અવાજ કરી રહ્યા છે. સાયરન વાગતુ સંભળાઈ રહ્યું છે. ચીની કર્મચારીઓ ફિલિપાઈન્સની નૌકાને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. 



Google NewsGoogle News