યુદ્ધના ભણકારા? ચીને તાઈવાન સરહદ પાસે તહેનાત કર્યા 26 એરક્રાફ્ટ અને 10 જહાજો, મંત્રાલયનો દાવો

Updated: Jun 7th, 2024


Google NewsGoogle News
યુદ્ધના ભણકારા? ચીને તાઈવાન સરહદ પાસે તહેનાત કર્યા 26 એરક્રાફ્ટ અને 10 જહાજો, મંત્રાલયનો દાવો 1 - image


China-Taiwan Controversy : ચીન અને તાઈવાન વચ્ચે ઘણ વર્ષોથી સંઘર્ષ ચાલી રહ્યો છે, ત્યારે ચીને ફરી યુદ્ધના ભણકારાની સ્થિતિ ઉભી કરી વિશ્વભરને ચિંતામાં મુકી દીધું છે. ચીને હંમેશા તેના પર ધાક જમાવવાનો પ્રયાસ કરતો રહે છે. અગાઉ ચીને તાઈવાન મુદ્દે વિશ્વભરને ધમકી આપી હતી કે, 'જે તાઇવાનનું સમર્થન કરશે તેનું અમે માથું ફોડી નાખીશું', ત્યારે હવે ફરી બંને દેશો વચ્ચે ભારે તણાવ શરૂ થયો છે. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે, ચીનના 26 સૈન્ય વિમાનો, 10 નૌકાદળના જહાજો અને ચાર કોસ્ટ ગાર્ડ જહાજો તાઈવાનની સરહદ નજીક જોવા મળ્યા હતા. 

તાઈવાનના વિસ્તારમાં ચીની ડ્રોન

મંત્રાલયના દાવા મુજબ, તાઈવાનના એર ડિફેન્સ આઇડેન્ટિફિકેશન ઝોન (ADIZ)ના દક્ષિણ-પશ્ચિમ તરફ ચીનનું ડ્રોન જોવા મળ્યું હતું. જ્યારે દક્ષિણ પૂર્વ ADIZમાં ચીનના એક પીએલએ હેલિકોપ્ટરને ટ્રેક કરાયું હતું. મીડિયા અહેવાલો મુજબ, તાઈવાને ચીનની કરતુત પર ચાંપતી નજર રાખવા સૈન્ય વિમાનો, નૌકાદળના જહાજો અને એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ્સ તહેનાત કરી દીધી છે.

યુદ્ધના ભણકારા? ચીને તાઈવાન સરહદ પાસે તહેનાત કર્યા 26 એરક્રાફ્ટ અને 10 જહાજો, મંત્રાલયનો દાવો 2 - image

ચીને 2020માં પણ તાઈવાન સામે પડ્યું હતું

થોડા દિવસો પહેલા તાઈવાનના નવા રાષ્ટ્રપતિ તરીકે લાઈ ચિંગે શપથ લીધા હતા, ત્યારબાદ બંને દેશો વચ્ચે સતત તણાવ વધ્યો છે. આ પહેલા ચીને ગ્રે ઝોન રણનીતિ હેઠળ સપ્ટેમ્બર-2020માં તાઈવાનની આસપાસ સૈન્ય વિમાનો અને નૌકાદળના જહાજોની સંખ્યા વધારી હતી. ચીન હંમેશા ગ્રે ઝોન યુદ્ધ રણનીતિનો ઉપયોગ કરી દુશ્મનને નબળો પાડવાનો પ્રયાસ કરતું રહે છે. ગ્રે ઝોન રણનીતિ હેઠળ કોઈપણ દેશ સીધો હુમલો કરતો નથી, પરંતુ એક પ્રકારનો ડર ઉભો કરે છે.

અગાઉ તાઈવાન મુદ્દે ચીને વિશ્વભરને આપી હતી ધમકી

આ પહેલા ચીને મે મહિનામાં વિશ્વભરને ધમકી આપી કહ્યું હતું કે, ‘તાઇવાનની સ્વતંત્રતાનું સમર્થન કરનારાઓનું 'માથું ફોડી નાખવામાં આવશે અને લોહી વહેશે.' સ્વ-શાસિત ટાપુની આસપાસ તેના સૈન્ય અભ્યાસનો ઉદ્દેશ્ય 'ગંભીર ચેતવણી' આપવાનો છે. તાઇવાનની નૌસેનાએ ચીનના યુદ્ધાભ્યાસનું ચિત્ર શેર કર્યું છે.’ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું હતું કે, ચીન જ્યારે તાઇવાનને સમગ્ર રીતે પોતાના કબજામાં લેશે તો તાઇવાનની સ્વતંત્રતાની માંગ કરનારાઓનું માથું ફોડી નખાશે. આ દરમિયાન ચોતરફ માત્ર લોહી વહેશે.

નવા રાષ્ટ્રપતિએ ચીનને આપી હતી ધમકી

તાઇવાનના નવા રાષ્ટ્રપતિ લાઈ ચિંગે પદના શપથ લેતી વખતે ચીનને ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે, ચીન હવે તાઇવાનને ધમકાવવાનું બંધ કરી દે. તેમણે તાઇવાન સમુદ્રધુનિમાં શાંતિ બનાવી રાખવાની વાત કરી હતી અને તાઇવાનમાં લોકશાહીની રક્ષા કરવાના સોગંદ ખાધા હતા, ત્યારબાદથી ચીન ગુસ્સે ભરાયું છે. ઉલ્લેખનીય છે કે, ચીન હંમેશાથી તાઇવાનને ચીનનો હિસ્સો માને છે. ચીન તાઇવાનને ક્યારે અલગ રાષ્ટ્રની માન્યતા નથી આપવા માંગતું. બીજી તરફ તાઇવાનના લોકો ઇચ્છે છે કે ચીન તેના પર પોતાના અધિકાર લગાવવાનું બંધ કરી દે. હવે ચીને નામ લીધા વગર આખી દુનિયાને ધમકી આપી છે.


Google NewsGoogle News