ધરતીના ભ્રમણની ગતિ ધીમી કરી વિનાશ લાવવા માગે છે ડ્રેગન? નાસાએ ઉચ્ચારી ચેતવણી
Image Source: Twitter
China Dam: નાસાએ ચેતવણી આપી છે કે, ચીનના વિશાળ થ્રી ગોર્જ ડેમના કારણે ધરતીના ભ્રમણની ગતિ ધીમી પડી ગઈ છે. ડેમમાં મોટા પ્રમાણમાં પાણી સ્ટોર હોવાના કારણે ધરતીના ભ્રમણની ગતિ દરરોજ 0.6 માઈક્રો સેકન્ડ સુધી ધીમી પડી ચૂકી છે. યાંગ્ત્ઝી નદી પર બનેલા આ વિશાળ થ્રી ગોર્જ ડેમમાં વધુ પાણી હોવાના કારણે તેણે ધરતીના 'moment of inertia'ને બદલી નાખ્યો છે, જેના કારણે ભ્રમણ કરતી વખતે ગતિમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.
થ્રી ગોર્જ ડેમ ધરતીની ભ્રમણ ગતિને ધીમી કરવાનું મુખ્ય કારણ
ઉદાહરણ તરીકે જેવી રીતે એક સ્કેટર પોતાના હાથને અંદરની તરફ ખેંચીને વધુ ઝડપથી સ્પિન કરે છે અને તેને ફેલાવીને પોતાની ઝડપ ધીમી કરે છે. એવી જ રીતે ધરતીના ભ્રમણની સ્પીડ પર પાણી ફેલાવાની અસર થાય છે. જ્યારે કોઈપણ વસ્તુનો સમૂહ ધરતીના કેન્દ્રની નજીક હોય છે, ત્યારે ધરતી ઝડપથી ભ્રમણ કરે છે. જો કે, જ્યારે સમૂહ ધરતીની સપાટી પર ફેલાઈ જાય છે, ત્યારે તેની ગતિ ધીમી પડી જાય છે. આ કારણથી થ્રી ગોર્જ ડેમમાં રાખવામાં આવેલ પાણીને ધરતીની ભ્રમણ ગતિને ધીમી કરવાનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.
શું કહે છે નાસાના વિજ્ઞાનીઓ?
નાસાના વિજ્ઞાની બેન્જામિન ફોંગ ચાઓએ કહ્યું કે, 'આ થ્રી ગોર્જ ડેમ એ પૃથ્વીના ભ્રમણની ગતિને 0.06 માઈક્રો સેકન્ડ્સ પ્રતિ દિવસના હિસાબે ધીમી કરી નાખી છે. જો કે, આ ફેરફાર તદ્દન નાનો છે. પરંતુ આ એ દર્શાવે છે કે માનવસર્જિત રચનાઓ પૃથ્વીની કુદરતી પ્રક્રિયાઓને કેવી રીતે અસર કરી શકે છે.'
આ પણ વાંચો: તિબેટનું સૌથી પવિત્ર શહેર કાટમાળમાં ફેરવાયું, 9 કલાકમાં 100થી વધુ ભૂકંપ, 126ના મોત
ધરતીના ભ્રમણની ગતિ કેવી રીતે પ્રભાવિત થાય છે?
ધરતીના ભ્રમણની ગતિને સમજવામાં 'moment of inertia' મહત્વની ભૂમિકા ભજવે છે. આ એ દર્શાવે છે કે, કેવી રીતે સમૂહ ધરતીના ભ્રમણની ધરીના સબંધમાં ફેલાયેલો છે. જ્યારે મોટી માત્રામાં પાણી એકઠું થાય છે, ત્યારે આ સમૂહ વિષુવવૃત્ત તરફ ફેલાય છે, જેના કારણે ધરતીનો 'moment of inertia' બદલાય છે. થ્રી ગોર્જ ડેમમાં 40 બિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ કરી શકાય છે. આ સમૂહને વિષુવવૃત્ત તરફ સ્થાનાંતરિત કરે છે. તે ધરતીના 'moment of inertia'ને થોડો વધારી દે છે, જેના કારણે ધરતીની ગતિ ધીમી પડી જાય છે.
થ્રી ગોર્જ ડેમ એક તકનીકી ચમત્કાર
થ્રી ગોર્જ ડેમ તકનીકી દૃષ્ટિકોણથી એક મહાન ચમત્કાર પણ છે. આ ડેમ 185 મીટર ઊંચો અને 2 કિલોમીટરથી વધુ લાંબો છે, જે વિશ્વનો સૌથી મોટો પાવર જનરેટ કરતો ડેમ છે. પોતાની સંપૂર્ણ ક્ષમતા પર તે 22,500 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે છે, લાખો ઘરો અને ઉદ્યોગોને ઊર્જા પૂરી પાડે છે.