આશ્ચર્યઃ ભારત અને કેનેડાના વિવાદમાં કટ્ટર દુશ્મન ચીને ભારતની તરફેણ કરી
નવી દિલ્હી,તા.21 સપ્ટેમ્બર 2023,ગુરૂવાર
ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા ટકરાવમાં ભારતના ક્ટ્ટર દુશ્મન ચીને ભારતની તરફેણ કરી છે. ચીનના સરકારી અખબારનુ કહેવુ છે કે, ભારતને ચીનથી દુર રાખવા માટે અને ભારતનો ફાયદો લેવા માટે પશ્ચિમના દેશોએ ભારતને દબાવમા રાખવાની નીતિ અપનાવી છે. જેમાં કેનેડા પણ સામેલ છે.
ખાલિસ્તાની આંતકી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ મુકીને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ વિવાદનો મધપૂડો છંછેડી દીધો છે. કેનેડાના મિત્ર એવા પશ્ચિમના દેશો હાલ પુરતો તો કોઈનો પણ પક્ષ લેવાનુ ટાળી રહ્યા છે પણ ભારતના દુશ્મન એવા ચીને આ વિવાદમાં સ્પષ્ટપણે ભારતનો પક્ષ લીધો છે.
ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સનુ કહેવુ છે કે, ભારત અને કેનેડાનો વિવાદ સિખ સમુદાય પર કેન્દ્રીત છે. જેને ભારત ખાલિસ્તાની કહે છે અને આ સમુદાય ભારતની મોદી સરકારનો વિરોધ કરે છે. કેનેડામાં ચાલી રહેલી ખાલિસ્તાન માટેની પ્રવૃત્તિઓ બંને દેશો વોચ્ચે વિવાદનો એક પ્રમુખ મુદ્દો બન્યો છે. જેના કારણે બંને દેશોના સબંધો પર અસર પડી રહી છે.
ચીનના અખબારે કહ્યુ છે કે, આ વિવાદની પાછળ અમેરિકા અને પશ્ચિમના દેશોનુ ષડયંત્ર જવાબદાર છે.
પશ્ચિમના દેશો માનવાધિકારના રખેવાળ હોવાનો દાવો કરે છે અને બીજા દેશોની આ મુદ્દા પર ટીકા કરે છે પણ તેમની પોતાની કરની-કથનીમાં ઘણો ફેર છે. પશ્ચિમના દેશો ભારતની કહેવાતી લોકશાહીની પ્રશંસા એટલે કરે છે કે, ભારતને ચીનથી દૂર રાખી શકાય.
અખબારના કહેવા પ્રમાણે એક તરફ પશ્ચિમના દેશો ભારતમા લઘુમતીઓ માટે સરકારની નીતિનુ સમર્થન કરતા નથી પણ ચીનની સામે ભારતને પોતાના પક્ષમાં રાખવા માટે તેઓ ભારતની લોકશાહીના વખાણ કરે છે અને ભારતને પોતાની સાથે રાખવા માટે ગમે તે હદે જવા તૈયાર છે. પશ્ચિમના દેશોની આ દંભી નીતિ સામે સવાલો ઉભા થવા સ્વાભાવિક છે.