ગલવાન અથડામણ બાદ ચીને બે વખત હુમલાનો કર્યો પ્રયાસ, ભારતીય સૈનિકોએ આપ્યો જડબાતોડ જવાબ
ભારતીય સૈનિકોએ તેમના નાપાક ઈરાદાઓ પર પાણી ફેરવી નાખ્યું હતું
India-China LAC Fight : જૂન 2020 માં ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણો બાદ ભારત અને ચીન વચ્ચે અનેક તબક્કાની વાતચીત થઇ હતી. જોકે અત્યાર સુધી બંને દેશો વચ્ચે સહમતિ સધાઈ નથી. આ દરમિયાન અહેવાલ મળી રહ્યા છે કે ચીનના સૈનિકોએ પૂર્વ લદાખમાં એલએસી પર બે વખત હુમલાનો પ્રયાસ કર્યો હતો. જોકે ભારતીય સૈનિકોએ તેમના નાપાક ઈરાદાઓ પર પાણી ફેરવી નાખ્યું હતું.
ક્યારે થયા હતા હુમલા?
અહેવાલ અનુસાર સિક્કિમ સરહદે સ્પેશલ કોર્ટના એક અધિકારીએ 5 દિવસ સુધી ચીનની સૈન્ય પ્રવૃત્તિઓ પરની જાણકારી આપી હતી. ચીનના આ નિષ્ફળ હુમલા જાન્યુઆરી અને નવેમ્બર 2022માં થયા હતા જ્યારે બંને દેશો વચ્ચે સૈન્ય ગતિરોધને ઉકેલવા માટે વાતચીત ચાલી રહી હતી.
કઈ રીતે થયો ઘટસ્ફોટ?
ઉલ્લેખનીય છે કે ભારતીય જવાનો દ્વારા હાથ ધરાયેલા આ ગુપ્ત સૈન્ય અભિયાનની માહિતી ત્યારે સામે આવી જ્યારે ગયા અઠવાડિયે ઈન્વેસ્ટિચર સેરેમની દરમિયાન સેનાના પશ્ચિમી કમાન્ડ અને સેન્ટ્રલ કમાન્ડે અજાણતામાં એક પ્રશસ્તિ પત્રમાં તેના વિશે જાહેરાત કરી દીધી. વેસ્ટર્ન કમાન્ડના પદગ્રહણ સમારોહનો વીડિયો યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હતો. જોકે બાદમાં તેને હટાવી લેવામાં આવ્યો હતો. સેન્ટ્રલ કમાન્ડનો વીડિયો હજુ પણ યુટ્યુબ પર ઉપલબ્ધ છે.
ચીની સૈનિકોએ 7 જાન્યુઆરી 2022ના હુમલો કર્યો હતો
પશ્ચિમી કમાન્ડના જણાવ્યા અનુસાર ચીની સૈનિકોએ 7 જાન્યુઆરી 2022ના રોજ શીખ લાઇટ ઇન્ફન્ટ્રી સૈનિકોની એક પોસ્ટ પર હુમલો કર્યો હતો. પ્રશસ્તિપત્રમાં કહેવામાં આવ્યું છે કે ત્યાં તહેનાત યુનિટના એક સૈનિકે હિંમત દાખવી અને શત્રુઓ સાથે લડાઈમાં સામેલ થઈને હુમલાને નિષ્ફળ બનાવવામાં સફળ રહ્યો હતો. આ જવાબી કાર્યવાહીમાં ચાર ચીની સૈનિકો ઘાયલ થયા હતા. તેમના હથિયારો પણ છીનવી લેવામાં આવ્યા હતા.