ચીન તિબેટ વચ્ચે પાછલાં બારણે મંત્રણા શરૂ : 2010થી બંધ પડેલી મંત્રણા સજીવન કરવા પ્રયત્નો
- સામ્યવાદી ચીનના પ્રાંત તરીકે રહેવા તિબેટ તૈયાર છે
- અમે સંપૂર્ણ સ્વતંત્રતા માગતા જ નથી પરંતુ સંપૂર્ણ આંતરિક સ્વાયતત્તા માગીએ છીએ : દલાઈ લામા
ધર્મશાળા : તિબેટની આરઝી હકુમત (દેશવટો ભોગવતી સરકાર) અને ચીન વચ્ચે પાછલાં બારણે મંત્રણા ચાલી રહી છે. આ ઉપરથી અનુમાન બંધાઈ રહ્યું છે કે ૨૦૧૦થી બંધ પડેલી બંને દેશો વચ્ચેની મંત્રણા ફરી શરૂ થવાની સંભાવના છે. વાસ્તવમાં તિબેટમાં ચીન-વિરોધી થયેલા વ્યાપક દેખાવો પછી ૨૦૦૨થી ૨૦૧૦ સુધી ચાલી રહેલી મંત્રણાઓ બંધ પડી હતી.
તિબેટની આરઝી હકુમતના સિક્યોંગ (વડાપ્રધાન) પેનમા ત્સેરિંગે પણ આ સમાચારોને પુષ્ટિ આપી હતી. તેઓએ કહ્યું કે આ માટે બૈજિંગમાં રહેલાં લોકો સાથે કેટલાક મધ્યસ્થીઓ વાતચીત ચલાવી રહ્યા છે, પરંતુ હજી સુધી કોઈ નિર્ણય આવ્યો નથી, તત્કાળ તો આગળ મંત્રણા થવાની સંભાવના પણ દેખાતી નથી.
તેઓએ કહ્યું કે ગતવર્ષની અમે બેક ચેનલ મંત્રણા કરી રહ્યા છીએ. પરંતુ તત્કાળ તો કોઈ પરિણામ દેખાતું નથી. એવું લાગે છે કે મંત્રણાઓ લાંબો સમય લેશે. તે મધ્યસ્થીઓએ પણ કરેલી મંત્રણાઓ ઘણી અનૌપચારિક બની રહી હતી. જો કે બૈજિંગમાં પણ કેટલાક અમારી સાથે સીધી મંત્રણા કરવા આતુર છે. તેમ પણ સેન્ટ્રલ તિબેટીયન એડમિનિ સ્ટ્રેશનના તે વડાએ કહ્યું હતું.
૨૦૦૨થી ૨૦૧૪ સુધીમાં તિબેટના આધાત્મિક ગુરૂ દલાઈ લામા અને ચીનની સરકાર વચ્ચે મંત્રણાના ૧૧ દોર શરૂ થયા હતા.
તિબેટની આરઝી હકુમતના એક અન્ય અગ્રણીએ પત્રકારોને કહ્યું હતું, કે તિબેટ પ્રશ્નના ઉકેલ માટે સત્તાવાર ચર્ચા શરૂ કરવા માટે આ બેક ચેનલ ડાયલોગ હાથ ધરવામાં આવશે.
જો કે ૨૦૨૦માં લડાખમાં ભારત ચીન વચ્ચે થયેલા સંઘર્ષ પછી પરિસ્થિતિ વધુ કથળી છે. તે પણ નિશ્ચિત છે. તિબેટ આમ છતાં મધ્ય માર્ગ અપનાવી આ મડાગાંઠમાંથી માર્ગ શોધવા માગે છે. દલાઈ લામા કહે છે કે હું તિબેટ માટે સંપૂર્ણ સ્વતંત્ર માગતો નથી પરંતુ સંપૂર્ણ આંતરિક સ્વાયત્તતા માનું છું. હું હંમેશા ચીન સાથે મંત્રણા કરવા તૈયાર જ છું તિબેટ ભલે ચીનનો એક ભાગ રહે પરંતુ તેને સંપૂર્ણ સ્વાયત્તતા મળવી જોઇએ.
દલાઈ લામાએ ગત વર્ષે પણ આ વિધાનો જ કર્યાં હતાં. તેમ છતાં ચીન તરફથી કોઈ સ્પષ્ટ પ્રતિભાવ મળ્યો ન હતો. એવું લાગે છે કે ત્સેરિંગ ચીન સાથેની મંત્રણાની સફળતા માટે બહુ આશાવાદી નથી.
૧ ઓક્ટો, ૧૯૪૯માં માઓનાં નેતૃત્વ નીચે ચીનમાં સામ્યવાદી સરકાર રચાઈ પછી ૧૯૫૦માં ચીને તિબેટ પર કબ્જો જમાવી દીધો હતો. તે પછી તેના જુલ્મથી ત્રાસી જઇ દલાઈ લામા તથા સેંકડો તિબેટીઓ ભારતમાં આવી વસ્યા હતા. દલાઈ લામા ધર્મશાળામાં સ્થિર થયા ત્યાં આરઝી હકુમત પણ સ્થાપ્ય છે. ચીન સંપૂર્ણ સ્વાયત્તતા આપવા તૈયાર થશે કે કેમ તે પ્રશ્ન છે. આ સંદર્ભમાં ત્સેરિંગને ભારત અને તિબેટ વચ્ચેના સાંસ્કૃતિક વારસાઓથી સમાનતાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે હીઝ હોલીનેસ દલાઈ લામા કહે છે કે હું તો ભારત ભૂમિનો પુત્ર છું. હું ભારતનાં જ્ઞાાનનો પ્રસાર છું અમે સાંસ્કૃતિક રીતે ભારત સાથે વધુ નિકટવર્તી છીએ. ચીન સાથે નહીં.