ચીન અમેરિકા માટે ખતરારૂપ : યુદ્ધની તૈયારીઓ કરી રહ્યું છે : નીક્કી હેલી

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
ચીન અમેરિકા માટે ખતરારૂપ : યુદ્ધની તૈયારીઓ કરી રહ્યું છે : નીક્કી હેલી 1 - image


- ચીને ક્યુબામાં અમેરિકા નજીક જ જાસૂસી અડ્ડો બનાવ્યો છે

- અમેરિકાની રિપબ્લિકન પાર્ટીનાં નેતા નીક્કી હેલીએ ચીનને માત્ર અમેરિકા જ નહીં દુનિયા માટે ખતરારૂપ કહ્યું

વૉશિંગ્ટન : અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટેનાં ઉમેદવાર બનાવાનો દાવો કરનારાં નીક્કી હેલીએ ચીનને અમેરિકા અને દુનિયાનાં અસ્તિત્વ માટે ખતરારૂપ જણાવ્યું છે : ભારતીય વંશનાં નેતા, નિક્કીએ આ સાથે, વધુમાં જણાવ્યું હતું કે ચીન યુદ્ધની તૈયારીઓ કરી જ રહ્યું છે.

ન્યૂ હેમ્પસાયરની પ્રાયમરી ચૂંટણીઓ માટે અર્થ વ્યવસ્થા અંગે મહત્ત્વનું નીતિ વિષયક વક્તવ્ય આપતાં તેઓએ કહ્યું હતું કે ચીન અર્ધી સદીથી અમેરિકાને હરાવવાની સાજીશ કરી રહ્યું છે. કેટલીક બાબતમાં ચીન અમેરિકન આર્મીની બરોબર પહોંચી પણ ગયું છે.

હેલીનાં આ વક્તવ્યમા બે દીવસ પહેલાં જ રીપબ્લિકન ઉમેદવાર બનવાનો દાવો કરનારા હેલીના પ્રતિસ્પર્ધી, અને ભારતીય વંશના અમેરિકી નેતા વિવેક રામાસ્વામી બંને અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ-ટ્રમ્પ પછી રીપબ્લિકન ઉમેદવાર બનવા માટે સૌથી વધુ લોકપ્રિય દાવેદાર તરીકે આગળ આવ્યાં છે.

હેલીએ કહ્યું તાકાત અને ગૌરવ આપણાં રાષ્ટ્રીય અસ્તિત્વ માટે અનિવાર્ય છે, ખાસ કરીને કોમ્યુનિસ્ટ ચીન સામે ચીન આપણાં અસ્તિત્વ માટે ખતરારૂપ છે, તેણે આપણને પરાજિત કરવાની સાજીશ રચવામાં અર્ધી સદી વિતાવી છે.

નીક્કી હેલીએ તેવો પણ આક્ષેપ કર્યો છે કે ચીને મેન્યુફેકચરીંગ સાથે સંબંધિત નોકરીઓ આંચકી લીધી છે. આપણાં રહસ્યો પણ જાણી લીધાં છે. હવે તે દવાઓથી શરૂ કરી એડવાન્સ્ડ ટેકનોલોજી સુધીના મહત્ત્વના ઉદ્યોગો ઉપર નિયંત્રણ કરી રહ્યું છે. તે રેકોર્ડ સમયમાં એક પછાત દેશમાંથી દુનિયાથી બીજા ક્રમનું અર્થતંત્ર બની ગયું છે. હવે પ્રથમ ક્રમે પહોંચવાની તેની ઇચ્છા છે, અને ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના તે અંગેના ઇરાદા પણ સ્પષ્ટ છે.

ચીન અત્યંત આધુનિક શસ્ત્ર-સરંજામ તેની સેનાાને સજ્જ કરી રહ્યું છે. તેનો હેતુ અમેરિકાને ડરાવવાનો અને એશિયાના અન્ય વિસ્તારો ઉપર કબજો જમાવવાનો છે, અને તે કાયમી રાખવા સક્ષમ બનાવવા માગે છે.

ચીન તરફથી થનારા સંભવિત હુમલા અંગે ચેતવણી આપતાં હેલીએ કહ્યું : ચીનની સેના કેટલીક બાબતે અમેરિકી સેના બરાબર જ છે. અન્ય ક્ષેત્રોમાં તે આપણને માત આપી રહ્યું છે. ચીનના નેતાઓ એટલા ખાતરીબંધ થઇ ગયા છે કે તે આપણાં હવાઈ ક્ષેત્રોમાં જાસૂસી ગુબ્બારા ચઢાવે છે તેણે આપણા સમુદ્રતટની લગભગ નજીક જ ક્યુબામાં એક જાસૂસી અડ્ડો બનાવ્યો છે. તેથી જરા પણ ગાફેલ રહેવું ન જોઇએ, કોમ્યુનિસ્ટ પાર્ટી યુદ્ધની તૈયારીઓ કરી જ રહી છે. ચીનના નેતાઓ વિજયનો ઇરાદો રાખે છે.


Google NewsGoogle News