આ તે કેવી અંધશ્રદ્ધા, ચીનમાં મુસાફરે પ્લેનમાં બેસતા પહેલા ગૂડ લક માટે એન્જિનમાં સિક્કો ફેંક્યો, ફ્લાઈટ છ કલાક મોડી પડી

Updated: Mar 9th, 2024


Google NewsGoogle News
આ તે કેવી અંધશ્રદ્ધા, ચીનમાં મુસાફરે પ્લેનમાં બેસતા પહેલા ગૂડ લક માટે એન્જિનમાં સિક્કો ફેંક્યો, ફ્લાઈટ છ કલાક મોડી પડી 1 - image

image : Socialmedia

ટેકનિકલ ખામીના કારણે ફ્લાઈટ કલાકો સુધી મોડી પડતી હોવાની ઘટનાઓ દુનિયાના તમામ દેશમાં બનતી રહી છે પણ ચીનમાં બનેલા એક કિસ્સામાં  વિમાનના ટેક ઓફમાં મોડુ થવાનું કારણ  જાણીને સત્તાધીશો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

મળતી વિગતો પ્રમાણે છઠ્ઠી માર્ચે સાન્યાથી બેજિંગ જતી ચાઈના સધર્ન એરલાઈન્સની ફ્લાઈટે સવારે 10 વાગ્યે ટેક ઓફ કરવાનું હતું, પરંતુ વિમાનમાં બેસતા પહેલા એક મુસાફરે અંધશ્રદ્ધાથી પ્રેરાઈને ગૂડ લક માટે વિમાનના એન્જિનમાં એક સિક્કો ફેંક્યો હતો. આ કારણસર ફ્લાઈટ રોકવાની ફરજ પડી હતી. 

આ ઘટનાના સામે આવેલા એક વીડિયો પ્રમાણે હવાઈ જહાજના એન્જિનમાં સિક્કો ફેંકનારા મુસાફરને એક ફ્લાઈટ એટેન્ડન્ટ જોઈ ગયો હતો. તેણે મુસાફરની પૂછપરછ કરી ત્યારે હકીકત સામે આવી હતી. ત્યાર પછી એન્જિનમાં સિક્કાની શોધખોળ શરૂ કરાઈ હતી અને છ કલાકની જહેમત બાદ સિક્કો મળ્યો હતો. આ સિક્કો મળ્યા પછી ફ્લાઈટને ટેક ઓફ માટે ક્લિયરન્સ અપાયું હતું. 

એરલાઈન્સે કહ્યું હતું કે, ‘મુસાફરે કરેલી હરકત અસભ્ય તો હતી જ પણ વિમાનની સુરક્ષા સામે પણ ગંભીર ખતરો સર્જે તેવી હતી. આ મુસાફર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.’

ચીનમાં કદાચ મુસાફરી કરતા પહેલા સિક્કો ફેંકવાની માન્યતામાં ઘણાં લોકો વિશ્વાસ ધરાવે છે. 2021માં પણ વિફેંગ થી હાઈકૂ નામના સ્થળે જઈ રહેલી ફ્લાઈટમાં બેસતા પહેલા એક મુસાફરે લાલ કાગળમાં લપેટીને સિક્કો વિમાનના એન્જિનમાં ફેંક્યો હતો અને એ પછી આ ફ્લાઈટને રદ કરવાની ફરજ પડી હતી. 


Google NewsGoogle News